ચીન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં શુક્રવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ત્રણેય દેશોમાં ભૂકંપની તીવ્રતા 4.1થી 4.9ની વચ્ચે નોંધાઈ હતી. બીજી તરફ, તિબેટમાં ગુરુવારે સાંજે આવેલા 7ની તીવ્રતાના વિનાશક ભૂકંપે ભારે નુકસાન પહોંચાડ્યું છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 16 લોકોનાં મોત થયાં છે, જ્યારે 54થી વધુ લોકો ઘાયલ થયા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. ભૂકંપના આંચકાઓમાં પાકિસ્તાનમાં સૌથી વધુ 4.9ની તીવ્રતા નોંધાઈ હતી. અહીં શુક્રવારે સવારે 4:56 વાગ્યે ધરતી ધ્રૂજી હતી. ત્યારબાદ ચીનમાં સવારે 6:05 વાગ્યે 4.4ની તીવ્રતાનો અને અફઘાનિસ્તાનમાં સવારે 5:54 વાગ્યે 4.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આ ભૂકંપના કેન્દ્ર જમીનથી આશરે 15થી 25 કિલોમીટરની ઊંડાઈએ હતાં. ત્રણેય દેશોમાં આવેલા આ આંચકાઓને કારણે સ્થાનિક વિસ્તારોમાં ચિંતા જોવા મળી હતી.
તિબેટમાં આવેલા શક્તિશાળી ભૂકંપથી અનેક વિસ્તારોમાં ભારે તબાહી સર્જાઈ છે. ઉત્તરીય તિબેટના નાગકૂ શહેરમાં 339થી વધુ મકાનો અને 20થી વધુ પશુ શેડ ધરાશાયી થયા હોવાના અહેવાલ છે. ભૂકંપના કારણે અનેક પરિવારોને નુકસાન વેઠવું પડ્યું છે અને અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્થાનિક તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી માટે 1,600થી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. અસરગ્રસ્ત લોકો માટે તંબુ, ફોલ્ડિંગ બેડ અને ગરમ કપડાં પહોંચાડવામાં આવી રહ્યાં છે. ભૂકંપ બાદ તિબેટના અનેક વિસ્તારોમાં વીજળી અને સંદેશાવ્યવહાર સેવાઓ ખોરવાઈ ગઈ છે. ભૂસ્ખલનના કારણે નેશનલ હાઇવે 317નો મોટો હિસ્સો વાહનવ્યવહાર માટે બંધ કરવો પડ્યો છે. રેલવે વિભાગે સાવચેતીના પગલાંરૂપે આ વિસ્તારમાંથી પસાર થતી ટ્રેનોને અટકાવી દીધી છે. રસ્તાઓને થયેલા નુકસાન અને સંદેશાવ્યવહારની સમસ્યાઓને કારણે રાહત કામગીરી વધુ મુશ્કેલ બની રહી છે.
હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન ભૂકંપથી પ્રભાવિત વિસ્તારમાં હિમવર્ષા થવાની શક્યતા વ્યક્ત કરી છે. હિમવર્ષા થાય તો બચાવ કામગીરીમાં વધુ મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે અને અસરગ્રસ્ત લોકોને જરૂરી સહાય પહોંચાડવામાં વિલંબ થઈ શકે છે. તિબેટમાં આવેલા આ ભૂકંપને છેલ્લા પાંચ વર્ષમાં આ ક્ષેત્રમાં આવેલા સૌથી મોટા અને વિનાશક ભૂકંપમાંનો એક ગણાવવામાં આવી રહ્યો છે. હાલ અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનનો અંદાજ મેળવવા અને લોકોને મદદ પહોંચાડવા કામગીરી ચાલુ છે.