World

ભારતના ઓછા વ્યાજદરો જોઈ ટ્રમ્પ ખુશ, અમેરિકાની ફેડરલ રિઝર્વ પર કર્યા આકરા પ્રહાર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની આર્થિક નીતિઓ અને ખાસ કરીને ઓછા વ્યાજદર તથા 7 ટકાના જીડીપી ગ્રોથની પ્રશંસા કરી છે. એશિયા પ્રવાસથી પરત ફર્યા બાદ એક કાર્યક્રમમાં સંબોધન કરતાં ટ્રમ્પે અમેરિકાની સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વની નીતિઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે અમેરિકામાં વ્યાજદર જરૂર કરતાં વધુ ઊંચા રાખવામાં આવી રહ્યા છે અને ફેડરલ રિઝર્વ રાજકીય રીતે કામ કરી રહી છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે જો અમેરિકા ભારત જેવી આર્થિક નીતિઓ અપનાવે તો તેનો જીડીપી ગ્રોથ 14થી 20 ટકા સુધી પહોંચી શકે છે.

ટ્રમ્પે ફેડરલ રિઝર્વની નીતિઓની ટીકા કરતાં કહ્યું હતું કે અમેરિકામાં વ્યાજદર ઊંચા રહેવાનું એક કારણ ફેડરલ રિઝર્વની રાજકીય કાર્યપદ્ધતિ છે. તેમના મતે જ્યારે દેશના આર્થિક આંકડા સારા થઈ રહ્યા હોય ત્યારે સેન્ટ્રલ બેંકે વ્યાજદર વધારવાને બદલે ઘટાડવા જોઈએ. ટ્રમ્પનું માનવું છે કે ઊંચા વ્યાજદરને કારણે આર્થિક વિકાસની ગતિ પર અસર પડી રહી છે. તેમણે ફેડરલ રિઝર્વની નીતિઓને લઈને પોતાનો અસંતોષ ફરી એકવાર જાહેર કર્યો હતો.

ભારતનું ઉદાહરણ આપતાં ટ્રમ્પે કહ્યું હતું કે ભારતમાં વ્યાજદર ઓછા છે અને દેશનો જીડીપી ગ્રોથ આશરે 7 ટકા છે. તેમણે દાવો કર્યો કે જો અમેરિકા પણ યોગ્ય આર્થિક અભિગમ અપનાવે તો તેનો વિકાસદર હાલના 4 ટકાના સ્તરથી વધીને 14, 15 કે 20 ટકા સુધી પહોંચી શકે છે. ટ્રમ્પના મતે આર્થિક વિકાસની ગતિ વધવાથી અમેરિકા પોતાના રાષ્ટ્રીય દેવાની ચુકવણી પણ ઝડપથી કરી શકશે.

પોતાના સંબોધનમાં ટ્રમ્પે અમેરિકાની ફેડરલ રિઝર્વના પૂર્વ ચેરમેન એલન ગ્રીનસ્પેનની પણ પ્રશંસા કરી હતી. તેમણે ગ્રીનસ્પેનને શ્રેષ્ઠ ચેરમેન ગણાવતાં કહ્યું હતું કે સારા આર્થિક આંકડા સામે આવે ત્યારે તેઓ વ્યાજદરમાં ઘટાડો કરીને અર્થતંત્રને વેગ આપતા હતા. ટ્રમ્પના મતે વર્તમાન ફેડરલ રિઝર્વનું મેનેજમેન્ટ તેનાથી વિપરીત અભિગમ અપનાવી રહ્યું છે, જેના કારણે અમેરિકાના આર્થિક વિકાસને અસર થઈ રહી છે.

ટ્રમ્પનાં નિવેદનથી ફરી એકવાર અમેરિકાની નાણાકીય નીતિ અને ફેડરલ રિઝર્વની સ્વતંત્રતા અંગે ચર્ચા શરૂ થઈ છે. એક તરફ ટ્રમ્પ ભારતના ઓછા વ્યાજદર અને આર્થિક વિકાસને ઉદાહરણ તરીકે રજૂ કરી રહ્યા છે, તો બીજી તરફ અમેરિકાની સેન્ટ્રલ બેંકની નીતિઓને વિકાસમાં અવરોધરૂપ ગણાવી રહ્યા છે.

Most Popular

To Top