Gujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર શ્રદ્ધાંજલિથી ભવ્ય પરેડ સુધી, આવો રહ્યો PM મોદીનો ગુજરાત મુલાકાતનો બીજા દિવસનો કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસના બીજા દિવસે એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચરણ પૂજન કરીને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ એકતાનગરમાં તૈયાર કરવામાં આવેલા વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. તેમના કાર્યક્રમમાં રેન ફોરેસ્ટ પ્રોજેક્ટ અને બોન્સાઈ ગાર્ડનની મુલાકાતનો પણ સમાવેશ થયો હતો. સાંજે તેઓ ભવ્ય એકતા પરેડમાં ઉપસ્થિત રહ્યા હતા અને રાત્રે વડોદરા એરપોર્ટથી દિલ્હી જવા રવાના થયા હતા.

વડાપ્રધાન મોદી સવારે 8:45 વાગ્યે સર્કિટ હાઉસથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા રવાના થયા હતા. સવારે 9:00થી 9:10 વાગ્યા દરમિયાન તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચરણ પૂજન કર્યું હતું અને સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સાથે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની શરૂઆત થઈ હતી. ચરણ પૂજન બાદ સવારે 9:15થી 9:30 વાગ્યા સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની તકતીઓનું અનાવરણ કરવામાં આવ્યું હતું. એકતાનગરમાં પ્રવાસીઓની સુવિધા વધારવા અને પર્યટનને પ્રોત્સાહન આપવા માટે તૈયાર કરવામાં આવેલા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સવારે 9:35 વાગ્યે વડાપ્રધાન નવી વિસ્ટાડોમ બસમાં બેસીને રેન ફોરેસ્ટ પ્રોજેક્ટ સુધી પહોંચ્યા હતા. સવારે 9:40થી 10:00 વાગ્યા દરમિયાન તેમણે રેન ફોરેસ્ટ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી અને ત્યાં તૈયાર કરવામાં આવેલી સુવિધાઓ તથા પ્રોજેક્ટની વિશેષતાઓ નિહાળી હતી. ત્યારબાદ સવારે 10:00થી 10:30 વાગ્યા સુધી તેમણે બોન્સાઈ ગાર્ડનની મુલાકાત લીધી હતી. અહીં વિવિધ પ્રકારના બોન્સાઈ છોડ અને બગીચાની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.

બોન્સાઈ ગાર્ડનની મુલાકાત પૂર્ણ કર્યા બાદ સવારે 10:45 વાગ્યે વડાપ્રધાન સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. તેઓ સાંજે 5:10 વાગ્યા સુધી અહીં રોકાશે. ત્યારબાદ સાંજે 5:15 વાગ્યે સર્કિટ હાઉસથી એકતા પથ જવા રવાના થશે, જ્યાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે ભવ્ય એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 5:30થી 7:40 વાગ્યા દરમિયાન વડાપ્રધાન એકતા પરેડમાં ઉપસ્થિત રહેશે. આ પરેડમાં વિવિધ રાજ્યોની પોલીસ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને અન્ય સુરક્ષા દળોના જવાનો ભાગ લેશે. પરેડમાં સુરક્ષા દળોની કામગીરી, શિસ્ત અને બહાદુરીની ઝલક રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત વિવિધ રાજ્યોની સંસ્કૃતિ દર્શાવતી ઝાંખીઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. આ વખતની પરેડમાં નક્સલવાદ સામેની કામગીરી અને નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં આવેલા ફેરફારોને પણ રજૂ કરવામાં આવશે.

એકતા પરેડમાં ભાગ લીધા બાદ રાત્રે 8:00 વાગ્યે વડાપ્રધાન એકતાનગરથી બાય રોડ વડોદરા એરપોર્ટ જવા રવાના થશે. વડોદરા એરપોર્ટ પહોંચ્યા બાદ રાત્રે 9:10 વાગ્યે તેઓ વિમાન મારફતે દિલ્હી જવા રવાના થશે. આ સાથે તેમના બે દિવસીય ગુજરાત પ્રવાસનું સમાપન થશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાના ભીલડીમાં રૂ. 14 હજાર કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યારબાદ એકતાનગરમાં ભારત પર્વનું ઉદ્ઘાટન કર્યું હતું. અહીં તેમણે ‘આનંદમઠ’ની ભવ્ય નાટ્યપ્રસ્તુતિ નિહાળી હતી, એકતા પ્રકાશ પર્વની મુલાકાત લીધી હતી અને નર્મદા ઘાટ ખાતે મહાઆરતીમાં ભાગ લીધો હતો.

Most Popular

To Top