ભીલડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્વેતક્રાંતિની તાકાત અને બનાસકાંઠાની મહિલા પશુપાલકોના યોગદાનને બિરદાવતાં ભારત દૂધ ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ ક્રમે પહોંચ્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે દેશના ડેરી ઉદ્યોગમાં બનાસની નારીશક્તિનો મોટો ફાળો છે. બનાસકાંઠાના ભીલડી ખાતે યોજાયેલી વિશાળ જનસભામાં વડાપ્રધાને કૃષિ, પશુપાલન, ખેડૂતોની આવક, ખાતરની સબસિડી અને ગ્રામ્ય વિકાસ સહિતના મુદ્દાઓ પર વાત કરી હતી. આ સાથે તેમણે બનાસકાંઠા સાથેના પોતાના જૂના સંબંધો અને ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેના શરૂઆતના દિવસોની યાદો પણ વાગોળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવ્યા છે. પ્રવાસના પ્રથમ દિવસે બનાસકાંઠાના ભીલડી ખાતે તેમણે બનાસ ડેરી દ્વારા તૈયાર કરવામાં આવેલા અત્યાધુનિક બોવાઈન બ્રીડીંગ રિસર્ચ સેન્ટર (BBBRC) કેટલ ફાર્મનું લોકાર્પણ કર્યું હતું. 127 એકરમાં ફેલાયેલા આ કેન્દ્રના નિર્માણ પાછળ રૂ. 324.77 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. પશુઓની ઓલાદ સુધારવા, દૂધ ઉત્પાદન વધારવા અને પશુપાલન ક્ષેત્રે વૈજ્ઞાનિક સંશોધનને પ્રોત્સાહન આપવા માટે આ કેન્દ્ર મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. અહીં તેમણે અદ્યતન ET-IVF લેબની પણ મુલાકાત લીધી હતી.
ભીલડી પહોંચતાં પહેલાં ડીસા એરપોર્ટથી જાહેર સભા સ્થળ સુધી વડાપ્રધાનનો રોડ-શો યોજાયો હતો. રસ્તાની બંને બાજુ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને નારાઓ સાથે તેમનું સ્વાગત કર્યું હતું. બનાસ ડેરી સાથે જોડાયેલી હજારો મહિલા પશુપાલકો પણ સભામાં પહોંચી હતી. કેટલીક મહિલાઓ ‘મોદી ક્યાંય નહીં જાય’ એવા પોસ્ટરો સાથે જોવા મળી હતી. સ્થાનિક મહિલાઓએ વડાપ્રધાનને પોતાના હાથે તૈયાર કરેલી કોટી અને પાઘડી પહેરાવીને પરંપરાગત રીતે આવકાર્યા હતા. સભામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ વડાપ્રધાનના આગમનને બનાસકાંઠા માટે દિવાળી સમાન ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પ્રદેશમાં 24 કલાક વીજળી અને નવા વિચારોના અમલથી પશુપાલકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કરતાં કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના નેતાઓ વડાપ્રધાન અને તેમના પરિવાર વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યા છે. સત્તા મેળવવાની લાલચમાં વિપક્ષી નેતાઓ ભાષાની મર્યાદા ભૂલી રહ્યા હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનની શરૂઆત મા અંબાને વંદન કરીને કરી હતી. વિશાળ મેદાનમાં ખાટલાઓ પર બેઠેલા ખેડૂતો, પશુપાલકો અને મહિલાઓની જનમેદની જોઈને તેમણે બનાસકાંઠાની પ્રજાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે આજે બનાસકાંઠાએ આખી દુનિયામાં વટ પાડી દીધો છે. આટલી વિશાળ ખાટલા સભા વિશ્વના ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળી હશે. તેમણે વર્ષ 