National

320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે બુલેટ ટ્રેન, ગુજરાતનાં આ શહેરોમાં મળશે સ્ટોપેજ

દેશની પ્રથમ બુલેટ ટ્રેન શરૂ કરવાની તૈયારીઓ હવે વધુ વેગવાન બની છે. મુંબઈથી અમદાવાદ વચ્ચેના 508 કિલોમીટર લાંબા હાઇ-સ્પીડ રેલ કોરિડોર પર ટ્રેક, પુલ, ટનલ અને સ્ટેશનોનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટની પ્રથમ સેવા 2027ના અંતિમ ત્રિમાસિક ગાળામાં શરૂ થવાની અપેક્ષા છે. બુલેટ ટ્રેન શરૂ થયા બાદ તે મહત્તમ 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ પ્રોજેક્ટ અંગે માહિતી આપતાં જણાવ્યું છે કે દેશની પ્રથમ બુલેટ ટ્રેન હવે વાસ્તવિક સ્વરૂપ લઈ રહી છે. ખાસ કરીને મુંબઈના બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) ખાતે જમીનની અંદર બનાવવામાં આવતું સ્ટેશન અને થાણે ક્રીક નીચે તૈયાર થઈ રહેલી અંડર-સી ટનલ આ પ્રોજેક્ટનાં મુખ્ય આકર્ષણ છે.

મુંબઈના BKC વિસ્તારમાં બુલેટ ટ્રેનનું સ્ટેશન જમીનથી લગભગ 32 મીટર એટલે કે 100 ફૂટ નીચે બનાવવામાં આવી રહ્યું છે. આ હાઇ-સ્પીડ રેલ કોરિડોરનું એકમાત્ર અંડરગ્રાઉન્ડ સ્ટેશન હશે. અહીં પ્લેટફોર્મ, કોન્કોર્સ અને અન્ય સેવાઓ માટે ત્રણ અલગ-અલગ સ્તર તૈયાર કરવામાં આવી રહ્યાં છે. સ્ટેશનમાં કુલ છ પ્લેટફોર્મ બનાવવામાં આવશે અને દરેક પ્લેટફોર્મની લંબાઈ 400 મીટરથી વધુ રાખવામાં આવશે. આટલી ઊંડાઈએ સ્ટેશનનું નિર્માણ કરવું એન્જિનિયરિંગની દૃષ્ટિએ મોટો પડકાર છે.

આ પ્રોજેક્ટનો બીજો મહત્ત્વનો ભાગ થાણે ક્રીક નીચે બનાવવામાં આવી રહેલી અંડર-સી રેલ ટનલ છે. મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેનનો માર્ગ આશરે 21 કિલોમીટર લાંબી ટનલમાંથી પસાર થશે, જેમાંથી લગભગ સાત કિલોમીટરનો હિસ્સો સમુદ્રની નીચે હશે. આ ટનલ બનાવવા માટે વિશાળ ટનલ બોરિંગ મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દરેક મશીનનું વજન 3,000 ટનથી વધુ હોવાનું જણાવાયું છે, જ્યારે કટરહેડનો વ્યાસ 13.6 મીટર છે. મશીનોની લંબાઈ આશરે 96 મીટર છે. આટલી વિશાળ મશીનો ખડકોને કાપીને ટનલનો માર્ગ તૈયાર કરી રહી છે. જુલાઈ 2026માં વિક્રોલી અને સાવલી તરફથી બે ટનલ બોરિંગ મશીનો શરૂ કરવામાં આવી હતી.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર મહારાષ્ટ્ર, ગુજરાત અને દાદરા તથા નગર હવેલી વિસ્તારમાંથી પસાર થશે. આ રૂટ પર કુલ 12 મુખ્ય સ્ટેશનો નક્કી કરવામાં આવ્યા છે. તેમાં મુંબઈનું BKC, થાણે, વિરાર, બોઇસર, વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતીનો સમાવેશ થાય છે. ટ્રેન મહત્તમ 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે, જ્યારે કોરિડોર પર તેની સરેરાશ ઝડપ આશરે 300 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની ધારણા છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ મુંબઈ અને અમદાવાદ વચ્ચેની મુસાફરીનો સમય ઘટશે અને ગુજરાત તથા મહારાષ્ટ્ર વચ્ચે ઝડપી પરિવહનની નવી સુવિધા ઉપલબ્ધ થશે.

Most Popular

To Top