સુરત રેલવે સ્ટેશન પર રેલવે પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને બિલ કે આધાર પુરાવા વિના લઈ જવાતો તંબાકુ અને પાનમસાલાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ચાર શંકાસ્પદ યુવકો પાસેથી અલગ-અલગ બ્રાન્ડના તંબાકુ અને પાનમસાલાની થેલીઓ તથા ટ્રોલી બેગ જપ્ત કરી છે. જપ્ત કરાયેલા માલ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 4.82 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે ચારેય શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગુજરાત રેલવે પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત સુરત રેલવે પોલીસની ટીમ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન 28 ઓક્ટોબર 2026ના રોજ રાત્રે આશરે 12:20 વાગ્યે પોલીસને બાતમી મળી હતી કે કેટલાક શખ્સો બિલ અને આધાર પુરાવા વિના ગુટખા, તંબાકુ તથા પાનમસાલાનો જથ્થો લઈને સુરતથી મુંબઈ જવા નીકળવાના છે. તેઓ ટ્રેન નંબર 12472 સ્વરાજ એક્સપ્રેસમાં મુસાફરી કરવાના હોવાની માહિતી પણ મળી હતી.
બાતમીના આધારે પોલીસે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-2 પર ઉધના તરફના છેડા પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ચાર શંકાસ્પદ યુવકોની હિલચાલ પર નજર રાખવામાં આવી હતી. તપાસ કરતાં તેમની પાસેથી કુલ 19 થેલાં અને ટ્રોલી બેગોમાં અલગ-અલગ બ્રાન્ડના તંબાકુ અને પાનમસાલાનો જથ્થો મળી આવ્યો હતો. માલ અંગે જરૂરી બિલ કે આધાર પુરાવા રજૂ ન કરી શકતાં પોલીસે સમગ્ર જથ્થો કબજે કર્યો હતો.
પોલીસે જપ્ત કરેલા તંબાકુ અને પાનમસાલાની કિંમત રૂ. 4,78,783.75 આંકી છે. આ ઉપરાંત ચાર મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યા છે, જેની કિંમત રૂ. 4,000 ગણવામાં આવી છે. આમ, તંબાકુ-પાનમસાલાના જથ્થા અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 4,82,783.75નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે તોહીદખાન નસિમખાન (ઉંમર 21 વર્ષ), સહારોજઅલી વજીદ અલી (ઉંમર 20 વર્ષ), કાસાનઅલી સલીમઅલી (ઉંમર 23 વર્ષ) અને સીબુખાન નબી હસન ખાન (ઉંમર 20 વર્ષ) સામે કાર્યવાહી કરી છે. ચારેય મજૂરી કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. તેમાંથી ત્રણ ઉત્તર પ્રદેશના અલગ-અલગ જિલ્લાઓના રહેવાસી છે, જ્યારે એક મહારાષ્ટ્રના ઠાણે જિલ્લાનો રહેવાસી છે. પોલીસે પંચનામું તૈયાર કરીને જપ્ત કરેલો મુદ્દામાલ સીલ કર્યો હતો. ત્યારબાદ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 35(1)(છ) તથા સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ ચારેય શખ્સોને નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Surat Railway Station, Railway Police, Tobacco Seizure, Pan Masala, Surat Crime News