ફ્લાય દુબઈની ફ્લાઇટના કોકપિટમાં કો-પાયલટે પાયલટ પર હુમલો કર્યાની ઘટના બાદ ઈઝરાયલે એરપોર્ટ અને ફ્લાઇટની સુરક્ષાને લઈને મોટો નિર્ણય લીધો છે. હવે ઈઝરાયલમાં પ્રવેશતી દરેક ફ્લાઇટના પાયલટની ઓળખ અને સુરક્ષા સંબંધિત માહિતીની વધુ કડક તપાસ કરવામાં આવશે. આ નિયમ ઈઝરાયલી તેમજ વિદેશી એરલાઇન્સની ફ્લાઇટ્સ માટે લાગુ કરવામાં આવશે. આ નિર્ણય ફ્લાય દુબઈની ફ્લાઇટમાં બનેલી ગંભીર ઘટના બાદ લેવામાં આવ્યો છે. UAEથી તેલ અવિવ જઈ રહેલી ફ્લાય દુબઈની FZ1073 ફ્લાઇટમાં કોકપિટની અંદર કો-પાયલટે અચાનક પાયલટ પર છરી વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન વિમાનને તોડી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. ફ્લાઇટમાં કુલ 174 મુસાફરો સવાર હતા, જેમાં મોટાભાગના ઈઝરાયલી નાગરિકો હતા.
હુમલા દરમિયાન પાયલટ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પરિસ્થિતિ વધુ જોખમી બનતા ફ્લાઇટને ઈઝરાયલ લઈ જવાને બદલે સાઉદી અરેબિયાના તાબુક તરફ વાળવામાં આવી હતી. ત્યાં વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ફ્લાઇટમાં સવાર મુસાફરો અને અન્ય ક્રૂ મેમ્બર્સની મદદથી હુમલો કરનાર કો-પાયલટને કાબૂમાં લેવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ફ્લાઇટની સુરક્ષા અને કોકપિટમાં પાયલટોની તપાસને લઈને અનેક સવાલો ઊભા થયા છે. ખાસ કરીને ફ્લાઇટના કોકપિટમાં જ પાયલટ પર હુમલો થવાથી સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક કરવાની જરૂરિયાત અનુભવાઈ છે. ઈઝરાયલ સરકારે હવે દેશમાં આવતી ફ્લાઇટ્સના પાયલટ અંગે વધારાની સુરક્ષા તપાસ કરવાનો નિર્ણય લીધો છે.
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ ઘટનામાં ભારતીય કેપ્ટન સ્મિત મછારની બહાદુરીની પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું હતું કે છરીના હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવા છતાં કેપ્ટન મછારે પરિસ્થિતિનો સામનો કર્યો અને હુમલાખોરનો પ્રતિકાર કર્યો હતો. નેતન્યાહૂના જણાવ્યા અનુસાર, કેપ્ટને કોકપિટનો દરવાજો ખોલવામાં મદદ કરી હતી, જેના કારણે મુસાફરો અને અન્ય ક્રૂ મેમ્બર્સને હુમલાખોર કો-પાયલટ પર કાબૂ મેળવવામાં મદદ મળી. આ દરમિયાન વિમાનમાં સવાર તમામ 174 મુસાફરોના જીવ બચાવવામાં આવ્યા હતા. તેમણે કેપ્ટન મછારના ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પણ પાઠવી હતી.
હવે ઈઝરાયલમાં આવતી દરેક ફ્લાઇટના પાયલટની ઓળખ અને સુરક્ષા સંબંધિત વિગતોની તપાસ વધુ કડક કરવામાં આવશે. ઈઝરાયલના વડાપ્રધાન કાર્યાલયના પ્રવક્તા ડોરોન સ્પીલમેને જણાવ્યું કે દેશમાં આવનારી દરેક ફ્લાઇટના પાયલટની સુરક્ષા તપાસ કરવામાં આવશે. આ પગલાનો હેતુ ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવાનો છે. આ નવા નિર્ણયથી ઈઝરાયલની સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય એરલાઇન્સની ફ્લાઇટ્સ પર વધારાની સુરક્ષા પ્રક્રિયા લાગુ થશે. ફ્લાઇટના પાયલટની ઓળખ અને તેમની સુરક્ષા સંબંધિત માહિતીની ચકાસણી કરવામાં આવશે, જેથી કોઈ શંકાસ્પદ વ્યક્તિ કોકપિટ સુધી પહોંચીને મુસાફરો અને ક્રૂ માટે જોખમ ઊભું ન કરી શકે. ફ્લાય દુબઈની આ ઘટનાએ ફરી એકવાર વિમાનના કોકપિટની સુરક્ષા અને પાયલટોની ચકાસણીના મહત્વને સામે લાવ્યું છે. ઈઝરાયલ હવે આ પ્રકારના જોખમને ધ્યાનમાં રાખીને દેશમાં આવતી તમામ ફ્લાઇટ્સ માટે સુરક્ષા પ્રક્રિયાને વધુ કડક બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે.