વિશ્વ કપાસ દિવસ: ગુજરાતમાં કપાસનું ઉત્પાદન અને ખેડૂતોની વ્યથા
દર વર્ષે 7 ઓક્ટોબરે સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ કપાસ દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે. મનુષ્ય માટે રોટી બાદ કપડાં મહત્વની જરૂરિયાત છે અને કપડાંના ઉત્પાદન માટે કપાસ મુખ્ય કાચો માલ છે. કપાસના મહત્વ, તેના ઉત્પાદન સાથે જોડાયેલા ખેડૂતો અને સમગ્ર કપાસ ઉદ્યોગના યોગદાનને ઉજાગર કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.ગુજરાત દેશના કપાસ ઉત્પાદનમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. દેશના કુલ કપાસ ઉત્પાદનમાં ગુજરાતનો આશરે 25 ટકા ફાળો છે, જ્યારે કપાસના કુલ વાવેતરમાં રાજ્યનો હિસ્સો આશરે 20 ટકા છે. કપાસના વાવેતરની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં બીજા ક્રમે છે. વર્ષ 2024-25 દરમિયાન રાજ્યમાં આશરે 23.71 લાખ હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર થયું હતું.
ગુજરાતમાં છેલ્લા અનેક દાયકાઓ દરમિયાન કપાસના વાવેતર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2001-02માં રાજ્યમાં કપાસનું વાવેતર 17.49 લાખ હેક્ટર હતું, જે વર્ષ 2024-25 સુધીમાં વધીને 23.71 લાખ હેક્ટર થયું છે. આ સમયગાળામાં કપાસનું ઉત્પાદન પણ આશરે 17 લાખ ગાંસડીથી વધીને 71 લાખ ગાંસડી સુધી પહોંચ્યું છે. ઉત્પાદકતાની વાત કરીએ તો તે 165 કિલોગ્રામ રૂ પ્રતિ હેક્ટરથી વધીને 2024-25માં 512 કિલોગ્રામ પ્રતિ હેક્ટર થઈ છે. વર્ષ 2025-26માં અત્યાર સુધીમાં રાજ્યમાં 21.39 લાખ હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર થયું છે અને આ વર્ષે આશરે 73 લાખ ગાંસડી ઉત્પાદન થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.
કપાસની ઉત્પાદકતા વધારવામાં ગુજરાતે સંશોધન અને નવી જાતોના વિકાસ ક્ષેત્રે પણ મહત્વની ભૂમિકા ભજવી છે. સમગ્ર દેશમાં બીટી સંકર કપાસની જાતોના વિકાસ અને તેની માન્યતા મેળવવાની પ્રક્રિયામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે.જોકે, વિશ્વ કપાસ દિવસની ઉજવણી વચ્ચે ખેડૂતોની મુશ્કેલીઓ પણ સામે આવી છે. ખેડૂત આગેવાન જયેશભાઈ દેલાડના જણાવ્યા મુજબ, કપાસના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે. એક સમયે ખેડૂતોને કપાસના રૂ. 10,000 પ્રતિ ક્વિન્ટલ સુધીના ભાવ મળતા હતા, જે હાલમાં ઘટીને આશરે રૂ. 6,000થી રૂ. 7,000 પ્રતિ ક્વિન્ટલ થઈ ગયા છે. ભાવમાં ઘટાડાને કારણે કપાસ ઉત્પાદક ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે.
આ ઉપરાંત વિદેશથી આયાત થતા કપાસ પરની 11 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડીને શૂન્ય ટકા કરવામાં આવી હોવાના મુદ્દે પણ ખેડૂત આગેવાનોએ ચિંતા વ્યક્ત કરી છે. ખેડૂતોનું કહેવું છે કે વિદેશી કપાસની આયાત વધવાથી સ્થાનિક કપાસના ભાવ પર અસર થઈ શકે છે.ખેડૂત આગેવાન જયેશભાઈ દેલાડે સરકાર સમક્ષ આગામી દિવસોમાં વિદેશી કપાસની આયાત પર ફરીથી 11 ટકા આયાત જકાત લાગુ કરવાની માંગ કરી છે. એક તરફ ગુજરાત કપાસ ઉત્પાદન અને ઉત્પાદકતામાં આગળ વધી રહ્યું છે, ત્યારે બીજી તરફ યોગ્ય ભાવ, આયાત નીતિ અને ખેડૂતોની આવક જેવા મુદ્દાઓ કપાસ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ પડકાર બની રહ્યા છે.