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ ડીસામાં યોજાયેલી પોતાની પ્રથમ મોટી જાહેર સભાની યાદ પણ તાજી કરી હતી. તે સમયે સભામાં ત્રણ લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તે રેકોર્ડનો ઉલ્લેખ કરતાં તેમણે બનાસકાંઠા સાથેના પોતાના જૂના સંબંધો યાદ કર્યા હતા. વડાપ્રધાને કહ્યું હતું કે ગુજરાતે અને ત્યારબાદ દેશે તેમને જનસેવાની તક આપી છે. લોકો તેમને ‘આપણા નરેન્દ્રભાઈ’ કહીને બોલાવે છે ત્યારે તેમને વિશેષ આત્મીયતાનો અનુભવ થાય છે. દેશવાસીઓએ આપેલા પ્રેમ અને વિશ્વાસ માટે તેમણે આભાર વ્યક્ત કર્યો હતો અને જીવનના અંતિમ શ્વાસ સુધી દેશની સેવા કરતા રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
ખેડૂતોની આર્થિક સ્થિતિ અને કૃષિ ક્ષેત્રના વિકાસ અંગે વાત કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે વર્ષ 2014ની સરખામણીએ કેન્દ્ર સરકારના કૃષિ બજેટમાં પાંચ ગણો વધારો કરવામાં આવ્યો છે. ખેડૂતોને ખાતર પર વધતા આંતરરાષ્ટ્રીય ભાવની અસરથી બચાવવા માટે સરકાર દ્વારા મોટી રકમની સબસિડી આપવામાં આવી રહી છે. તેમના જણાવ્યા મુજબ, આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે રૂ. 3,000માં મળતી ખાતરની બોરી ભારતીય ખેડૂતોને રૂ. 300માં ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જ્યારે વિશ્વમાં રૂ. 5,000ની આસપાસ વેચાતી DAP ખાતરની થેલી ખેડૂતોને રૂ. 1,300માં આપવામાં આવે છે. ખાતરના ભાવનો બોજ ખેડૂતો પર ન પડે તે માટે સરકારે અત્યાર સુધીમાં રૂ. 16 લાખ કરોડની સબસિડી ચૂકવી હોવાનું તેમણે જણાવ્યું હતું.
વૈશ્વિક સ્તરે કાચા માલ અને ખાતરના ભાવમાં વધારો થયો હોવા છતાં દેશમાં ખાતરની અછત ઊભી થવા દીધી નથી અને ખેડૂતો પર મોંઘવારીનો બોજ ન પડે તે માટે પ્રયાસો કરવામાં આવ્યા હોવાનું વડાપ્રધાને કહ્યું હતું. તેમણે લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારા, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અને ખેડૂતોના બેંક ખાતામાં સીધી સહાય જમા કરાવવાની વ્યવસ્થાનો પણ ઉલ્લેખ કર્યો હતો. દેશના આશરે 85 ટકા ખેડૂતો નાના અને સીમાંત વર્ગના છે ત્યારે તેમની આર્થિક સુરક્ષા અને આવક વધારવી જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું. આ સંદર્ભમાં તેમણે વિપક્ષની લોભામણી જાહેરાતો પર કટાક્ષ કરતાં ‘આલુમાંથી સોનું બનાવી આપવાના’ જૂના નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો.
પશુપાલન ક્ષેત્રને ગામડાંના અર્થતંત્રની કરોડરજ્જુ ગણાવતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે ભારત આજે વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ બન્યો છે. ગાય-ભેંસની ઓલાદ સુધારણા, વૈજ્ઞાનિક માવજત અને પશુઓના આરોગ્ય પર ધ્યાન આપવાથી દૂધ ઉત્પાદન વધારવામાં મદદ મળી છે. તેમના જણાવ્યા મુજબ, વર્ષ 2013-14માં ગાય-ભેંસનું સરેરાશ દૈનિક દૂધ ઉત્પાદન પાંચ લિટરથી ઓછું હતું, જે હવે વધીને આશરે આઠ લિટર થયું છે. આ પરિવર્તનમાં બનાસકાંઠાની મહિલા પશુપાલકોનો મોટો ફાળો હોવાનું તેમણે ખાસ જણાવ્યું હતું.
