Entertainment

પ્રભાસની ‘ફૌજી’ના ટીઝર પર વિવાદ, નેતાજીના પૌત્રે પીએમ મોદીને કરી ફરિયાદ

સાઉથના સુપરસ્ટાર પ્રભાસની આગામી ફિલ્મ ‘ફૌજી’ના ટીઝરને લઈને વિવાદ ઊભો થયો છે. નેતાજી સુભાષચંદ્ર બોઝના પૌત્ર ચંદ્ર કુમાર બોઝે ફિલ્મના ટીઝરમાં ઐતિહાસિક તથ્યોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને ટીઝર તાત્કાલિક હટાવવાની અને તેમાં જરૂરી સુધારા કરવાની માગ કરી છે. આ ઉપરાંત, તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટૅગ કરીને પણ આ મામલે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે.

ચંદ્ર કુમાર બોઝે મંગળવારે મંત્રીને લખેલા પત્રની નકલ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેમાં તેમણે ફિલ્મના ટીઝરના એક દૃશ્ય સામે વાંધો ઉઠાવ્યો છે. આ દૃશ્યમાં નેતાજી સુભાષચંદ્ર બોઝને જર્મનીના તત્કાલીન સરમુખત્યાર એડોલ્ફ હિટલર સાથે વાતચીત કરતા અને પ્રભાસના કાલ્પનિક પાત્ર ‘ફૌજી’નો પરિચય કરાવતા દર્શાવવામાં આવ્યા છે. ચંદ્ર કુમાર બોઝના મતે, આ રીતે રજૂ કરાયેલા દૃશ્યમાં ઐતિહાસિક વ્યક્તિત્વની ભૂમિકા અને મહત્ત્વને યોગ્ય રીતે દર્શાવવામાં આવ્યાં નથી. તેમના સહિતના ટીકાકારોનું કહેવું છે કે કાલ્પનિક પાત્રને વધુ મહત્ત્વ આપીને નેતાજી જેવા સ્વાતંત્ર્ય સેનાનીની ભૂમિકાને નાની દર્શાવવાનો પ્રયાસ થયો છે.

આ વિવાદ વચ્ચે ચંદ્ર કુમાર બોઝે ફિલ્મના ટીઝરની મંજૂરી આપનારા સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે પૂછ્યું છે કે ઐતિહાસિક રીતે સંવેદનશીલ અને વાંધાજનક ગણાતી સામગ્રીને મંજૂરી કેવી રીતે આપવામાં આવી. તેમણે આ મામલે તપાસ કરાવવા, ટીઝર હટાવડાવવા અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.

ચંદ્ર કુમાર બોઝે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટૅગ કરીને અપીલ કરી છે કે ફિલ્મનું ટીઝર પાછું ખેંચવામાં આવે અને જરૂરી સુધારા કર્યા બાદ જ તેને ફરીથી રજૂ કરવામાં આવે. તેમણે એમ પણ જણાવ્યું કે જો નેતાજીના સન્માન અંગેની ચિંતાઓનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે, તો તેઓ અભિનેતા પ્રભાસ અને ફિલ્મની સમગ્ર ટીમને શુભેચ્છા પાઠવશે. તેમણે આશા વ્યક્ત કરી છે કે ફિલ્મના દિગ્દર્શક હનુ રાઘવપુડી આ મામલાની ગંભીરતા સમજશે અને જરૂરી પગલાં લેશે.

ફિલ્મ ‘ફૌજી’નું ‘ફાઇલ નંબર 25’ નામનું ટીઝર 23 ઑક્ટોબરે પ્રભાસના જન્મદિવસ નિમિત્તે રજૂ કરવામાં આવ્યું હતું. ટીઝરની પૃષ્ઠભૂમિ વર્ષ 1942નું બર્લિન દર્શાવવામાં આવી છે. તેમાં નેતાજી ભારતની આઝાદીની લડત માટે સમર્થન મેળવવા હિટલરને મળતા હોવાનું બતાવવામાં આવ્યું છે. આ ઐતિહાસિક પૃષ્ઠભૂમિમાં પ્રભાસના કાલ્પનિક પાત્રને રજૂ કરતું દૃશ્ય વિવાદનું મુખ્ય કારણ બન્યું છે.

‘ફૌજી’ મોટા બજેટની પિરિયડ વૉર-ઍક્શન ફિલ્મ છે. તેનું લેખન અને દિગ્દર્શન હનુ રાઘવપુડીએ કર્યું છે અને તેમાં પ્રભાસ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની વાર્તા સ્વાતંત્ર્ય સંગ્રામ અને તે સમયના સૈન્ય સંઘર્ષોની આસપાસ વણાયેલી છે. જોકે, ટીઝરને લઈને વિવાદ વધ્યા બાદ પણ ફિલ્મના નિર્માતાઓ અને દિગ્દર્શક તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. હવે આ મામલે ફિલ્મની ટીમ શું સ્પષ્ટતા કરે છે અને ટીઝરમાં કોઈ ફેરફાર કરવામાં આવે છે કે નહીં, તેના પર સૌની નજર છે.

Most Popular

To Top