મ્યુ. કમિશનરની સૂચનાઓને તાબાના અધિકારીઓ અને કર્મચારીઓ ગણકારતા નથી
દૂધાળા ઢોરના બદલામાં વાછરડા અને રોકડની માંગણીના સંગીન આરોપો; ઢોર પાર્ટીની કામગીરી શંકાના ઘેરામાં
વડોદરા:
વડોદરા શહેરને રખડતા ઢોરોની સમસ્યામાંથી મુક્તિ અપાવવા અને માર્ગોને સુરક્ષિત બનાવવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક તરફ સતત કડક સૂચનાઓ આપવામાં આવી રહી છે, પરંતુ તેમની સૂચનાઓને પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ગણકારતા નથી. પાલિકાની જ ઢોર નિવારણ પાર્ટીની કામગીરી સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો ઉઠતા તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે. રખડતા ઢોર પકડવાની ઝુંબેશ વચ્ચે ઢોર પાર્ટીના જ કર્મચારીઓની મિલીભગતથી ખાનગી વહીવટ ચાલતો હોવાની ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે.
મળતી વિગતો અનુસાર, પાલિકાની ઢોર પાર્ટીના ઇન્ચાર્જ કર્મચાર તથા બંદોબસ્ત માટે તૈનાત કરવામાં આવેલા એક્સ-મેન કર્મચારીની કામગીરી સામે સંગીન આરોપો લાગ્યા છે. સપાટી પર આવેલી માહિતી મુજબ, શહેરમાંથી પકડાયેલી રખડતી ગાયોને ઢોર ડબ્બે પૂરવાને બદલે ગોપાલકો પાસેથી નક્કી કરેલી રકમ વસૂલીને તેમને છોડી દેવામાં આવે છે. આટલું જ નહીં, અત્યંત ચોંકાવનારો આક્ષેપ એ પણ લાગ્યો છે કે દૂધ આપતી ગાયના બદલામાં ગોપાલકો પાસેથી બે વાછરડાં અને સાથે રોકડ રકમની ઉઘાડી માંગણી કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં વડોદરાના માર્ગો પર રખડતા ઢોરોની ટક્કરે અનેક વાહનચાલકો અને નિર્દોષ નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તથા અનેક લોકો આજીવન દિવ્યાંગ બન્યા છે. આવી ગંભીર દુર્ઘટનાઓ બાદ કમિશનર દ્વારા ઢોર પકડવાની કામગીરીમાં કોઈ પણ જાતની બેદરકારી ન રાખવા અને આકરા પગલાં લેવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. પણ તેમની સૂચનાઓને કોઈ ગણકારતા નથી. ઢોર પાર્ટીના કેટલાક કર્મચારીઓની મિલીભગત અને ભ્રષ્ટાચારના કારણે તંત્રના ઉચ્ચ આદેશોનું ખુલ્લેઆમ અનાદર થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.
આ પરિસ્થિતિને કારણે પ્રજાના કરવેરાના નાણાંમાંથી ચાલતી ઢોર પાર્ટીની ગાડીઓ માત્ર ડીઝલ બાળીને દેખાવપૂરતું જ શહેરમાં પેટ્રોલિંગ કરતી હોય તેવો ઘાટ સર્જાયો છે. રસ્તાઓ પર હજુ પણ રખડતા ઢોરોનો ઉપદ્રવ યથાવત રહેતા વાહનચાલકોના શિરે અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. હવે આટલા ગંભીર આક્ષેપો સામે આવ્યા બાદ મ્યુનિસિપલ કમિશનર ભ્રષ્ટ કર્મચારીઓ સામે કડક તપાસ યોજી દાખલારૂપ કાર્યવાહી કરશે કે પછી આ મામલો પણ કાગળ પર જ રહી જશે તે જોવું રહ્યું.કેમકે પાલિકા કમિશનરને તેમની સૂચનાઓનું કેટલું પાલન થયું તે જોવાની ફુરસદ જ હોતી નથી.