અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2026માં ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રકાશન વિભાગ દ્વારા વિવિધ વિષયો અને ભારતીય ભાષાઓનાં પુસ્તકોનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે 24 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી ચાલનારા આ પુસ્તક મેળામાં વાચકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ઇતિહાસ, કળા, સંસ્કૃતિ, વિજ્ઞાન, ટેકનોલોજી, બાળ સાહિત્ય અને રાષ્ટ્રીય વિરાસત સહિતના અનેક વિષયોનાં પુસ્તકો ડિસ્કાઉન્ટ સાથે ખરીદવાની તક મળશે. પ્રદર્શનનો સમય દરરોજ સવારે 10થી રાત્રે 9 વાગ્યા સુધીનો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી શિક્ષણ મંત્રાલય હેઠળના નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કર્યું હતું. મેળામાં પ્રકાશન વિભાગના સ્ટોલ પર વિવિધ વયજૂથના વાચકો માટે ઉપયોગી પુસ્તકો અને સામયિકો ઉપલબ્ધ છે. પ્રકાશન વિભાગના પ્રદર્શનમાં ભારત અને વર્તમાન પ્રવાહો, સામાન્ય જ્ઞાન, યુપીએસસી, જીપીએસસી અને એસએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેનાં પુસ્તકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કળા, સંસ્કૃતિ, વિજ્ઞાન અને ટેકનોલોજી, ઇતિહાસ, સ્વતંત્રતા સંગ્રામ, ભારતીય વિરાસત, ગાંધીવાદી સાહિત્ય, બાળ સાહિત્ય, પર્યાવરણ, સ્વાસ્થ્ય અને પોષણ, રમતગમત, વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ, મીડિયા તથા સંચાર જેવા વિષયોનાં પુસ્તકો પણ ખરીદી શકાય છે.
આ સ્ટોલ પર આધુનિક ભારતના ઘડવૈયાઓ, ભારતના સાંસ્કૃતિક નેતાઓ, મહાનુભાવોનાં જીવનચરિત્રો, ભાષણો અને લખાણો તેમજ રાષ્ટ્રપતિ ભવન શ્રેણી સહિતનાં વિશેષ પ્રકાશનો પણ ઉપલબ્ધ છે. દેશ અને તેના લોકો વિશે જાણકારી મેળવવા ઇચ્છતા વાચકો માટે વિવિધ સંદર્ભ ગ્રંથો પણ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે. આ તમામ પુસ્તકો અને સામયિકો અનેક ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ હોવાથી અલગ-અલગ ભાષાના વાચકોને પોતાની પસંદગીનું સાહિત્ય મેળવવાની તક મળશે.
પ્રકાશન વિભાગ ‘યોજના’, ‘કુરુક્ષેત્ર’, ‘બાળ ભારતી’ અને ‘આજકલ’ સહિતનાં સામયિકો પ્રકાશિત કરે છે. વિકાસલક્ષી સામયિક ‘યોજના’ 13 ભાષાઓમાં પ્રકાશિત થાય છે, જ્યારે ‘કુરુક્ષેત્ર’માં ગ્રામીણ વિકાસ સંબંધિત વિષયો આવરી લેવામાં આવે છે. આ ઉપરાંત વિભાગ દ્વારા કુલ 17 માસિક સામયિકો તથા ‘એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ’ અને ‘રોજગાર સમાચાર’ જેવા અઠવાડિકોનું પ્રકાશન કરવામાં આવે છે. આ પ્રકાશનોમાં સરકારી યોજનાઓ, આર્થિક વિકાસ, ગ્રામીણ પુનઃનિર્માણ, સમુદાય વિકાસ, સાહિત્ય, સંસ્કૃતિ, બાળ સાહિત્ય અને રોજગાર તથા કારકિર્દીની તકો અંગેની માહિતી આપવામાં આવે છે.
પુસ્તકો ખરીદવા અને સામયિકોનું સબ્સ્ક્રિપ્શન મેળવવા ઇચ્છતા વાચકોને પુસ્તક મેળામાં સ્ટોલ નંબર C-57ની મુલાકાત લેવા અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે yojanagujarati\@gmail.com પર ઈમેલ કરી શકાય છે અથવા 079-26588669 નંબર પર સંપર્ક કરી શકાય છે. અમદાવાદના આશ્રમ રોડ પર નેહરુ બ્રિજના ખૂણા પાસે આવેલા નેપ્ચ્યુન ટાવરમાં પ્રકાશન વિભાગની કચેરીની મુલાકાત પણ લઈ શકાય છે. વાચકો પ્રકાશન વિભાગની સત્તાવાર વેબસાઇટ publicationsdivision.nic.in પરથી પુસ્તકોની સૂચિ, ડિસ્કાઉન્ટની નીતિ અને ઓનલાઈન ખરીદી અંગેની માહિતી મેળવી શકે છે. પુસ્તકો અને સામયિકો ઓનલાઈન સ્ટોર, એજન્ટો તથા દેશનાં મુખ્ય શહેરોમાં આવેલા વેચાણ કેન્દ્રો મારફતે પણ ઉપલબ્ધ છે.
વર્ષ 1941માં સ્થાપિત પ્રકાશન વિભાગ રાષ્ટ્રીય મહત્ત્વના વિષયો પર પુસ્તકો અને સામયિકો પ્રકાશિત કરતી સંસ્થા છે. તેના મહત્ત્વપૂર્ણ પ્રકાશનોમાં મહાત્મા ગાંધીનાં 100 ખંડમાં સમાવાયેલાં સંકલિત કાર્યો અને તેનું ડિજિટલ સ્વરૂપ e-CWMG પણ સામેલ છે. ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રીય વિરાસતને લગતું પ્રમાણભૂત તથા વાજબી કિંમતે ઉપલબ્ધ સાહિત્ય વધુમાં વધુ વાચકો સુધી પહોંચાડવાના હેતુથી વિભાગ કાર્યરત છે. અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં યોજાયેલું આ પ્રદર્શન વિદ્યાર્થીઓ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો, સંશોધકો અને પુસ્તકપ્રેમીઓ માટે વિવિધ વિષયોનું સાહિત્ય એક જ સ્થળે મેળવવાની તક પૂરી પાડે છે.