AI

એક વ્યક્તિએ AIની મદદથી બનાવી ફાર્મા કંપની, ક્લોડની સર્જક એન્થ્રોપિકે ખરીદી

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી એક વ્યક્તિએ ફાર્મા કંપની ઊભી કરી અને હવે એ જ કંપનીને AI મોડલ ક્લોડની સર્જક કંપની એન્થ્રોપિકે ખરીદી લીધી છે. આશ્ચર્યની વાત એ છે કે આ કંપનીમાં માત્ર એક જ વ્યક્તિ કામ કરતો હતો અને તેણે લગભગ 18 મહિના સુધી AIની મદદથી કંપનીનું સંચાલન કર્યું હતું. આ સમગ્ર ઘટનાએ દવા સંશોધન અને ફાર્મા ઉદ્યોગમાં AIની વધતી ભૂમિકા અંગે નવી ચર્ચા શરૂ કરી છે.

કોડી ટ્રેનબાર્ગર નામના આઇટી એન્જિનિયરે આશરે 18 મહિના પહેલાં ક્લોડ AI મોડલની મદદથી મિથ્રિલ મેડિસીન નામની ફાર્મા કંપની શરૂ કરી હતી. અગાઉ તેઓ વેન્ચર કેપિટલ અને ક્રોસઓવર સહિતની કંપનીઓમાં કામ કરી ચૂક્યા હતા. તેમણે પોતાના આ પ્રયોગમાં ક્લોડનો ઉપયોગ કર્મચારીની જેમ કર્યો હતો. કંપનીના સંચાલનથી લઈને સંશોધન અને વિવિધ કામોમાં AIની મદદ લેવામાં આવતી હતી. જોકે, દવા સંશોધન માટે તેમણે બહારના નિષ્ણાતો અને સંશોધકોની મદદ પણ લીધી હતી.

ટ્રેનબાર્ગરનો મુખ્ય ઉદ્દેશ સ્નાયુઓને અસર કરતી એક જટિલ બીમારીની સારવાર શોધવાનો હતો. આ માટે ક્લોડની મદદથી સંશોધન પ્રક્રિયા આગળ વધારવામાં આવી હતી. તેમણે AIને માત્ર માહિતી મેળવવા માટેના સાધન તરીકે નહીં, પરંતુ કંપનીના એક સક્રિય કર્મચારીની જેમ ઉપયોગમાં લીધું હતું. કંપનીમાં તેઓ એકમાત્ર પૂર્ણ સમયના કર્મચારી હતા, જ્યારે સંશોધનના કેટલાક મહત્વપૂર્ણ ભાગો માટે બહારના નિષ્ણાતો સાથે કામ કરવામાં આવ્યું હતું.

ટ્રેનબાર્ગરે સોશિયલ મીડિયા પર આ સમગ્ર પ્રયોગની માહિતી આપતાં જણાવ્યું હતું કે શરૂઆતમાં તેમણે આ કામ એક પ્રયોગ તરીકે શરૂ કર્યું હતું. તેનાથી ખરેખર કોઈ ઉપયોગી પરિણામ મળશે કે નહીં તેની તેમને ખાતરી નહોતી. જોકે, બહારના સંશોધકોની મદદથી કરવામાં આવેલા પ્રયોગોમાં ઉંદરો પર સકારાત્મક પરિણામ મળ્યાનો તેમણે દાવો કર્યો હતો. આ પરિણામને કારણે તેમના સંશોધનને આગળ વધારવાની શક્યતા ઊભી થઈ હતી. જોકે, ઉંદરો પરના પ્રયોગમાં મળેલી સફળતાને માનવીઓ માટે અસરકારક સારવાર તરીકે ગણાવી શકાય નહીં. તેના માટે વધુ સંશોધન અને ક્લિનિકલ ટ્રાયલ જરૂરી હોય છે.

આ સમગ્ર ઘટનાની જાહેરાત પણ ટ્રેનબાર્ગરે પોતે સોશિયલ મીડિયા મારફતે કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ક્લોડ AI મોડલ વિકસાવનાર કંપની એન્થ્રોપિકે તેમની મિથ્રિલ મેડિસીન કંપની ખરીદી લીધી છે. એન્થ્રોપિકે આ પ્રોજેક્ટને ‘પાઇપલાઇન-ઇન-અ-પર્સન’ નામ આપ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ નામનો આશય એવો છે કે એક જ વ્યક્તિ AIની મદદથી કંપનીનાં અનેક કામ આગળ વધારી શકે છે.

આ કંપનીની ખરીદી માટે એન્થ્રોપિકે કેટલી રકમ ચૂકવી છે તે અંગે ટ્રેનબાર્ગરે કોઈ ચોક્કસ આંકડો જાહેર કર્યો નથી. તેથી આ સોદાનું નાણાકીય મૂલ્ય હજુ સ્પષ્ટ થયું નથી. જોકે, AIની મદદથી એક વ્યક્તિએ ફાર્મા ક્ષેત્રમાં કંપની ઊભી કરી અને ત્યારબાદ એન્થ્રોપિક જેવી મોટી AI કંપનીએ તેને ખરીદી લીધી હોવાની ઘટના ટેક્નોલોજી જગતમાં ચર્ચાનો વિષય બની છે.

આ પ્રયોગથી એ પણ સ્પષ્ટ થાય છે કે AI હવે માત્ર લેખન, માહિતી શોધવા કે સામાન્ય ઓફિસનાં કામ પૂરતું મર્યાદિત નથી. સંશોધન, આયોજન, ડેટાનું વિશ્લેષણ અને કંપનીના સંચાલન જેવા જટિલ ક્ષેત્રોમાં પણ તેનો ઉપયોગ વધી રહ્યો છે. જોકે, દવા સંશોધન જેવા સંવેદનશીલ ક્ષેત્રમાં AIની મદદથી મળેલા પરિણામોની વૈજ્ઞાનિક ચકાસણી અને માનવીય નિષ્ણાતોની દેખરેખ અનિવાર્ય છે.

Most Popular

To Top