અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા માટે શાંતિ સમજૂતીના પ્રયાસો ફરી તેજ બન્યા છે. બંને દેશો વચ્ચે સંભવિત સમજૂતી માટે તૈયાર કરવામાં આવેલા 8 શરતોના ડ્રાફ્ટની વિગતો સામે આવી છે. આ દરમિયાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન સાથે વાતચીત ચાલી રહી છે, પરંતુ અમેરિકા પાસે યુદ્ધ ખતમ કરવા માટે પૂરતો સમય છે અને તેને કોઈ ઉતાવળ નથી. બીજી તરફ, પાકિસ્તાનના આર્મી ચીફ ફીલ્ડ માર્શલ અસીમ મુનીર આ મહિનામાં બે વખત ઈરાનની મુલાકાત લઈ ચૂક્યા છે. તેમની મુલાકાતોને બંને દેશો વચ્ચે મધ્યસ્થીના પ્રયાસોના ભાગરૂપે જોવામાં આવી રહી છે.
શાંતિ સમજૂતી માટે તૈયાર કરવામાં આવેલા મુસદ્દામાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ, યુરેનિયમ સંવર્ધન, હોર્મુઝની ખાડીમાં જહાજોની અવરજવર અને આર્થિક પ્રતિબંધો જેવા મહત્ત્વના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવનો હેતુ બંને દેશો વચ્ચે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષને અટકાવીને તબક્કાવાર સમજૂતી તરફ આગળ વધવાનો હોવાનું માનવામાં આવે છે. જોકે, આ 8 શરતો અંગે બંને દેશોની અંતિમ સંમતિ મળી હોવાની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી.
સંભવિત શાંતિ સમજૂતીના મુસદ્દામાં બંને દેશો વચ્ચે વિશ્વાસ વધારવા અને યુદ્ધવિરામને ટકાવી રાખવા માટે કેટલીક મહત્ત્વની શરતો મૂકવામાં આવી છે.
- એનરિચ યુરેનિયમનું ટ્રાન્સફર: ઈરાન પોતાના સંવર્ધિત યુરેનિયમનો જથ્થો કોઈ ત્રીજા દેશમાં ટ્રાન્સફર કરી શકે છે. આ ઉપરાંત યુરેનિયમ સંવર્ધનનું સ્તર ઘટાડવાનો વિકલ્પ પણ સમજૂતીમાં સામેલ છે.
- હોર્મુઝની ખાડી ફરી ખોલવી: બંને પક્ષો વચ્ચે સમજૂતી થયા બાદ સાત દિવસની અંદર હોર્મુઝની ખાડીમાં વ્યાવસાયિક જહાજોની અવરજવર ફરી શરૂ કરવાની જોગવાઈ છે. વૈશ્વિક તેલ પુરવઠા અને વેપાર માટે આ માર્ગ અત્યંત મહત્ત્વનો છે.
- અમેરિકા ગેરંટરની ભૂમિકા ભજવશે: સમજૂતીનો યોગ્ય રીતે અમલ થાય અને બંને પક્ષો પોતાની પ્રતિબદ્ધતાઓનું પાલન કરે તે સુનિશ્ચિત કરવા માટે અમેરિકા ગેરંટરની ભૂમિકા ભજવી શકે છે.
- દોહામાં સીધી વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે સીધી વાતચીત માટે કતરની રાજધાની દોહાને સંભવિત સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. આ વાટાઘાટો દ્વારા બંને દેશો વચ્ચેના મતભેદો ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવશે.
- આર્થિક પ્રતિબંધોમાં રાહત: ઈરાન પરમાણુ કાર્યક્રમ અને દરિયાઈ સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર જરૂરી પગલાં લેશે. તેના બદલામાં અમેરિકા ઈરાન સામેના આર્થિક પ્રતિબંધો, ઘેરાબંધી અને અન્ય પાબંદીઓ હળવી કરવાની દિશામાં આગળ વધી શકે છે.
- સ્વતંત્ર ચકાસણી વ્યવસ્થા: સમજૂતીના દરેક તબક્કાનો અમલ થાય તે પહેલાં સ્વતંત્ર ચકાસણી વ્યવસ્થા દ્વારા બંને દેશોની પ્રતિબદ્ધતાઓનું મૂલ્યાંકન કરવામાં આવશે. આથી કોઈપણ પક્ષ દ્વારા શરતોના ઉલ્લંઘનની શક્યતા ઘટાડવાનો પ્રયાસ થશે.
