Sports

પૂર્વ પતિ કારુંગ ઓન્ખોલેરે મેરી કોમ સામે માનહાનિની ફરિયાદ નોંધાવી, સાકેત કોર્ટે ફટકારી નોટિસ

ભારતની દિગ્ગજ બોક્સર મેરી કોમ ફરી એક વખત ચર્ચામાં આવી છે. આ વખતે તેમના પૂર્વ પતિ કારુંગ ઓન્ખોલેર સાથેના વિવાદને લઈને કાનૂની મુશ્કેલી ઊભી થઈ છે. ઓન્ખોલેરે મેરી કોમ વિરુદ્ધ માનહાનિની ફરિયાદ નોંધાવી છે, જેના પગલે દિલ્હીની સાકેત કોર્ટે બોક્સરને નોટિસ ફટકારી છે. આ કેસમાં આગામી સુનાવણી 21 ડિસેમ્બરે યોજાશે. કારુંગ ઓન્ખોલેરની માનહાનિ ફરિયાદના સંબંધમાં આજે તેમણે અને અન્ય સાક્ષીઓએ કોર્ટમાં પોતાનાં નિવેદનો નોંધાવ્યાં હતાં. ઓન્ખોલેરનો આરોપ છે કે મેરી કોમે એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમના વિશે વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી, જેના કારણે તેમની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે. આ મામલે તેમણે દિલ્હીની સાકેત કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે.

મેરી કોમે અગાઉ પોતાના પૂર્વ પતિ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે બોક્સિંગ કારકિર્દી દરમિયાન કમાયેલા કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આ ઉપરાંત, તેમની મિલકત ગીરવે મૂકીને તેમના નામે લોન લેવામાં આવી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. મેરી કોમના જણાવ્યા મુજબ, તેમની મંજૂરી વિના મિલકત ઓન્ખોલેરના નામે ટ્રાન્સફર કરાવવામાં આવી હતી. જોકે, ઓન્ખોલેરે મેરી કોમ દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે આક્ષેપોને સાબિત કરવા માટે મેરી કોમને પડકાર ફેંક્યો હતો અને મામલો કોર્ટ સુધી પહોંચાડ્યો છે. હવે તેમણે મેરી કોમ પાસે માફી માગવાની સાથે વળતર ચૂકવવાની પણ માંગ કરી છે. આ કેસમાં હવે 21 ડિસેમ્બરે થનારી સુનાવણી પર સૌની નજર રહેશે. કોર્ટમાં બંને પક્ષોની રજૂઆતો અને પુરાવાઓના આધારે આગળની કાર્યવાહી નક્કી થશે.

Most Popular

To Top