SURAT

અશાંતધારામાં નોટરી કરારથી નામફેરનો મુદ્દો ગરમાયો, સુરતના પૂર્વ કોર્પોરેટરે CM-DyCMને લખ્યો પત્ર

અશાંતધારા હેઠળ આવતાં વિસ્તારોમાં મિલકતના નામફેર માટે નોટરી કરારનો ઉપયોગ થતો હોવાના મુદ્દે સુરતના પૂર્વ કોર્પોરેટર કેયુર ચપટવાળાએ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી છે. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર પાઠવીને રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં મિલકતના વેરા બિલમાં નામફેર કરવા માટે એકસમાન અને કડક માર્ગદર્શિકા જાહેર કરવાની માગ કરી છે. ખાસ કરીને અશાંતધારા હેઠળના વિસ્તારોમાં કલેક્ટરની પૂર્વ મંજૂરી વિના વેરા બિલમાં નામ બદલવાની પ્રક્રિયા પર તાત્કાલિક રોક લગાવવાની રજૂઆત કરવામાં આવી છે.

કેયુર ચપટવાળાના પત્રમાં જણાવ્યા મુજબ, અશાંતધારા હેઠળ આવતી મિલકતની તબદીલી માટે કલેક્ટરની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે. તેમ છતાં કેટલાક કિસ્સાઓમાં પાકા વેચાણ દસ્તાવેજ કે કલેક્ટરની મંજૂરી વિના માત્ર ભાડા કરાર અથવા લિવ એન્ડ લાયસન્સ કરાર નોટરી કરાવીને મિલકતના વેરા બિલમાં નામ બદલાવવાની અરજીઓ કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આવા નોટરાઇઝ્ડ દસ્તાવેજોના આધારે મનપાના આકારણી વિભાગમાં અરજી કરીને વેરા બિલમાં નામ દાખલ કરાવી લેવાની પ્રવૃત્તિ રાજ્યનાં વિવિધ શહેરોમાં થતી હોવાનો દાવો પત્રમાં કરવામાં આવ્યો છે.

પત્રમાં આ પ્રક્રિયાના સંભવિત સામાજિક પરિણામો અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. વેરા બિલમાં નામ બદલાયા બાદ તેનો ઉપયોગ સરકારી રેકર્ડના પુરાવા તરીકે કરીને ઓળખપત્ર, પાન કાર્ડ અને મતદાર ઓળખપત્ર મેળવવામાં આવતાં હોવાની રજૂઆત કરવામાં આવી છે. આ રીતે સંવેદનશીલ વિસ્તારોમાં વસ્તીનું સંતુલન બદલાવા, સામાજિક અને ધાર્મિક તણાવ ઊભો થવા તેમજ રાજકીય ધ્રુવીકરણની સ્થિતિ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, પત્રમાં કરવામાં આવેલા આક્ષેપો અને દાવાઓની સત્તાવાર તપાસ અથવા પુષ્ટિ અંગે કોઈ વિગતો આપવામાં આવી નથી.

કેયુર ચપટવાળાએ સુરત મનપાના અગાઉના નિર્ણયનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે, સુરતમાં પણ અગાઉ નોટરી દસ્તાવેજોના આધારે વેરા બિલમાં નામફેર કરાવવાના કિસ્સાઓ સામે આવતા તેમણે રજૂઆત કરી હતી. ત્યારબાદ સુરત મહાનગરપાલિકાએ પરિપત્ર જાહેર કરીને અશાંતધારા હેઠળ આવતી મિલકતોના નામફેર માટે કલેક્ટરની પૂર્વ મંજૂરી ફરજિયાત બનાવી હતી. તેમના જણાવ્યા મુજબ, આ વ્યવસ્થાથી આવી ગેરરીતિઓ અટકાવવામાં મદદ મળી હતી.

તેમણે હવે સુરતમાં અમલમાં મૂકાયેલી આ વ્યવસ્થા અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભરૂચ સહિત રાજ્યના અન્ય શહેરોમાં પણ લાગુ કરવાની માગ કરી છે. અશાંતધારો લાગુ હોય તેવા તમામ વિસ્તારોમાં મિલકતની તબદીલી અથવા વેરા બિલમાં નામફેર કરતાં પહેલાં સક્ષમ અધિકારીની મંજૂરી ફરજિયાત હોવી જોઈએ, તેવી રજૂઆત કરવામાં આવી છે. પત્રના અંતે રાજ્ય સરકારને સમગ્ર ગુજરાત માટે એકસમાન સંયુક્ત માર્ગદર્શિકા જાહેર કરવાની અપીલ કરવામાં આવી છે. અલગ-અલગ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં અલગ નિયમો કે પ્રક્રિયાને કારણે ઊભી થતી વિસંગતતાઓ દૂર કરીને અશાંતધારાની જોગવાઈઓનો એકસમાન અમલ થાય તે જરૂરી હોવાનું જણાવાયું છે. હવે રાજ્ય સરકાર આ રજૂઆતના આધારે કોઈ પરિપત્ર જાહેર કરે છે કે નહીં તેના પર નજર રહેશે.

Most Popular

To Top