- 7. ચકાસણી વિના મોટી રાહત નહીં: બંને દેશોમાંથી કોઈને પણ મોટી છૂટછાટ આપવામાં આવે તે પહેલાં તેની પ્રતિબદ્ધતાની સ્વતંત્ર રીતે ચકાસણી કરવામાં આવશે. એટલે કે, માત્ર વચનોના આધારે સમજૂતીના મોટા તબક્કાઓ આગળ વધશે નહીં.
- 8. ઉલ્લંઘન રોકવા માટે ખાસ વ્યવસ્થા: મધ્યસ્થી અને ગેરંટરની ભૂમિકા ભજવનારા દેશોને સામેલ કરીને એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે, જે સમજૂતીના અમલમાં વિલંબ અથવા ઉલ્લંઘન થાય તો તેને દૂર કરવામાં મદદ કરશે. આ વ્યવસ્થાનો હેતુ ભવિષ્યમાં ફરી સૈન્ય તણાવ ઊભો થતો અટકાવવાનો છે.
પાકિસ્તાનના આર્મી ચીફ બે વખત ઈરાન પહોંચ્યા
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને ઉકેલવા માટે પાકિસ્તાન પણ સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. પાકિસ્તાનના આર્મી ચીફ ફીલ્ડ માર્શલ અસીમ મુનીર આ મહિનામાં બે વખત ઈરાનની મુલાકાત લઈ ચૂક્યા છે. બંને દેશો વચ્ચે મધ્યસ્થી માટે તેમની ભૂમિકા મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
શુક્રવારે પાકિસ્તાની સેનાના પ્રવક્તાને અસીમ મુનીરની ઈરાન મુલાકાત અંગે સવાલ કરવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેમણે આ મુલાકાતોને સકારાત્મક પ્રયાસ ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, “જો કંઈક સકારાત્મક ન હોત તો ફીલ્ડ માર્શલ બે વખત ઈરાન શા માટે ગયા હોત? હા, ચોક્કસપણે.” પાકિસ્તાનના આ પ્રયાસો એવા સમયે થઈ રહ્યા છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો સંઘર્ષ વૈશ્વિક અર્થતંત્ર, ક્રૂડ ઓઇલના ભાવ અને આંતરરાષ્ટ્રીય વેપારને અસર કરી રહ્યો છે. ખાસ કરીને હોર્મુઝની ખાડીમાં જહાજોની અવરજવર પર પ્રતિબંધો અને સુરક્ષાની ચિંતાઓને કારણે અનેક દેશોમાં ઊર્જા પુરવઠા અંગે અનિશ્ચિતતા વધી છે.
ટ્રમ્પનું નિવેદન અને આગળની સ્થિતિ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન વાતચીત કરવા તૈયાર છે અને હાલમાં તે અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે અમેરિકા પાસે પૂરતો સમય છે અને યુદ્ધનો અંત લાવવા માટે કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા હાલની વાટાઘાટોમાં પોતાની સ્થિતિ મજબૂત રાખવા માગે છે. બીજી તરફ, ઈરાન માટે પરમાણુ કાર્યક્રમ, આર્થિક પ્રતિબંધો અને હોર્મુઝની ખાડીમાં સુરક્ષાનો મુદ્દો મહત્ત્વનો રહેશે.
શાંતિ સમજૂતીનો ડ્રાફ્ટ સામે આવ્યા બાદ બંને દેશો વચ્ચે વાટાઘાટો આગળ વધવાની આશા વધી છે. જોકે, આ મુસદ્દાની શરતો પર અંતિમ સંમતિ, સત્તાવાર જાહેરાત અને અમલીકરણની પ્રક્રિયા હજુ બાકી છે. જો બંને દેશો આ શરતો પર સહમત થાય તો લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા અને મધ્યપૂર્વમાં સ્થિરતા સ્થાપિત કરવા તરફ મહત્ત્વનું પગલું સાબિત થઈ શકે છે.