World

રાષ્ટ્રપતિએ સેનેગલનો પ્રવાસ અધવચ્ચેથી અટકાવ્યો, પોલેન્ડમાં બંધારણીય ટ્રિબ્યુનલના વિવાદે પકડી આગ

પોલેન્ડમાં સરકાર અને વિપક્ષ વચ્ચે ન્યાયતંત્રના નિયંત્રણને લઈને ચાલી રહેલો સંઘર્ષ હવે વધુ ઉગ્ર બન્યો છે. બંધારણીય ટ્રિબ્યુનલના પ્રમુખ બોગદાન સ્વીવેચકોવ્સ્કીના સસ્પેન્શન બાદ રાજકીય તણાવ વધતાં રાષ્ટ્રપતિ કારોલ નાવરોકીએ પોતાનો સેનેગલનો વિદેશ પ્રવાસ અધવચ્ચેથી અટકાવીને દેશ પરત ફરવાનો નિર્ણય લીધો હતો. બીજી તરફ, ટ્રિબ્યુનલની બહાર વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થતાં ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાક્રમને પગલે પોલેન્ડમાં બંધારણીય સંકટ અને તખ્તાપલટના આરોપો વચ્ચે રાજકીય વાતાવરણ ગરમાયું છે.

પોલેન્ડના બંધારણીય ટ્રિબ્યુનલના પ્રમુખ બોગદાન સ્વીવેચકોવ્સ્કીને સસ્પેન્ડ કરવાના નિર્ણય સામે પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. ટ્રિબ્યુનલની બહાર વિરોધ દરમિયાન કેટલાક લોકોએ સુરક્ષા દીવાલ કૂદીને અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે અન્ય કેટલાક પ્રદર્શનકારીઓએ પોલીસ કર્મચારીઓ પર વસ્તુઓ ફેંકી હતી. પરિસ્થિતિ વણસતાં હુલ્લડ વિરોધી પોલીસ દળોને તહેનાત કરવામાં આવ્યાં હતાં. ઘર્ષણ દરમિયાન પોલીસે ત્રણ લોકોની અટકાયત કરી હતી. આ વિવાદ ત્યારે વધુ ગંભીર બન્યો જ્યારે પોલેન્ડના ન્યાય મંત્રી વાલ્ડેમાર ઝુરેકે બંધારણીય ટ્રિબ્યુનલના પ્રમુખ બોગદાન સ્વીવેચકોવ્સ્કી અને ઉપપ્રમુખ બાર્ટોમી સોચાન્સ્કીની કાનૂની કાર્યવાહી સામેની પ્રતિરક્ષા દૂર કરવાની માગ કરી હતી. સરકાર આ બંને વરિષ્ઠ ન્યાયાધીશો સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરવા માગે છે. આ પગલાંને લઈને સરકાર અને વિપક્ષ વચ્ચે સામસામે આરોપોનો દોર શરૂ થયો છે.

પોલેન્ડના રાષ્ટ્રપતિ કારોલ નાવરોકી સેનેગલની રાજધાની ડાકારમાં સમર યુથ ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવા માટે વિદેશ પ્રવાસે ગયા હતા. જોકે, દેશમાં વધતા રાજકીય તણાવ અને બંધારણીય વિવાદ વચ્ચે તેમણે પ્રવાસ અધવચ્ચેથી અટકાવીને વોર્સો પરત ફરવાનો નિર્ણય લીધો હતો. રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સંદેશ આપતાં જણાવ્યું હતું કે, “આવા સમયે રાષ્ટ્રપતિએ પોલેન્ડમાં હોવું જરૂરી છે. હું સેનેગલની મારી ફ્લાઇટ અધવચ્ચેથી અટકાવી રહ્યો છું. હું પરત ફરી રહ્યો છું.” તેમના ચીફ ઓફ સ્ટાફના જણાવ્યા અનુસાર, વોર્સો પહોંચ્યા બાદ રાષ્ટ્રપતિ નાવરોકી બંધારણીય ટ્રિબ્યુનલની મુલાકાતે પણ ગયા હતા. દેશમાં બંધારણીય સંસ્થાઓની કામગીરી અને ન્યાયતંત્રની સ્વતંત્રતા અંગે ઊભા થયેલા વિવાદ વચ્ચે રાષ્ટ્રપતિની આ મુલાકાતને મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

પોલેન્ડમાં ચાલી રહેલા આ વિવાદનાં મૂળ વર્ષ 2015થી 2023 દરમિયાન સત્તામાં રહેલી લૉ એન્ડ જસ્ટિસ (PiS) પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવેલા ન્યાયિક સુધારાઓમાં છે. આ સુધારાઓને લઈને પોલેન્ડ અને યુરોપિયન યુનિયન વચ્ચે લાંબા સમયથી મતભેદ રહ્યા છે. ટીકાકારોનો આરોપ હતો કે આ ફેરફારોથી તત્કાલીન સરકારને ન્યાયિક સંસ્થાઓ પર રાજકીય નિયંત્રણ સ્થાપિત કરવાની તક મળી હતી. યુરોપિયન કોર્ટ ઓફ હ્યુમન રાઇટ્સ અને યુરોપિયન યુનિયનની કોર્ટ ઓફ જસ્ટિસે અગાઉ PiS સરકારના કાર્યકાળ દરમિયાન નિયુક્ત ત્રણ ન્યાયાધીશોની નિમણૂકને અયોગ્ય ગણાવી હતી. અદાલતોના મતે, આ ત્રણ જગ્યાઓ અગાઉની સંસદ દ્વારા પહેલેથી જ ભરવામાં આવી હતી. આ ઉપરાંત બંધારણીય ટ્રિબ્યુનલની સ્વતંત્રતા અને નિષ્પક્ષતા અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.

