SURAT

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં શોર્ટ સર્કિટથી આગ, ચાર કર્મચારીઓને સુરક્ષિત બહાર કઢાયા

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના સામે આવી છે. હોસ્પિટલના ફિઝિયોથેરાપી ઓપીડી નજીક આવેલા જૂના માઇક્રોબાયોલોજી વિભાગના ખાલી હોલમાં ઇલેક્ટ્રિક સમારકામ દરમિયાન અચાનક આગ ફાટી નીકળી હતી. જોકે, સમયસૂચકતા વાપરીને ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. હોસ્પિટલના ફિઝિયોથેરાપી ઓપીડી પાસે આવેલા જૂના ખાલી હોલમાં પ્રોજેક્ટ ઇમ્પ્લીમેન્ટેશન યુનિટ (PIU) દ્વારા ઇલેક્ટ્રિક સમારકામનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન ઇલેક્ટ્રિક ડક્ટમાં સ્પાર્ક થતાં નજીકમાં પડેલી જ્વલનશીલ સામગ્રીમાં આગ લાગી હતી. આગ લાગતાં સ્થળ પર હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઝડપથી કામગીરી હાથ ધરી આગને વધુ ફેલાતી અટકાવી હતી. સમારકામનું કામ ચાલી રહ્યું હોવાથી હોલમાં કોઈ દર્દી હાજર નહોતા. જોકે, સ્થળ પર કામ કરી રહેલા ચાર લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. સમયસર આગ પર કાબૂ મેળવી લેવામાં આવતાં હોસ્પિટલના અન્ય વિભાગોમાં આગ ફેલાતી અટકી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી તેમજ મોટા નુકસાનની પણ જાણ થઈ નથી. હોસ્પિટલમાં સમારકામ દરમિયાન બનેલી આ ઘટનાને પગલે આગ લાગવાનું કારણ અને સલામતીનાં પગલાં અંગે ધ્યાન આપવાની જરૂરિયાત ફરી સામે આવી છે.

Most Popular

To Top