દિલ્હીના રામલીલા મેદાનમાં 1 નવેમ્બરે યોજાનારી I.N.D.I.A. ગઠબંધનની મહારેલી પહેલાં કોકરોચ જનતા પાર્ટી (CJP)એ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. CJPએ વિપક્ષના વિરોધ પ્રદર્શનને સંપૂર્ણ સમર્થન આપ્યું છે, પરંતુ રેલીના રાજકીય મંચ પર સામેલ નહીં થવાનો નિર્ણય લીધો છે. સંગઠનનું કહેવું છે કે તે પોતાની સ્વતંત્ર અને નિષ્પક્ષ ઓળખ જાળવી રાખવા માગે છે.
CJPના સંસ્થાપક અને રાષ્ટ્રીય સંયોજક અભિજિત દીપકે નવી દિલ્હીમાં પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસનાં સુપ્રીમો મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ દીપકેએ જણાવ્યું હતું કે જંતર-મંતર પર NEET પેપર લીક સામે શરૂ કરાયેલા પ્રથમ આંદોલન દરમિયાન દિલ્હી પોલીસે તેમના સાથીઓની અટકાયત કરી હતી. તે સમયે મમતા બેનર્જીએ યુવાનોને સમર્થન આપ્યું હતું. આભાર વ્યક્ત કરવા માટે જ તેઓ મમતા બેનર્જીને મળવા આવ્યા હતા.
રવિવારે યોજાનારી મહારેલીમાં CJPની ભાગીદારી અંગે દીપકેએ સ્પષ્ટતા કરી હતી કે સંગઠન વિરોધ પ્રદર્શનને સંપૂર્ણ સમર્થન આપે છે, પરંતુ કોઈ રાજકીય પક્ષના મુખ્ય મંચ પર હાજર નહીં રહે. તેમના જણાવ્યા અનુસાર, CJP એક સ્વતંત્ર સંગઠન અને નિષ્પક્ષ પ્લેટફોર્મ છે. ચૂંટણી પ્રક્રિયા અને કથિત વોટ ચોરી સામેની લડાઈ કોઈ એક સંગઠન પૂરતી મર્યાદિત નથી. આ મુદ્દે અવાજ ઉઠાવતા તમામ જૂથોને CJPનું સમર્થન ચાલુ રહેશે.
મમતા બેનર્જીએ પણ CJPના યુવાનોના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે CJPએ રવિવારની રેલીને સંપૂર્ણ સમર્થન આપ્યું છે અને તેમની તરફથી પણ સંગઠનને પૂરતો સહયોગ આપવામાં આવશે. ચૂંટણી પંચ અને SIR પ્રક્રિયા સામે ચાલી રહેલા આંદોલનમાં CJPના યુવાનોની ભૂમિકાને તેમણે મહત્ત્વપૂર્ણ ગણાવી હતી. મમતા બેનર્જીએ CJPની ટીમને પશ્ચિમ બંગાળ આવીને પોતાના કાર્યક્રમો યોજવાનું આમંત્રણ પણ આપ્યું હતું.
રામલીલા મેદાનમાં યોજાનારી મહારેલીમાં વિપક્ષી પક્ષો મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામા અને કથિત વોટ ચોરી સહિતના મુદ્દાઓ ઉઠાવવાના છે. આ દરમિયાન CJPએ રાજકીય પક્ષો સાથે મંચ શેર કરવાને બદલે અલગ રહીને આંદોલનને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. NEET પેપર લીક સામેના આંદોલનથી લઈને ચૂંટણી પંચ અને SIR પ્રક્રિયા સામેના વિરોધ સુધી સક્રિય રહેલા આ સંગઠનનું વલણ તેની સ્વતંત્ર ઓળખ જાળવી રાખવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે.