ઈઝરાયેલના ચૂંટણી અધિકારીઓએ ચૂંટણીમાં વિદેશી હસ્તક્ષેપ અંગે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ચાલી રહેલી તપાસની અંતિમ પરિણામો પર કોઈ અસર પડશે નહીં, અને તેના કારણે કોઈ ચોક્કસ સમુદાયના મતો રદ પણ થશે નહીં. દરમિયાન ઈઝરાયેલમાં નેતન્યાહૂ વિરોધી ગઠબંધનમાં સામેલ પક્ષો રાજકીય ગતિરોધ તોડવાના માર્ગો શોધી રહ્યા છે, જેમાં વડાપ્રધાનની સીધી ચૂંટણી માટે કાયદો લાવવાની શક્યતા પણ સામેલ છે. આ પ્રસ્તાવ વિપક્ષને આરબ પક્ષોના સમર્થન પર આધાર રાખ્યા વિના લઘુમતી સરકાર રચવામાં સક્ષમ બનાવી શકે છે.
વિપક્ષી જૂથ વડાપ્રધાનની સીધી ચૂંટણી માટે કાયદો લાવશે
‘ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ’ના અહેવાલ મુજબ વિપક્ષી જૂથ વડાપ્રધાનની સીધી ચૂંટણી માટે કાયદો લાવવા પર વિચાર કરી રહ્યું છે. આ પગલાનો ઉદ્દેશ્ય તાજેતરની અનિર્ણાયક ચૂંટણીઓ બાદ સર્જાયેલા રાજકીય ગતિરોધમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધવાનો છે. આ પ્રસ્તાવ હેઠળ મતદારો સરકારથી અલગ રીતે વડાપ્રધાનને ચૂંટી શકશે. આનાથી વિપક્ષને આરબ પક્ષોના સમર્થન વિના લઘુમતી સરકાર રચવાની તક મળી શકે છે.
ઈઝરાયેલની ચૂંટણીમાં કોઈને બહુમતી મળી નથી
મંગળવારે યોજાયેલી ચૂંટણીમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના જૂથ કે તેમના વિરોધીઓમાંથી કોઈને પણ બહુમતી મળી નથી. જો કે ઈઝરાયેલના ‘બેઝિક લો: ધ ગવર્નમેન્ટ’ હેઠળ કોઈપણ નવા વહીવટીતંત્રે ૧૨૦ સભ્યોની સંસદ (નેસેટ)માં વિશ્વાસ મત જીતવો જરૂરી છે. તેથી સીધી ચૂંટણીની પ્રક્રિયા લાગુ કરવા માટે કાયદામાં સુધારો કરવો પડશે, જેના માટે સંસદના ઓછામાં ઓછા ૬૧ સભ્યોના સમર્થનની જરૂર પડશે. માર્ચ ૨૦૨૧માં યોજાયેલી અનિર્ણાયક ચૂંટણીઓ બાદ પણ નેતન્યાહૂએ આવો જ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
નેતન્યાહૂના પક્ષનો મત ચોરીનો આરોપ
ઈઝરાયેલની કેન્દ્રીય ચૂંટણી સમિતિ બુધવાર સુધીમાં નેસેટ (સંસદ) ચૂંટણીના અંતિમ પરિણામોને પ્રમાણિત કરીને જાહેર કરે તેવી અપેક્ષા છે. આ દરમિયાન પ્રારંભિક આંકડાઓમાં ફેરફાર થઈ શકે છે જ્યારે રાજકીય પક્ષો ગઠબંધન સરકાર રચી શકાય કે કેમ તે અંગે ચર્ચાઓમાં વ્યસ્ત છે. બેન્જામિન નેતન્યાહૂના લિકુડ પક્ષે આક્રમક રીતે એવા આક્ષેપો કર્યા છે કે આરબ નેતૃત્વવાળા પક્ષોએ ચૂંટણીમાં “ચોરી” કરી છે જેમાં કદાચ વિદેશી મદદ પણ સામેલ હોઈ શકે છે. આ દાવાઓને સમર્થન આપવા માટે કોઈ પુરાવા નથી અને તેને ફગાવી દેવામાં આવ્યા છે.