National

બંગાળની ખાડીમાં ‘મુરાસુ’ ચક્રવાત સર્જાયું, ઓડિશાના બે જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ

બંગાળની ખાડીમાં સર્જાયેલું એક ઊંડું દબાણ (ડીપ ડિપ્રેશન) વધુ તીવ્ર બનીને ‘મુરાસુ’ નામના ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૩ નવેમ્બરની સવારે આ ચક્રવાત આંધ્રપ્રદેશના કિનારે ત્રાટકે તેવી શક્યતા છે. આ દરમિયાન પવનની ગતિ ૧૦૦ થી ૧૧૦ કિમી પ્રતિ કલાક રહેવાની અને પવનના ઝાપટાં ૧૨૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવના છે.

એક સપ્તાહની અંદર બંગાળની ખાડીમાં સર્જાયેલું આ બીજું ચક્રવાતી તોફાન છે. આ પહેલાં ૨૬ ઓક્ટોબરે ‘અર્નબ’ ચક્રવાત સર્જાયું હતું જે ૨૮ ઓક્ટોબરે આંધ્રપ્રદેશના કિનારે ત્રાટક્યું હતું. તેના કારણે આંધ્રપ્રદેશ અને ઓડિશા સહિત દેશના મોટા ભાગોમાં વરસાદ પડ્યો હતો.

ઓડિશાના ગંજામ અને ગજપતિ જિલ્લાઓમાં છેલ્લા એક સપ્તાહથી પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. રાજ્ય હજુ પણ ‘અર્નબ’ ચક્રવાતથી થયેલા નુકસાનમાંથી બહાર આવી રહ્યું છે, ત્યાં જ આ નવા તોફાનને કારણે ફરીથી ભારે વરસાદ થવાનું જોખમ ઊભું થયું છે. આ જોખમને ધ્યાનમાં રાખીને ઓડિશા સરકારે નીચાણવાળા અને પહાડી વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાનો આદેશ આપ્યો છે.

બીજી તરફ હિમાચલ પ્રદેશમાં આગામી બે દિવસ સુધી વરસાદ અને હિમવર્ષા થવાની શક્યતા છે. શિમલા સ્થિત હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર આજે અને આવતીકાલે રાજ્યના ઊંચાઈવાળા વિસ્તારોમાં હળવો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે.

Most Popular

To Top