સુરતીઓના ખાવાના શોખ અને નવીન પ્રયોગો ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. ચંદી પડવાના તહેવાર પહેલાં સુરતના મીઠાઈ બજારમાં આ વર્ષે ‘Gen-Z’ અને ‘જંતર-મંતર’ ઘારી આકર્ષણનું કેન્દ્ર બની છે. અત્યાર સુધી ‘Gen-Z’ અને ‘જંતર-મંતર’ જેવા શબ્દો અલગ-અલગ ચર્ચાઓ અને વિરોધ પ્રદર્શનોને કારણે સાંભળવા મળતા હતા, પરંતુ હવે મીઠાઈના સ્વાદ સાથે આ નામો જોડાયાં છે. તહેવાર પહેલાં જ ઘારીની આ અનોખી વેરાયટી સુરતીઓમાં ઉત્સુકતા જગાવી રહી છે. સુરતની ઓળખ તેની ખાણીપીણીની વિવિધતા માટે પણ છે. અહીંના લોકો પરંપરાગત વાનગીઓનો સ્વાદ માણવાની સાથે નવી વેરાયટી અજમાવવાનું પણ પસંદ કરે છે. ચંદી પડવો નજીક આવતાં મીઠાઈના વેપારીઓ પણ ગ્રાહકોને કંઈક અલગ આપવા માટે નવા પ્રયોગો કરે છે. આ વર્ષે એક મીઠાઈ વિક્રેતાએ વર્તમાન સમયમાં ચર્ચામાં રહેલા ‘Gen-Z’ અને ‘જંતર-મંતર’ શબ્દોને ઘારીનાં નામ આપીને નવો કોન્સેપ્ટ રજૂ કર્યો છે.
મીઠાઈ વિક્રેતાના જણાવ્યા પ્રમાણે, સુરતીઓ દર વર્ષે ઘારીમાં નવીનતા ઇચ્છે છે. તેથી આ વખતે પણ કંઈક અલગ કરવાનો વિચાર આવ્યો હતો. હાલ ચર્ચામાં રહેલા બે શબ્દોને પસંદ કરીને તેમના આધારે ઘારીની નવી વેરાયટી તૈયાર કરવામાં આવી છે. ‘Gen-Z’ ઘારી આજની યુવા પેઢીને પસંદ આવે તેવા સ્વાદ અને ટેસ્ટને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. તેમાં બ્યુની અને કેરેમલ ફ્લેવર રજૂ કરવામાં આવ્યા છે. બીજી તરફ, ‘જંતર-મંતર’ ઘારી તેના દેખાવ અને અંદરના સ્વાદને કારણે અલગ છે. વેપારીના જણાવ્યા પ્રમાણે, આ ઘારીમાં અડધા ભાગમાં સોનાની અને અડધા ભાગમાં ચાંદી જેવી દેખાવની સજાવટ કરવામાં આવી છે. તેની અંદર પણ ગ્રાહકોને કંઈક અલગ સ્વાદનો અનુભવ મળે તે રીતે તૈયાર કરવામાં આવી છે. આ અનોખા દેખાવ અને કોન્સેપ્ટને કારણે તેનું નામ ‘જંતર-મંતર’ રાખવામાં આવ્યું છે. આ નવી ઘારીની કિંમત પણ ખાસ છે. ‘Gen-Z’ બ્યુની ઘારી અને ‘Gen-Z’ કેરેમલ ઘારી બંનેની કિંમત પ્રતિ કિલો 1,200 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે ‘જંતર-મંતર’ ઘારીનો એક પીસ 1,000 રૂપિયામાં મળશે. આમ, ચંદી પડવા પહેલાં સુરતના મીઠાઈ બજારમાં પરંપરાગત ઘારીની સાથે નવા નામ, અલગ સ્વાદ અને આકર્ષક દેખાવવાળી વેરાયટી પણ જોવા મળી રહી છે.