દિલ્હીના રામલીલા મેદાનમાં મત ચોરી અને મતદાર યાદીની ખાસ સઘન સુધારણા પ્રક્રિયા (SIR)ના વિરોધમાં ઇન્ડિયા બ્લોક દ્વારા મેગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં કોંગ્રેસ સહિત વિવિધ વિપક્ષી પક્ષોના અગ્રણી નેતાઓ ભાગ લઈ રહ્યા છે. રેલીમાં હાજરી આપવા માટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ, આરજેડીના તેજસ્વી યાદવ, ટીએમસીના નેતાઓ, સંજય રાઉત અને ફારુક અબ્દુલ્લા સહિતના નેતાઓ એકત્ર થયા હતા.

રેલી પહેલાં તમામ વરિષ્ઠ વિપક્ષી નેતાઓ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને પહોંચ્યા હતા. ત્યારબાદ નેતાઓ ખુલ્લી બસ અને ખુલ્લા વાહનમાં સવાર થઈને રામલીલા મેદાન તરફ રવાના થયા હતા. આ કૂચ મિન્ટો બ્રિજથી શરૂ થઈ હતી. રાહુલ ગાંધી ખુલ્લા વાહનમાં ડ્રાઇવરની બાજુમાં આગળની હરોળમાં બેઠા હતા. તેમની સાથે અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ અને અન્ય વિપક્ષી નેતાઓ પણ જોવા મળ્યા હતા.

રેલીના રૂટમાં કનોટ પ્લેસ, મિન્ટો રોડ જંક્શન અને અજમેરી ગેટનો સમાવેશ થાય છે. રેલીને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. અનેક માર્ગો પર વાહનવ્યવહાર બંધ અથવા ડાયવર્ટ કરવામાં આવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રેલી શરૂ થાય તે પહેલાં જ રામલીલા મેદાનમાં આશરે 20 હજાર લોકો એકત્ર થયા હતા. જોકે, વિપક્ષી પક્ષોએ આ રેલીમાં એક લાખ લોકોની હાજરીનો દાવો કર્યો છે.

રામલીલા મેદાનમાં સંબોધન દરમિયાન કોંગ્રેસના નેતા અશોક ગેહલોતે ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે આઝાદી પછી દેશ પહેલીવાર આ પ્રકારનો માહોલ જોઈ રહ્યો છે. SIR પ્રક્રિયા દરમિયાન મતદારોનાં નામ રદ થાય અને સંબંધિત વ્યક્તિને તેની જાણ પણ ન થાય તો લોકશાહી કેવી રીતે ટકી શકે? ચૂંટણીમાં કોઈ પક્ષ જીતે કે હારે તે અલગ બાબત છે, પરંતુ ચૂંટણી પંચની કામગીરી અને નિષ્પક્ષતા અંગે ઊભા થતા પ્રશ્નો ગંભીર છે. લોકશાહીને મજબૂત રાખવા માટે ચૂંટણી પંચે નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજવી જરૂરી છે.
વિપક્ષી પક્ષો SIR પ્રક્રિયાના વિરોધ સાથે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ ઉઠાવી રહ્યા છે. મતદાર યાદીમાંથી નામ કાપવા અને મત ચોરીના આક્ષેપોને મુદ્દો બનાવી ઇન્ડિયા બ્લોક આ રેલી દ્વારા કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ સામે પોતાનો વિરોધ નોંધાવી રહ્યો છે.