હોલિવૂડના જાણીતા અભિનેતા સર પેટ્રિક સ્ટીવર્ટનું 86 વર્ષની વયે નિધન થયું છે. ‘સ્ટાર ટ્રેક’ અને ‘એક્સ-મેન’ જેવી લોકપ્રિય ફિલ્મો તથા ટેલિવિઝન શ્રેણીઓમાં યાદગાર અભિનયથી વિશ્વભરમાં ઓળખ મેળવનારા પેટ્રિક સ્ટીવર્ટે 28 ઓક્ટોબરે લોસ એન્જેલસ સ્થિત પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ અલ્ઝાઈમર રોગ અને લેવી બોડી ડિમેન્શિયા સામે ઝઝૂમી રહ્યા હતા. તેમના નિધનથી હોલિવૂડ સહિત વિશ્વભરના મનોરંજન જગતમાં શોકની લાગણી ફેલાઈ છે.
પેટ્રિક સ્ટીવર્ટના નિધનની જાણકારી તેમના પરિવાર તરફથી સોશિયલ મીડિયા પર આપવામાં આવી હતી. પરિવારના જણાવ્યા અનુસાર, અંતિમ સમયે તેમની પત્ની સની ઓઝેલ સહિત પરિવારજનો અને નજીકના મિત્રો તેમની સાથે હતા. તેમના અંતિમ દિવસો સંગીત, પ્રાર્થના, આંસુ અને હાસ્ય જેવી લાગણીસભર ક્ષણોથી ભરેલા રહ્યા હતા. પરિવારે તેમના શાંત ચહેરા અને વ્યક્તિત્વની ગરિમાને હંમેશાં યાદ રાખવાની વાત કહી હતી.
ઇંગ્લેન્ડના યોર્કશાયરના મિરફિલ્ડમાં જન્મેલા પેટ્રિક સ્ટીવર્ટે અભિનયની દુનિયામાં પોતાની સફર રંગમંચથી શરૂ કરી હતી. તેઓ રોયલ શેક્સપિયર કંપની સાથે જોડાયા હતા અને શેક્સપિયરના અનેક નાટકોમાં અભિનય કરીને પોતાની આગવી ઓળખ બનાવી હતી. લગભગ છ દાયકાની કારકિર્દીમાં તેમણે રંગમંચ, ટેલિવિઝન અને ફિલ્મોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેમની ગંભીર અને પ્રભાવશાળી અભિનયશૈલીને કારણે તેઓ વિશ્વભરના દર્શકોમાં લોકપ્રિય બન્યા હતા.
‘સ્ટાર ટ્રેકઃ ધ નેક્સ્ટ જનરેશન’માં કેપ્ટન જીન-લુક પિકાર્ડની ભૂમિકાએ તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી હતી. ત્યારબાદ ‘એક્સ-મેન’ ફિલ્મ શ્રેણીમાં પ્રોફેસર ચાર્લ્સ ઝેવિયરની ભૂમિકામાં પણ તેમણે દર્શકોનાં દિલ જીત્યાં હતાં. આ પાત્રમાં તેમની શાંતિપૂર્ણ, બુદ્ધિશાળી અને પ્રભાવશાળી રજૂઆતને કારણે તેઓ સુપરહીરો ફિલ્મોના ચાહકોમાં પણ ખૂબ લોકપ્રિય બન્યા હતા. વર્ષ 2010માં અભિનય ક્ષેત્રે તેમના યોગદાન બદલ તેમને નાઇટહૂડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પેટ્રિક સ્ટીવર્ટના નિધન બાદ તેમના ‘એક્સ-મેન’ના સહકલાકાર અને ‘વુલ્વરીન’ની ભૂમિકા ભજવનાર હ્યુ જેકમૅને પણ ભાવુક શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે સોશિયલ મીડિયા પર પેટ્રિક સાથેની તસવીરો શેર કરીને લખ્યું હતું કે, “આજે આપણે રંગમંચ અને પડદાના એક મહાન કલાકારને ગુમાવી દીધા છે. મારા માટે તેઓ એક ઉત્તમ મિત્ર અને શાનદાર વ્યક્તિ હતા. મેં તેમની પાસેથી ઘણું શીખ્યું છે. પેટ્રિક સ્ટીવર્ટ, હું તમને જીવનભર યાદ કરીશ.” બંને કલાકારોએ ‘એક્સ-મેન’ ફિલ્મ શ્રેણીમાં લાંબા સમય સુધી સાથે કામ કર્યું હતું અને તેમની વચ્ચે ગાઢ મિત્રતા પણ હતી.
પેટ્રિક સ્ટીવર્ટના ચાહકો માટે તેમની આગામી ફિલ્મ ‘એવેન્જર્સઃ ડૂમ્સડે’ ખાસ બની રહેશે. આ ફિલ્મમાં તેઓ ફરી એકવાર પ્રોફેસર ચાર્લ્સ ઝેવિયરની ભૂમિકામાં જોવા મળશે. માર્વેલ સ્ટુડિયોએ પણ શ્રદ્ધાંજલિ આપતાં પુષ્ટિ કરી છે કે આ ફિલ્મમાં તેમનો અભિનય પડદા પરની તેમની અંતિમ રજૂઆત હશે. ફિલ્મ 18 ડિસેમ્બર, 2026ના રોજ અમેરિકામાં રિલીઝ થવાની છે, જ્યારે ભારતમાં તે 17 ડિસેમ્બરે સિનેમાઘરોમાં આવવાની છે. તેમના નિધન બાદ રિલીઝ થનારી આ ફિલ્મ તેમના ચાહકો માટે તેમની યાદોને જીવંત રાખતી ખાસ ભેટ બની રહેશે.