Gujarat

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે ભયાનક ટક્કર, 2નાં મોત; અનેક ઈજાગ્રસ્ત

ધોરાજીથી સુરત લગ્ન પ્રસંગમાં જઈ રહેલી લક્ઝરી બસનો ભરૂચના દેરોલ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. બસ અને ટેન્કર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બે લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે બાળકો અને મહિલાઓ સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતમાં બસના ડ્રાઇવરને પણ ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, લક્ઝરી બસમાં સવાર મુસાફરો ધોરાજીથી સુરત ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. આ દરમિયાન ભરૂચના દેરોલ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બસ અને ટેન્કર વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બંને વાહનો અથડાતાં મોટો ધડાકો સંભળાયો હતો. અકસ્માતમાં બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચ્ચરઘાણ થઈ ગયો હતો.

અકસ્મતમાં બાળકો અને મહિલાઓ સહિત અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. બસના ડ્રાઇવરને પણ ઈજા પહોંચી છે. ઘટનાની જાણ થતાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ, અકસ્માતને પગલે એક્સપ્રેસ વે પર વાહનોની અવરજવર પ્રભાવિત થઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

Most Popular

To Top