ઉદયપુરથી સુરત આવી રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર ઉત્રાણ અને સુરત વચ્ચે પથ્થરમારો થતાં મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. 19 ઓક્ટોબરના રોજ બનેલી આ ઘટનામાં ટ્રેનના કોચ નંબર C-6ની બારીઓના કાચ તૂટી ગયા હતા. રેલવે પોલીસે CCTV ફૂટેજના આધારે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, આરોપીઓએ માત્ર મજા કરવા માટે પથ્થરમારો કર્યો હોવાનું કબૂલ્યું હતું.
ટ્રેન નંબર 26904 ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસ રાજસ્થાનના ઉદયપુરથી સુરત તરફ આવી રહી હતી. તે દરમિયાન ઉત્રાણ અને સુરત વચ્ચે અસામાજિક તત્ત્વોએ ચાલતી ટ્રેનને નિશાન બનાવી પથ્થરમારો કર્યો હતો. આ અચાનક બનેલી ઘટનાને કારણે કોચ નંબર C-6માં બેઠેલા મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો. કોચમાં સીટ નંબર 40, 41 અને 42 તેમજ 60, 61 અને 62 પાસે આવેલી બારીઓના કાચ તૂટી ગયા હતા.
સદનસીબે પથ્થરમારાની આ ઘટનામાં કોઈ મુસાફર કે રેલવે કર્મચારીને ઈજા થઈ ન હતી. જોકે, ચાલતી ટ્રેન પર પથ્થરમારો થવાથી મુસાફરોની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. ઘટનાની જાણ થતાં મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના કંટ્રોલ રૂમ દ્વારા સુરત રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) પોસ્ટને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી.
માહિતી મળ્યા બાદ રેલવે પોલીસે તપાસ શરૂ કરી હતી. ઘટનાસ્થળ અને સંબંધિત CCTV ફૂટેજની તપાસના આધારે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓએ મજા માટે આ કૃત્ય કર્યું હોવાનું કબૂલ્યું હોવાનું જણાવાયું છે. ચાલતી ટ્રેન પર પથ્થરમારો કરવાથી મુસાફરોના જીવ જોખમમાં મુકાઈ શકે છે અને રેલવેની સંપત્તિને પણ નુકસાન થાય છે. આથી આવી ઘટનાઓ સામે રેલવે સુરક્ષા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત ફરી સામે આવી છે.