National

જમ્મુ-કાશ્મીરમાં 24 ધારાસભ્યો ઓમર અબ્દુલ્લાની વિરુદ્ધ થયા, ચાર મંત્રીઓને હટાવવાની માંગ

જમ્મુ-કાશ્મીરમાં મંત્રીમંડળના વિસ્તરણ બાદ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાના પક્ષ, નેશનલ કોન્ફરન્સ (NC)માં અસંતોષના સંકેતો જોવા મળ્યા છે. પક્ષના ૨૪ ધારાસભ્યો મુખ્યમંત્રીની વિરુદ્ધ એકજૂથ થયા છે. શુક્રવારે આમાંથી ૧૮ ધારાસભ્યો શ્રીનગરમાં લોલાબના ધારાસભ્ય કૈસર જમશેદ લોનના નિવાસસ્થાને મળ્યા હતા, જ્યારે અન્ય ૬ ધારાસભ્યો વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા.

ધારાસભ્યોએ મુખ્યમંત્રીના સલાહકાર નાસિર સોગામી તેમજ ૨૭ ઓક્ટોબરે મંત્રીમંડળના વિસ્તરણ દરમિયાન સામેલ કરાયેલા ચાર નવા મંત્રીઓને હટાવવાની માંગ કરી છે. આ ઉપરાંત તેઓ મંત્રીમંડળમાં મોટા ફેરફારની પણ માંગ કરી રહ્યા છે. સોગામી પર પક્ષના નેતૃત્વને ગેરમાર્ગે દોરવાનો અને પક્ષના કામકાજમાં દખલગીરી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

4 સભ્યોના પ્રતિનિધિમંડળની રચના કરવાનો નિર્ણય
બેઠક દરમિયાન ધારાસભ્યોએ ચાર સભ્યોનું એક પ્રતિનિધિમંડળ બનાવવાનો નિર્ણય લીધો. આ જૂથનું નેતૃત્વ પક્ષના વરિષ્ઠ નેતા અને ગુરેઝના ધારાસભ્ય નજીર અહેમદ ગુરેઝી કરશે, જેમની સાથે થાનામંડીના ધારાસભ્ય મુઝફ્ફર ઇકબાલ ખાન પણ હશે. આ પ્રતિનિધિમંડળ પક્ષના પ્રમુખ ફારૂક અબ્દુલ્લા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાને મળીને તેમની માંગણીઓ દર્શાવતું આવેદનપત્ર સોંપશે. ધારાસભ્યોએ નક્કી કર્યું છે કે તેઓ ભવિષ્યની રણનીતિ નક્કી કરતા પહેલા નેતૃત્વ તરફથી આવનારા પ્રતિભાવની રાહ જોશે.

ધારાસભ્યોનો દાવો: અમે પક્ષ છોડીશું નહીં
બેઠકમાં હાજર ધારાસભ્યોએ નેશનલ કોન્ફરન્સ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દોહરાવી અને ખાતરી આપી કે તેઓ પક્ષ છોડશે નહીં. જોકે તેમણે આરોપ લગાવ્યો કે અમુક વ્યક્તિઓ પક્ષની આંતરિક કામગીરીને નબળી પાડી રહ્યા છે. દરમિયાન ગુરેઝના ધારાસભ્ય નજીર અહેમદ ગુરેઝીએ આ બેઠકને એક સામાન્ય મુલાકાત ગણાવી હતી. તેમણે કહ્યું કે આ કૈસર જમશેદ લોન દ્વારા આપવામાં આવેલું ભોજન હતું અને તેને રાજકીય બેઠક તરીકે ન જોવી જોઈએ.

૨૭ ઓક્ટોબરે થયેલા મંત્રીમંડળના વિસ્તરણમાં નેશનલ કોન્ફરન્સના ચાર ધારાસભ્યો—અલી મોહમ્મદ સાગર, મીર સૈફુલ્લાહ, શમીમા ફિરદૌસ અને અલ્તાફ અહેમદ કલ્લુને મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. અપક્ષ ધારાસભ્ય સતીશ શર્માને મંત્રીમંડળમાંથી પડતા મૂકવામાં આવ્યા હતા. આ વિસ્તરણમાં મંત્રીપદ માટે જેમનાં નામ ચર્ચામાં હતાં તેવા કેટલાક વરિષ્ઠ ધારાસભ્યો મંત્રી બની શક્યા નહીં. તેમાં નજીર અહેમદ ગુરેઝી અને મુબારક ગુલનો સમાવેશ થતો હતો. બાદમાં ફારૂક અબ્દુલ્લાએ અલી મોહમ્મદ સાગરના સ્થાને મુબારક ગુલને પક્ષના મહાસચિવ તરીકે નિયુક્ત કર્યા.

Most Popular

To Top