Business

સોનું એક વર્ષના તળિયે: કિંમત ₹1.23 લાખ, ચાંદી ઘટીને ₹1.50 લાખ થઈ

સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો ચાલુ છે. IBJA (ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન) અનુસાર શુક્રવારે 24 કેરેટ સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ ₹5,947નો ઘટાડો નોંધાયો જેનાથી તેનો ભાવ ઘટીને ₹1.23 લાખ થઈ ગયો છે.

આ ઘટાડા સાથે સોનાના ભાવ લગભગ એક વર્ષ પહેલાંના સ્તરે પાછા ફર્યા છે. ગયા વર્ષે 24 નવેમ્બરના રોજ 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹1,23,308 હતો. ત્યારબાદ આખું વર્ષ ભાવ તેનાથી ઊંચા રહ્યા હતા.

બીજી તરફ શુક્રવારે ચાંદીના ભાવમાં પણ પ્રતિ કિલોગ્રામ ₹9,789નો ઘટાડો જોવા મળ્યો, જેનાથી તેનો ભાવ પ્રતિ કિલોગ્રામ ₹1.50 લાખ થઈ ગયો છે. યુએસ ડોલર મજબૂત થવાને કારણે અને ઊંચા ભાવે નફો વસૂલવા (પ્રોફિટ-બુકિંગ) માટે વેચવાલી થવાથી સોના અને ચાંદીના ભાવ દબાણ હેઠળ છે.

સોનું તેના સર્વોચ્ચ સ્તરથી 30% ઘટ્યું; ચાંદીમાં 60% સુધીનો ઘટાડો
આ વર્ષે સોના અને ચાંદીના ભાવમાં ભારે અસ્થિરતા જોવા મળી છે. 31 ડિસેમ્બર, 2025ના રોજ 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹1.33 લાખ હતો, જે 29 જાન્યુઆરીએ વધીને ₹1.76 લાખના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો. ત્યારથી સોનાના ભાવમાં લગભગ ₹52,400નો ઘટાડો થયો છે જે આશરે 30% જેટલો ઘટાડો દર્શાવે છે.

તે જ રીતે 31 ડિસેમ્બર, 2025ના રોજ ચાંદીનો ભાવ ₹2.30 લાખ હતો, જે 29 જાન્યુઆરીએ વધીને ₹3.80 લાખની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. ત્યારથી ચાંદીના ભાવમાં લગભગ ₹2.29 લાખનો ઘટાડો આવ્યો છે, જે 60% જેટલો ઘટાડો સૂચવે છે.

સોના-ચાંદીના ભાવમાં આવેલા આ ઘટાડા પાછળ આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ સહિતનાં અનેક કારણો જવાબદાર માનવામાં આવી રહ્યાં છે. અમેરિકામાં મોંઘવારીની ચિંતાને કારણે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવે તેવી આશંકા વધી છે. વ્યાજદર ઊંચા રહેવાની શક્યતા સોના જેવી વ્યાજ ન આપતી સંપત્તિ માટે દબાણ ઊભું કરી શકે છે. રોકાણકારો વધુ વળતર આપતા વિકલ્પો તરફ વળે ત્યારે સોનાની માંગ પર અસર થતી હોય છે.

બીજું મોટું કારણ અમેરિકી ડોલરની મજબૂતી છે. ડોલર ઈન્ડેક્સમાં તેજી આવતાં સોના પર દબાણ વધ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત સામાન્ય રીતે ડોલરમાં નક્કી થતી હોવાથી ડોલર મજબૂત બને ત્યારે અન્ય દેશોના ખરીદદારો માટે સોનું મોંઘું પડે છે. તેના કારણે માંગ ઘટવાની શક્યતા રહે છે અને ભાવ પર અસર થાય છે.

Most Popular

To Top