World

સાઉદી અરેબિયા પર 3 બેલેસ્ટિક મિસાઇલો દ્વારા હુથીઓનો મોટો હુમલો

યમનમાં હુથી વિદ્રોહી જૂથ અને સાઉદી અરેબિયાના નેતૃત્વ હેઠળના ગઠબંધન વચ્ચેનો સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે. શનિવારે, સાઉદી અરેબિયાની રાજધાની રિયાધ પર હવાઈ હુમલાનું જોખમ તોળાયું હતું. સાઉદી ગઠબંધને જણાવ્યું હતું કે રિયાધ તરફ છોડવામાં આવેલી ત્રણ બેલેસ્ટિક મિસાઇલોને હવામાં જ અટકાવીને નષ્ટ કરી દેવામાં આવી હતી. દરમિયાન, હુથી જૂથે દાવો કર્યો છે કે તેમણે સાઉદી અરેબિયાના વિવિધ વિસ્તારોમાં વળતા હુમલા કર્યા છે, જેનાથી બંને પક્ષો વચ્ચે તણાવ વધુ વધ્યો છે.

રિયાધમાં હવાઈ હુમલાની ચેતવણી; વિસ્ફોટો સંભળાયા
હુમલા પહેલાં સાઉદી સત્તાવાળાઓએ રિયાધના રહેવાસીઓને સતર્ક રહેવાની સલાહ આપી હતી અને શહેરમાં હવાઈ હુમલાની ચેતવણી જારી કરવામાં આવી હતી. ત્યારબાદ તરત જ બે વિસ્ફોટો સંભળાયા હતા, જે પછી ચેતવણી પાછી ખેંચી લેવામાં આવી હતી. સાઉદી ગઠબંધને પાછળથી પુષ્ટિ કરી કે રાજધાની તરફ આવતી ત્રણ બેલેસ્ટિક મિસાઇલોને અટકાવીને નષ્ટ કરવામાં આવી છે. જોકે હુથી જૂથે દાવો કર્યો છે કે તેમણે રિયાધ સહિત સાઉદી અરેબિયાના અનેક સ્થળોને નિશાન બનાવ્યા છે.

હુથી વિદ્રોહીઓએ વળતા હુમલાની ધમકી આપી હતી
આ તાજેતરનો તણાવ શુક્રવારે યમનમાં સાઉદી ગઠબંધન દ્વારા કરવામાં આવેલા હુમલાઓ બાદ સર્જાયો છે. ગઠબંધને લાલ સમુદ્રના બંદર શહેર હોદૈદાહ અને અન્ય વિસ્તારોમાં ‘વિશેષ કામગીરી’ (સ્પેશિયલ ઓપરેશન્સ) હાથ ધરી હતી, જેમાં હથિયારોની દાણચોરી અને પરિવહન સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓને નિશાન બનાવવામાં આવી હતી. સના, સાદા અને તાઈઝ પ્રાંતોમાં પણ હુમલા થયા હોવાના અહેવાલ છે. તેના જવાબમાં હુથીઓએ સાઉદી અરેબિયા સામે વળતી કાર્યવાહી કરવાની ધમકી આપી હતી.

જેદ્દાહ અને લાલ સમુદ્રના બંદરોને નિશાન બનાવવાની ચેતવણી
હુથીઓએ અગાઉ ચેતવણી આપી હતી કે જો હોદૈદાહ બંદર પર કોઈ હુમલો થશે તો તેઓ સાઉદી શહેર જેદ્દાહ તેમજ લાલ સમુદ્ર પર આવેલા અન્ય બંદરોને નિશાન બનાવશે. આ જૂથે રિયાધના નાણાકીય જિલ્લા અને અલ-શુકાઈક સ્થિત પાવર સ્ટેશન પર હુમલો કરવાની પણ ધમકી આપી હતી. હુથીઓના ‘માનવીય કામગીરી સંકલન કેન્દ્ર’ (Humanitarian Operations Coordination Center) એ જેદ્દાહ બંદરનો ઉપયોગ કરતી શિપિંગ કંપનીઓ અને અન્ય સંસ્થાઓને ઈમેલ મોકલીને તે વિસ્તાર ખાલી કરવાની ચેતવણી આપી હતી.

સાઉદી ગઠબંધને હોદેઇદા બંદર પર શું કાર્યવાહી કરી?
સાઉદી અરેબિયાના નેતૃત્વ હેઠળના ગઠબંધનના પ્રવક્તા તુર્કી અલ-માલિકીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર જણાવ્યું હતું કે, હોદેઇદા બંદર પરના લક્ષ્યો પર હુમલા કરવામાં આવ્યા છે. આ બંદરનો ઉપયોગ હથિયારો અને બેલેસ્ટિક મિસાઇલોની દાણચોરી તથા હેરફેર માટે કરવામાં આવતો હતો. ગઠબંધને નાગરિકોને હોદેઇદા બંદર ખાલી કરવાની ચેતવણી પણ આપી હતી. આ ઘટના બાદ, હુથી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયાના બંદરોને નિશાન બનાવવાની તેમની ધમકીનું પુનરાવર્તન કર્યું છે.

હુમલાઓમાં બંને પક્ષોને ભારે નુકસાન થયાનો દાવો
હુથી જૂથે દાવો કર્યો છે કે છેલ્લા ૨૪ કલાકમાં સાઉદી અરેબિયાના નેતૃત્વ હેઠળના ગઠબંધનના હુમલાઓમાં ૪૧ લોકો માર્યા ગયા છે. બીજી તરફ, યમનમાં સાઉદી સમર્થિત દળોના જણાવ્યા અનુસાર, ડઝનબંધ હવાઈ હુમલાઓ, ડ્રોન હુમલાઓ અને બોમ્બમારામાં ૧૯૩ હુથી લડવૈયાઓ માર્યા ગયા છે અથવા ઘાયલ થયા છે. બંને પક્ષોના આ દાવાઓની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.

અલ-શુકાઈકમાં મિસાઇલના અવશેષો પડ્યા
સાઉદી અરેબિયાના નેતૃત્વ હેઠળના ગઠબંધનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે યમન સરહદ નજીક જીઝાન વિસ્તારમાં બે બેલેસ્ટિક મિસાઇલોને હવામાં જ રોકી દેવામાં આવી હતી. આ મિસાઇલોના અવશેષો અલ-શુકાઈક વિસ્તારમાં પડ્યા હતા. બીજી બાજુ હુથી જૂથના લશ્કરી પ્રવક્તાએ દાવો કર્યો છે કે તેમના જૂથે અલ-શુકાઈક પાવર સ્ટેશન અને જીઝાન બંદર પર સચોટ અને સીધા હુમલા કર્યા છે જેનાથી ત્યાં ભારે નુકસાન થયું છે.

મોચામાં આવેલા પાવર સ્ટેશનની તસવીરો જાહેર
ગઠબંધનના હવાઈ હુમલાઓ બાદ હુથી સમર્થિત ‘અલ-મસીરાહ’ ટીવી ચેનલે મોચામાં આવેલા એક ક્ષતિગ્રસ્ત પાવર સ્ટેશનની તસવીરો પ્રસારિત કરી હતી. હુથીઓએ સાઉદી અરેબિયાના હવાઈ ક્ષેત્રને અસુરક્ષિત જાહેર કર્યું છે. જૂથે એરલાઇન્સને ચેતવણી આપી છે કે આગામી કલાકોમાં સાઉદી અરેબિયાનું હવાઈ ક્ષેત્ર તેમના સૈન્ય અભિયાનોનું મુખ્ય કેન્દ્ર બની શકે છે. જોકે તેમણે મક્કા અને મદીના ઉપરના પવિત્ર હવાઈ ક્ષેત્રને આ ચેતવણીમાંથી બાકાત રાખ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે સાઉદી અરેબિયાએ શાંતિ સ્થાપવાના પ્રયાસરૂપે હુથીઓને એક અબજ ડોલરની ઓફર કરી હતી જોકે આ અંગે અત્યાર સુધી કોઈ નક્કર પ્રગતિ જોવા મળી નથી.

Most Popular

To Top