World

અમેરિકાની ટેરિફની ધમકી વચ્ચે પણ રશિયા ભારતનો સૌથી મોટો ક્રૂડ ઓઈલ સપ્લાયર બન્યો

ભારતે અમેરિકાની ટેરિફની ધમકી છતાં પોતાની ઊર્જા સુરક્ષાને પ્રાથમિકતા આપતા રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદીમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. જુલાઈ મહિનામાં ભારતે રશિયા પાસેથી એટલું ક્રૂડ ઓઈલ ખરીદ્યું કે દેશની કુલ આયાતમાં તેનો હિસ્સો પહેલી વખત 50 ટકાથી વધુ રહ્યો. આ આંકડો દર્શાવે છે કે ભારત હજુ પણ સસ્તું અને વિશ્વસનીય ક્રૂડ મેળવવા માટે રશિયા પર સૌથી વધુ ભરોસો કરી રહ્યું છે.

જુલાઈ દરમિયાન ભારતની કુલ ક્રૂડ ઓઈલ આયાત દરરોજ અંદાજે 50 લાખ બેરલ રહી હતી. તેમાંમાંથી દરરોજ લગભગ 27થી 28 લાખ બેરલ ક્રૂડ ઓઈલ માત્ર રશિયા પાસેથી આયાત કરવામાં આવ્યું હતું. આ સાથે રશિયા ભારતનો સૌથી મોટો ક્રૂડ ઓઈલ સપ્લાયર બની ગયો છે. અત્યાર સુધી ભારત માટે પશ્ચિમ એશિયાના દેશો મહત્વના પુરવઠાકાર રહ્યા હતા, પરંતુ હવે રશિયાએ તેમને પાછળ છોડી દીધા છે.

ભારતને ક્રૂડ ઓઈલ સપ્લાય કરનારા દેશોમાં યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ) બીજા અને સાઉદી અરેબિયા ત્રીજા સ્થાને છે. જોકે, બંને દેશોનો મળીને જેટલો પુરવઠો થાય છે, તે પણ રશિયા એકલો કરે છે તેના કરતાં ઓછો છે. આ બદલાવ માત્ર વેપારનો આંકડો નથી, પરંતુ ભારતની ઊર્જા નીતિમાં આવેલા મોટા પરિવર્તનનો સંકેત પણ માનવામાં આવી રહ્યો છે. આ વધારો એવા સમયે નોંધાયો છે જ્યારે અમેરિકા રશિયા પાસેથી તેલ ખરીદનારા દેશો સામે કડક વલણ અપનાવી રહ્યું છે. અમેરિકાએ રશિયન ક્રૂડની ખરીદી ચાલુ રાખનારા દેશો પર 100 ટકા સુધીની ટેરિફ લગાવવાની ચેતવણી આપી છે. તેમ છતાં ભારતે પોતાની જરૂરિયાત અને આર્થિક હિતને ધ્યાનમાં રાખીને રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી ચાલુ રાખી છે.

ઊર્જા ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં ક્રૂડ ઓઈલના સ્ત્રોતોમાં વૈવિધ્ય લાવવાની જે વ્યૂહરચના અપનાવી છે, તેનો હવે સીધો લાભ મળી રહ્યો છે. વિવિધ દેશોમાંથી તેલ ખરીદવાની નીતિના કારણે વૈશ્વિક ભૂરાજકીય તણાવ અને સપ્લાય ચેઇનમાં આવતી મુશ્કેલીઓ વચ્ચે પણ ભારત પોતાની ઊર્જાની જરૂરિયાત સરળતાથી પૂરી કરી શક્યું છે. કેપ્ચરના સિનિયર રિસર્ચ એનાલિસ્ટ નિખિલ દુબેના જણાવ્યા પ્રમાણે, ભારતની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવવામાં રશિયાની મોટી ભૂમિકા રહી છે. તેમણે જણાવ્યું કે વિવિધ સ્ત્રોતોમાંથી તેલ મેળવવાની નીતિના કારણે ભારતીય રિફાઈનરીઓને સતત અને સ્થિર પુરવઠો મળ્યો છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ પડકારજનક હોવા છતાં દેશમાં ઈંધણની ઉપલબ્ધિ પર ખાસ અસર પડી નથી.

રશિયા ભારતને ડિસ્કાઉન્ટ પર ક્રૂડ ઓઈલ ઉપલબ્ધ કરાવી રહ્યું હોવાથી ભારતને આર્થિક રીતે પણ મોટો ફાયદો થયો છે. સસ્તા દરે તેલ મળવાથી આયાત ખર્ચમાં ઘટાડો થયો છે, જેના કારણે સરકાર પર વધારાનો નાણાકીય બોજ ઓછો રહ્યો છે. આ ઉપરાંત રાજકોષીય ખાધને નિયંત્રણમાં રાખવામાં પણ મદદ મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધઘટ વચ્ચે ડિસ્કાઉન્ટવાળી ખરીદી ભારત માટે ફાયદાકારક સાબિત થઈ રહી છે. પશ્ચિમ એશિયામાં સતત વધી રહેલા તણાવ અને ત્યાંના કેટલાક વિસ્તારોમાં પુરવઠાને લઈને સર્જાતી અનિશ્ચિતતા વચ્ચે ભારત માટે રશિયા વધુ વિશ્વસનીય સપ્લાયર તરીકે ઉભરી આવ્યું છે. આવા સમયમાં સતત અને મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ ઉપલબ્ધ કરાવવાની રશિયાની ક્ષમતાએ ભારતનો વિશ્વાસ વધુ મજબૂત કર્યો છે.

ભારત માટે ઊર્જા સુરક્ષા સૌથી મહત્વનો મુદ્દો છે, કારણ કે દેશ પોતાની જરૂરિયાતનો મોટો ભાગ આયાતથી પૂરો કરે છે. તેથી સરકાર અને ઓઈલ કંપનીઓ ભાવ, ઉપલબ્ધતા અને લાંબા ગાળાની સ્થિરતા જેવા તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ખરીદીનો નિર્ણય લે છે. હાલના આંકડા દર્શાવે છે કે ભારતે આર્થિક લાભ અને ઊર્જા સુરક્ષાને પ્રાથમિકતા આપતા રશિયા સાથેનો વેપાર વધુ મજબૂત બનાવ્યો છે. આગામી સમયમાં અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશોનું વલણ શું રહેશે અને વૈશ્વિક રાજકીય પરિસ્થિતિ કેવી રીતે બદલાશે તેના પર ભારતની આયાતની વ્યૂહરચના પણ આધાર રાખશે. જોકે હાલમાં તો જુલાઈના આંકડા સ્પષ્ટ રીતે દર્શાવે છે કે રશિયા ભારતનો સૌથી મોટો ક્રૂડ ઓઈલ સપ્લાયર બની ગયો છે અને બંને દેશો વચ્ચેનો ઊર્જા વેપાર સતત મજબૂત બની રહ્યો છે.

Most Popular

To Top