યુટ્યુબર ધ્રુવ રાઠીની મુશ્કેલીમાં વધારો થયો છે. દિલ્હીની એક કોર્ટે 2018ના માનહાનિના કેસમાં તેમની વિરુદ્ધ નવેસરથી જામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. ફરિયાદી વિકાસ સાંકૃત્યાયન દ્વારા દાખલ કરવામાં આવેલા આ કેસમાં અગાઉ પણ વોરંટ જારી કરાયું હતું, પરંતુ નોટિસની બજવણી થઈ ન શકતાં કોર્ટે ફરી કાર્યવાહી કરી છે. આ મામલે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ રાહુલ જૈન દ્વારા આદેશ કરવામાં આવ્યો છે, જ્યારે વિગતવાર આદેશ હજી પેન્ડિંગ છે.
ફરિયાદી વિકાસ સાંકૃત્યાયનનો આરોપ છે કે ધ્રુવ રાઠીએ પોતાની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરેલા એક વીડિયોમાં તેમની માનહાનિ કરી હતી. આ મામલે વર્ષ 2018માં કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ 2019માં ધ્રુવ રાઠીને કોર્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા હતા.
ગત 17 ઓક્ટોબરે પણ કોર્ટે ધ્રુવ રાઠી વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. જોકે, વોરંટ બજાવવા ગયેલા અધિકારીએ અહેવાલ આપ્યો હતો કે તેમના રહેઠાણ પર તાળું મારેલું હતું. નોટિસની બજવણી થઈ ન શકતાં કોર્ટે હવે ફરીથી જામીનપાત્ર વોરંટ જારી કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે હરિયાણાના ગુરુગ્રામમાં તેમના સરનામે નવું સમન્સ પણ મોકલવામાં આવ્યું છે.
ફરિયાદી વિકાસ સાંકૃત્યાયન તરફથી હાજર રહેલા વકીલ સામખ શર્માએ કોર્ટને જણાવ્યું હતું કે ધ્રુવ રાઠી સામાન્ય રીતે ઑસ્ટ્રિયામાં રહે છે અને તાજેતરમાં દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા માટે ભારત આવ્યા હતા. આ બાબતને ધ્યાનમાં રાખીને કોર્ટે તેમની હાજરી સુનિશ્ચિત કરવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ માનહાનિના કેસની શરૂઆત વર્ષ 2018માં થઈ હતી. તે સમયે ધ્રુવ રાઠીએ એક વીડિયો બનાવ્યો હતો, જેને દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ વીડિયો સામે વાંધો ઉઠાવી વિકાસ સાંકૃત્યાયને ધ્રુવ રાઠી અને અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ માનહાનિની ફરિયાદ દાખલ કરી હતી.
જોકે, અરવિંદ કેજરીવાલે બાદમાં કોર્ટ સમક્ષ વીડિયો શેર કરવામાં પોતાની ભૂલ સ્વીકારી હતી. તેમણે સ્વીકાર્યું હતું કે વીડિયો શેર કરવો તેમની ભૂલ હતી. ત્યારબાદ કેજરીવાલ સામેનો કેસ સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલાઈ ગયો હતો. પરંતુ ધ્રુવ રાઠી સામેનો કેસ હજી ચાલુ છે અને હવે નવા જામીનપાત્ર વોરંટને કારણે આ મામલો ફરી ચર્ચામાં આવ્યો છે.