ભીલડીમાં શરૂ કરાયેલું BBBRC કેટલ ફાર્મ દેશી કાંકરેજ ઓલાદના સંવર્ધન અને સુધારણા માટેનું અદ્યતન કેન્દ્ર છે. અહીં પશુઓની ગુણવત્તા સુધારવા, પ્રજનન સંબંધિત સંશોધન કરવા અને દૂધ ઉત્પાદન વધારવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. વડાપ્રધાને આશા વ્યક્ત કરી હતી કે પશુઓનું આરોગ્ય અને ઉત્પાદનક્ષમતા સુધરશે તો પશુપાલકોની આવકમાં પણ વધારો થશે. તેમણે થરાદ અને રાધનપુરમાં બે બાયો-ગેસ પ્લાન્ટના શિલાન્યાસનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે પશુઓના છાણમાંથી બાયો-ગેસ તૈયાર કરીને પશુપાલકો માટે આવકનો નવો માર્ગ ઊભો કરી શકાય છે. સભામાં મહિલા પશુપાલકોના યોગદાનની પણ ખાસ ચર્ચા થઈ હતી. બનાસ ડેરી સાથે જોડાયેલી મહિલાઓ દૂધ ઉત્પાદન દ્વારા પરિવારની આવકમાં મહત્વપૂર્ણ ફાળો આપી રહી છે. કેટલીક મહિલાઓએ વાર્ષિક રૂ. 2 કરોડ સુધીનું દૂધ ડેરીમાં ભરાવતી હોવાની માહિતી પણ રજૂ કરવામાં આવી હતી. વડાપ્રધાને દૂધ ઉત્પાદનની સાથે મધમાખી પાલન અને મધ ઉત્પાદનને પણ ખેડૂતો માટે વધારાની આવકના વિકલ્પ તરીકે ગણાવ્યું હતું. છેલ્લા 12 વર્ષમાં મધ ઉત્પાદનમાં થયેલા વધારાનો ઉલ્લેખ કરીને તેમણે ખેડૂતોને મધમાખી પાલન તરફ પ્રોત્સાહિત કર્યા હતા.
બનાસકાંઠામાં અગાઉ પાણી અને વીજળીની ગંભીર સમસ્યાઓ હતી, પરંતુ નર્મદાના પાણી અને 24 કલાક થ્રી-ફેઝ વીજળીની સુવિધાથી પ્રદેશમાં મોટું પરિવર્તન આવ્યું હોવાનું વડાપ્રધાને જણાવ્યું હતું. ખેતી અને પશુપાલન માટે પાણી તથા વીજળીની ઉપલબ્ધતા કેટલી મહત્વપૂર્ણ છે તે સમજાવતાં તેમણે કહ્યું કે આ સુવિધાઓથી ગ્રામ્ય અર્થતંત્રને નવી ગતિ મળી છે. સંબોધન દરમિયાન પાછળ બેઠેલી મહિલાઓ વડાપ્રધાનનું ઓવારણું લેતી જોવા મળી હતી. આ દૃશ્ય જોઈને તેમણે હાથ જોડીને અને શીશ ઝુકાવીને સૌનો આભાર માન્યો હતો. ભીલડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિકાસપ્રકલ્પો ઉપરાંત ખેડૂતો માટેની યોજનાઓ અને રેલવે સુવિધાઓ પણ કેન્દ્રસ્થાને રહી હતી. વડાપ્રધાને દેશભરના લાભાર્થી ખેડૂતોના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જમા કરવાની શરૂઆત કરી હતી. આ ઉપરાંત બે નવી પેસેન્જર ટ્રેનોને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. ગુજરાતમાં રૂ. 14 હજાર કરોડથી વધુના વિવિધ વિકાસપ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.
પ્રવાસના બીજા તબક્કામાં વડાપ્રધાન નર્મદા જિલ્લાના એકતાનગર પહોંચશે. અહીં ભારત પર્વ પેવેલિયનની મુલાકાત અને કલ્ચર ગ્રાઉન્ડ પર ‘આનંદ મઠ’ નાટકના વિશેષ મંચનમાં હાજરી આપવાનો કાર્યક્રમ છે. ત્યારબાદ ‘એકતા પ્રકાશ પર્વ’માં સહભાગી થઈ ઐતિહાસિક નર્મદા ઘાટ પર વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે મા નર્મદાની મહાઆરતીમાં ભાગ લેશે. વડાપ્રધાનનું રાત્રિ રોકાણ પણ એકતાનગર ખાતે રહેશે. 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે. સાંજે 5:30 કલાકે યોજાનારી આ પરેડમાં વડાપ્રધાન ઉપસ્થિત રહેશે. ભીલડીની સભામાં તેમણે દેશવાસીઓને આ રાષ્ટ્રીય આયોજન સાથે જોડાવા આમંત્રણ આપ્યું હતું.