વર્ષ 2023માં ડોનાલ્ડ ટસ્કના નેતૃત્વમાં નવી સરકાર સત્તામાં આવી હતી. ટસ્કે ન્યાયતંત્રની સ્વતંત્રતા પુનઃસ્થાપિત કરવાનું વચન આપ્યું હતું. જોકે, વિપક્ષના સમર્થનથી ચૂંટાયેલા રાષ્ટ્રપતિ કારોલ નાવરોકી અને તેમના પુરોગામી આન્દ્રેઝ ડુડાએ સરકારના કેટલાક ન્યાયિક સુધારાઓને વીટો કરીને અટકાવ્યા હતા. રાષ્ટ્રપતિ નાવરોકીએ માર્ચથી સંસદ દ્વારા ચૂંટાયેલા પાંચ ન્યાયાધીશોને શપથ લેવડાવવાનો પણ ઇનકાર કર્યો છે. આના કારણે સરકાર અને રાષ્ટ્રપતિ વચ્ચે સત્તાના અધિકારને લઈને સંઘર્ષ સતત વધતો રહ્યો છે. બંધારણીય ટ્રિબ્યુનલના પ્રમુખ સ્વીવેચકોવ્સ્કીના સસ્પેન્શનની માહિતી શુક્રવારે સાંજે ટ્રિબ્યુનલની વેબસાઇટ પર મૂકવામાં આવી હતી. જોકે, થોડા સમય બાદ વેબસાઇટ બંધ થઈ ગઈ હતી. આ દરમિયાન ટ્રિબ્યુનલે સોશિયલ મીડિયા પર નિવેદન આપીને સ્વીવેચકોવ્સ્કી અને સોચાન્સ્કીને કાયદેસર રીતે નિયુક્ત વરિષ્ઠ ન્યાયાધીશો ગણાવ્યા હતા. ટ્રિબ્યુનલે સરકારની કાર્યવાહીનો ઉલ્લેખ ‘બળવા’ તરીકે કર્યો હતો.

બીજી તરફ, વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કે કાયદાના શાસનની પુનઃસ્થાપનાને સરકારની ફરજ ગણાવી છે. PiSના નેતાઓએ સસ્પેન્શનની ટીકા કરી હતી. પૂર્વ ન્યાય મંત્રી ઝબિગ્ન્યુ ઝિયોબ્રોએ આ કાર્યવાહીને બંધારણીય વ્યવસ્થા પર ગુનાહિત હુમલો ગણાવીને વિરોધ કરવાની અપીલ કરી હતી. આ વિવાદમાં સરકારની કાર્યવાહી સામે ન્યાયિક સુધારાઓના કેટલાક ટીકાકારોએ પણ સવાલો ઉઠાવ્યા છે. વકીલ માર્સિન માત્ઝાકે સસ્પેન્શનના કાનૂની આધાર અંગે શંકા વ્યક્ત કરી હતી. તેમણે ટ્રિબ્યુનલમાં સશસ્ત્ર પોલીસની હાજરી અને ન્યાય મંત્રીની સત્તાના અર્થઘટન અંગે ચિંતા વ્યક્ત કરતાં તેની દૂરગામી અસરો થઈ શકે તેવી ચેતવણી આપી હતી.

પોલેન્ડમાં આગામી વર્ષે સંસદીય ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલાં ન્યાયતંત્રની સ્વતંત્રતા, બંધારણીય સંસ્થાઓની સત્તા અને સરકાર-રાષ્ટ્રપતિ વચ્ચેના અધિકારોનો વિવાદ ફરી રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. બંધારણીય ટ્રિબ્યુનલના પ્રમુખનું સસ્પેન્શન, વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલું ઘર્ષણ અને રાષ્ટ્રપતિનો વિદેશ પ્રવાસ અધવચ્ચેથી છોડીને પરત ફરવાનો નિર્ણય આ સમગ્ર વિવાદને વધુ ગંભીર બનાવે છે. હવે સરકાર અને વિપક્ષ વચ્ચેનો આ સંઘર્ષ કઈ દિશામાં આગળ વધે છે અને ન્યાયતંત્રની સ્વતંત્રતા અંગેના પ્રશ્નોનો ઉકેલ કેવી રીતે આવે છે તેના પર સૌની નજર છે.

Most Popular

To Top