મનીષા ભાનવાલા વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની છે. શુક્રવારે કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં તેણે 59 કિલો વજન વર્ગની ફાઇનલમાં અમેરિકાની એબીગેઇલ નેટને 8–6થી હરાવી હતી. મુકાબલા દરમિયાન એક તબક્કે 29 વર્ષીય મનીષા 1–5થી પાછળ હતી. જોકે તેણે છેલ્લા ત્રણ મિનિટમાં 7 પોઈન્ટ મેળવીને જીત હાંસલ કરી લીધી.
આ જીત સાથે મનીષાએ તેના પિતા સુરેશનું સપનું પૂરું કર્યું, જેઓ હંમેશા ઈચ્છતા હતા કે તેમની પુત્રી વિશ્વ કુસ્તી ચેમ્પિયન બને. 17 એપ્રિલ, 2022ના રોજ હાર્ટ એટેકને કારણે તેમનું અવસાન થયું હતું.
39 વર્ષ પછી સુવર્ણ ચંદ્રક
મહિલા કુસ્તી માટેની પ્રથમ વર્લ્ડ ચેમ્પિયનશિપ 1987માં યોજાઈ હતી. 2021માં અંશુ મલિક વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બની હતી, જ્યાં તેણે સિલ્વર મેડલ જીત્યો હતો. આ વખતે ભારત પાસે બે સુવર્ણ ચંદ્રક જીતવાની તક હતી; નીલમ સિરોહી (50 કિલો) અને કાજલ ધોચક (76 કિલો) બંને પોતપોતાની ફાઇનલમાં પહોંચ્યા હતા પરંતુ તેમણે રજત ચંદ્રકથી સંતોષ માનવો પડ્યો હતો. અગાઉ સુશીલ કુમાર એકમાત્ર એવા ભારતીય કુસ્તીબાજ હતા જેમણે સિનિયર વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. આ સિદ્ધિ તેમણે 2010માં મેળવી હતી.
પિતાએ ફિટનેસ માટે કુસ્તી કેમ્પમાં મોકલી હતી
મનીષાનું કુસ્તીમાં આગમન તેના પિતા સુરેશને આભારી છે. 2013માં તેમણે મનીષાની ફિટનેસ સુધારવા માટે તેને કુસ્તી તાલીમ શિબિરમાં મોકલી હતી. સમય જતાં મનીષા માટે કુસ્તી માત્ર એક ફિટનેસ પ્રવૃત્તિ મટીને કારકિર્દી બની ગઈ. રોહતકનો ‘છોટુ રામ અખાડો’ અને કોચ મનદીપ સિંહે તેની આ સફરમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મનીષાએ જાપાની કોચ કોસેઈ અકાઈશીના માર્ગદર્શન હેઠળ પોતાની કુસ્તી તકનીકોમાં પણ સુધારો કર્યો હતો.
એશિયન ગેમ્સમાં હાર બાદ વજન વર્ગ બદલ્યો
મનીષા માટે 2026નું વર્ષ સરળ નહોતું. તેણે એશિયન ગેમ્સમાં 57 કિગ્રા વર્ગમાં ભાગ લીધો હતો જ્યાં ક્વાર્ટર ફાઇનલમાં તેને જાપાનની અકારી ફુજીનામી સામે 0-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે તેણે 59 કિગ્રા વર્ગ પસંદ કર્યો. અગાઉ તે 62 કિગ્રા વર્ગમાં પણ સ્પર્ધા કરી ચૂકી હતી.
ફાઇનલ સુધીની પ્રભાવશાળી સફર
59 કિગ્રા વર્ગમાં મનીષાએ સતત ત્રણ મુકાબલા જીતીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. તેણે કેનેડાની લોરેન્સ બ્યુરેગાર્ડને ‘પિનફોલ’ દ્વારા પરાજય આપ્યો. ક્વાર્ટર ફાઇનલમાં તેણે મંગોલિયાની બોલોરતુયા ખુરેલખુ સામે 6-0થી જીત મેળવી. ત્યારબાદ સેમી ફાઇનલમાં તેણે યજમાન દેશ કઝાકિસ્તાનની પ્રતિનિધિ અલ્તિન શાગાયેવાને 10-0થી હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું.