અમેરિકાના છ સૈન્ય મથકો પર ફ્રીઝરનું તાપમાન અચાનક વધી જતાં તેમાં રાખેલો ખોરાક બગડી જવાની ઘટના સામે આવી છે. આ પાછળ સાયબર હુમલો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પેન્ટાગોન દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસકર્તાઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ફ્રીઝરની કૂલિંગ સિસ્ટમમાં ખરેખર ટેક્નિકલ ખામી સર્જાઈ હતી કે પછી કોઈ હેકરે દૂરથી મશીનની સેટિંગ્સ બદલીને ખોરાક બગાડ્યો હતો. આ તપાસના સંદર્ભમાં અમેરિકી અધિકારીઓ ફ્રાન્સની એજન્સીઓના પણ સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના ઓગસ્ટના છેલ્લા દિવસોમાં અમેરિકાના વિવિધ સૈન્ય મથકો પર બની હતી. એરિઝોના રાજ્યમાં આવેલા ફોર્ટ હુઆચુકા સૈન્ય મથક પર ખાદ્ય સામગ્રી રાખવામાં આવેલા ફ્રીઝરમાં અચાનક ખામી સર્જાઈ હતી. ફ્રીઝર ડિફ્રોસ્ટ મોડમાં જતાં ઠંડક આપવાની પ્રક્રિયા બંધ થઈ ગઈ હતી અને તેના બદલે ગરમી પેદા થવા લાગી હતી. પરિણામે ફ્રીઝરમાં રાખેલો ખોરાક બગડી ગયો હતો. તપાસકર્તાઓ હવે એ દિશામાં તપાસ કરી રહ્યા છે કે શું કોઈ અજાણ્યા વ્યક્તિએ રિમોટ એક્સેસ દ્વારા ફ્રીઝરની સેટિંગ્સમાં ફેરફાર કર્યો હતો.
અમેરિકી તપાસકર્તાઓ આ ઘટનાની સરખામણી ફ્રાન્સમાં બનેલી એક સાયબર ઘટનાની સાથે પણ કરી રહ્યા છે. ફ્રાન્સમાં તાજેતરમાં 350થી વધુ સ્થળોએ વ્યાપારી ફ્રીઝરના તાપમાનમાં હેકિંગ દ્વારા ફેરફાર કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાને કારણે સુપરમાર્કેટમાં રાખવામાં આવેલી ખાદ્ય સામગ્રી બગડી ગઈ હતી. કેટલીક જગ્યાએ આગ લાગવાની ઘટનાઓ પણ નોંધાઈ હતી. અમેરિકામાં બનેલી ઘટનાઓ અને ફ્રાન્સમાં થયેલા હુમલાની રીતમાં સામ્યતા હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને તપાસકર્તાઓ બંને વચ્ચે કોઈ સંબંધ છે કે કેમ તે શોધી રહ્યા છે. અમેરિકી સેનાની અપરાધિક તપાસ યુનિટનું સાયબર કાર્યાલય આ મામલે તપાસ કરી રહ્યું છે. તપાસનો મુખ્ય હેતુ ફ્રીઝર અને કૂલિંગ સિસ્ટમના કંટ્રોલર્સ સુધી કોઈએ અનધિકૃત રીતે પહોંચ મેળવી હતી કે નહીં તે શોધવાનો છે. સાયબર સુરક્ષા નિષ્ણાતોના મતે, જૂની ટેક્નોલોજી પર ચાલતી કૂલિંગ સિસ્ટમ હેકર્સ માટે સરળ નિશાન બની શકે છે. ખાસ કરીને એવી સિસ્ટમમાં જોખમ વધી જાય છે, જેમાં સુરક્ષા અપડેટ્સ સમયસર કરવામાં આવતાં નથી અથવા જૂનું સોફ્ટવેર વપરાતું હોય છે.
ડેનમાર્કની કંપની ડેનફોસે પણ ફ્રાન્સની ઘટનાના સંદર્ભમાં જણાવ્યું હતું કે અસરગ્રસ્ત સ્થળોએ ઉપયોગમાં લેવાયેલા ઘણા કંટ્રોલર્સ જૂના હતા અથવા તેમાં અપડેટેડ સોફ્ટવેર નહોતું. આવા કંટ્રોલર્સને સાયબર હુમલાથી સુરક્ષિત રાખવા મુશ્કેલ બની શકે છે. જોકે, અમેરિકાના સૈન્ય મથકો પર બનેલી ઘટનામાં ખરેખર હેકિંગ થયું છે કે નહીં તે અંગે તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટતા થઈ શકશે. આ ઘટનાએ સૈન્ય મથકોમાં ઉપયોગમાં લેવાતી સામાન્ય દેખાતી ઔદ્યોગિક અને કૂલિંગ સિસ્ટમની સાયબર સુરક્ષા અંગે પણ સવાલો ઊભા કર્યા છે. અત્યાર સુધી સાયબર હુમલાની ચર્ચા મુખ્યત્વે કમ્પ્યુટર નેટવર્ક, સરકારી માહિતી અને સંચાર વ્યવસ્થા સાથે જોડાયેલી રહી છે, પરંતુ હવે ફ્રીઝર, વીજળી અને અન્ય ઔદ્યોગિક સાધનોને પણ નિશાન બનાવવાની શક્યતા સુરક્ષા નિષ્ણાતો માટે ચિંતાનો વિષય બની છે. જો કોઈ હેકર આવી સિસ્ટમને નિયંત્રિત કરવામાં સફળ થાય, તો તેની અસર માત્ર ખોરાકના બગાડ પૂરતી મર્યાદિત ન રહેતાં જરૂરી પુરવઠા અને કામગીરી પર પણ પડી શકે છે.