SURAT

રૂ. 750ના કિલોના ભજીયા ખવડાવ્યા, મેયર બોલ્યાં- સ્વાસ્થ્ય સાથે સમાધાન કરીને સસ્તું શોધવું યોગ્ય નથી

સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં દિવાળી અને ચંડી પડવાની પૂર્વસંધ્યાએ યોજાયેલી નાસ્તા પાર્ટી હવે શહેરમાં ‘ભજીયા કાંડ’ તરીકે ચર્ચાનો વિષય બની છે. સામાન્ય સભા દરમિયાન ભજીયા પાછળ જ રૂ. 1 લાખથી વધુનો ખર્ચ કરવામાં આવતાં વિપક્ષ કોંગ્રેસે ભાજપના શાસકો પર પ્રજાના ટેક્સના નાણાંનો વેડફાટ કરવાનો આક્ષેપ કર્યો છે. મનપાએ 131 કિલોથી વધુ ભજીયા રૂ. 750 પ્રતિ કિલોના ભાવે ખરીદ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બીજી તરફ, મેયર માયાબેન માવાણીએ ખર્ચનો બચાવ કરતાં કહ્યું છે કે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ગુણવત્તાયુક્ત નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને સારું ખવડાવવું કોઈ ગુનો નથી.

આ વિવાદમાં સૌથી વધુ ચર્ચા ભજીયાના ભાવને લઈને થઈ રહી છે. સામાન્ય બજારમાં સારી ગુણવત્તાના ભજીયા રૂ. 350થી 500 પ્રતિ કિલોના ભાવે મળી શકતા હોવાનો કોંગ્રેસનો દાવો છે. જ્યારે મનપા દ્વારા ભજીયા રૂ. 750 પ્રતિ કિલોના ભાવે ખરીદવામાં આવ્યા હતા. વેપારીનો ભાવ રૂ. 800 હોવાનું જણાવાયું હતું, પરંતુ જથ્થાબંધ ખરીદીમાં માત્ર રૂ. 50નું ડિસ્કાઉન્ટ મળ્યું હતું. 131 કિલોથી વધુ ભજીયાની ખરીદી થતાં માત્ર આ નાસ્તાનું બિલ જ રૂ. 1 લાખને પાર પહોંચી ગયું હતું.

આ ખર્ચની સરખામણીમાં સુરતની ઓળખ ગણાતી ઘારી પાછળ આશરે રૂ. 20 હજારનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. ભજીયાનું બિલ ઘારીના ખર્ચ કરતાં પાંચ ગણાથી વધુ હોવાને કારણે મનપાની ખરીદી અને ખર્ચની પદ્ધતિ સામે સવાલો ઊભા થયા છે. ખાસ કરીને જથ્થાબંધ ઓર્ડર હોવા છતાં ભજીયા આટલા ઊંચા ભાવે કેમ ખરીદવામાં આવ્યા, તે મુદ્દે ચર્ચા શરૂ થઈ છે.

મેયર માયાબેન માવાણીએ આ સમગ્ર વિવાદ અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે આ વખતની સામાન્ય સભા ચંડી પડવાના દિવસે અને દિવાળી નજીક યોજાઈ હોવાથી નાસ્તામાં ઘારી અને ભજીયાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ નાસ્તો માત્ર કોર્પોરેટરો માટે જ નહોતો, પરંતુ અધિકારીઓ, પત્રકારો, પટ્ટાવાળા, માર્શલ અને અન્ય મુલાકાતીઓ સહિત અંદાજે 350થી 400 લોકો માટે રાખવામાં આવ્યો હતો.

ભજીયાના ઊંચા ભાવ અંગે મેયરે જણાવ્યું હતું કે વેપારીએ રૂ. 800નો ભાવ આપ્યો હતો, પરંતુ મનપાને રૂ. 750માં ભજીયા મળ્યા હતા. તેમણે ભજીયાની ગુણવત્તાનો બચાવ કરતાં કહ્યું હતું કે ભજીયા એકદમ ઓઇલ ફ્રી અને ઉત્તમ ગુણવત્તાના હતા. લોકોના સ્વાસ્થ્ય સાથે સમાધાન કરીને માત્ર સસ્તું મળે તે માટે ખરીદી કરવી યોગ્ય નથી. તેમના મતે આ વ્યવસ્થા એક પ્રકારના મોટા જમણવાર સમાન હતી અને લોકોને ભાવપૂર્વક સારું ખવડાવવું કોઈ ગુનો નથી.

જોકે, મેયરના આ ખુલાસા સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અસ્લમ સાયકલવાલાએ આ ખર્ચને પ્રજાના પરસેવાની કમાણીનો વેડફાટ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પરંપરાગત રીતે આ પ્રકારની મિજબાનીની વ્યવસ્થા કરવામાં આવતી નથી. ભાજપના શાસકોએ સામાન્ય સભાના નામે આ પરંપરા તોડીને કરદાતાઓના નાણાંનો બિનજરૂરી ખર્ચ કર્યો છે.

સાયકલવાલાના જણાવ્યા મુજબ, તાપી ભવનની આસપાસના વિસ્તારમાં પણ રૂ. 350થી 400 પ્રતિ કિલોના ભાવે ભજીયા મળી શકે છે. તેમ છતાં મનપાએ રૂ. 750ના ભાવે ભજીયા ખરીદીને જાહેર નાણાંનો બગાડ કર્યો છે. મોંઘવારીના સમયમાં સામાન્ય લોકો ખર્ચ ઘટાડવા મજબૂર છે, ત્યારે પ્રજાના ટેક્સમાંથી મળતાં નાણાંનો આ રીતે ઉપયોગ કરવો યોગ્ય નથી.

આ સમગ્ર મામલે શહેરના નાગરિકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. એક તરફ સુરતના અનેક વિસ્તારોમાં લોકો ખાડા, ગંદકી અને રસ્તા જેવી પાયાની સુવિધાઓની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ સામાન્ય સભામાં નાસ્તા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થતો હોવાની ચર્ચાએ વિવાદને વધુ વેગ આપ્યો છે. નાગરિકો અને વિપક્ષ દ્વારા હવે આ ખરીદીની તપાસ કરવાની માંગ ઊઠી રહી છે.

હવે સવાલ એ છે કે ભજીયાની ખરીદીમાં નક્કી કરાયેલા ભાવ અને ખર્ચની વિગતોની મ્યુનિસિપલ કમિશનર અથવા ઓડિટ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે કે નહીં? ખરીદીની પ્રક્રિયા અને ચૂકવાયેલા ભાવની ચકાસણી થશે કે નહીં, તેમજ જો કોઈ ગેરરીતિ સામે આવશે તો જવાબદાર અધિકારીઓ કે પદાધિકારીઓ સામે પગલાં લેવાશે કે કેમ, તેના પર સૌની નજર છે.

Most Popular

To Top