સુરત શહેરનું ફાયર વિભાગ હવે ટેક્નોલોજીના નવા યુગમાં પ્રવેશ કરવા જઈ રહ્યું છે. સુરત મહાનગરપાલિકા ફાયર વિભાગને સંપૂર્ણપણે સ્માર્ટ અને ડિજિટલ બનાવવા માટે મહત્ત્વાકાંક્ષી યોજના પર કામ કરી રહી છે. આ યોજના અમલમાં આવ્યા બાદ સુરત દેશનું પ્રથમ એવું શહેર બનશે, જ્યાં ફાયર વિભાગની તમામ કામગીરી ‘સ્માર્ટ ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ’ દ્વારા સંચાલિત થશે. આ નવી વ્યવસ્થાથી આગ, અકસ્માત અથવા અન્ય કોઈ પણ પ્રકારની ઈમરજન્સી દરમિયાન મદદ પહોંચાડવાનો સમય નોંધપાત્ર રીતે ઘટશે અને બચાવ કામગીરી વધુ ઝડપી, અસરકારક તેમજ પારદર્શક બનશે.
હાલ સુરત શહેરમાં 25 ફાયર સ્ટેશન કાર્યરત છે. અત્યાર સુધી ઈમરજન્સી કોલ મળ્યા બાદ માહિતી એકત્રિત કરીને ટીમને રવાના કરવામાં આવતી હતી, પરંતુ નવી સ્માર્ટ સિસ્ટમ લાગુ થયા બાદ આ સમગ્ર પ્રક્રિયા ડિજિટલ બની જશે. કંટ્રોલ રૂમમાં કોલ આવતા જ ઘટના ક્યાં બની છે, સૌથી નજીક કયું ફાયર વાહન છે અને કયા માર્ગે સૌથી ઝડપથી પહોંચી શકાય તે તમામ માહિતી સેકન્ડોમાં ઉપલબ્ધ થઈ જશે. પરિણામે ફાયર ટીમ કોઈપણ વિલંબ વગર સીધી ઘટનાસ્થળે પહોંચી શકશે. આ નવી સિસ્ટમમાં ઓલા અને ઉબર જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. ફાયર વિભાગના તમામ વાહનોમાં GPS અને IoT આધારિત સ્માર્ટ ટ્રેકિંગ સિસ્ટમ લગાવવામાં આવશે. દરેક વાહનનું લાઇવ લોકેશન કંટ્રોલ રૂમમાં સતત દેખાતું રહેશે. જ્યારે કોઈ ઈમરજન્સી આવશે ત્યારે સિસ્ટમ આપમેળે સૌથી નજીકનું વાહન પસંદ કરશે અને તેને ઘટનાસ્થળે મોકલશે. આથી વાહનોને લાંબો રસ્તો કાપવાની જરૂર નહીં પડે અને બચાવ કામગીરી વધુ ઝડપથી શરૂ થઈ શકશે.
આ સમગ્ર કામગીરીનું સંચાલન ઇન્સિડન્ટ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર એટલે કે ICCC દ્વારા કરવામાં આવશે. અહીંથી અધિકારીઓ 24 કલાક શહેરના તમામ ફાયર સ્ટેશનો, ફાયર વાહનો અને ચાલુ ઈમરજન્સી કામગીરી પર નજર રાખી શકશે. એક જ સ્ક્રીન પર સમગ્ર શહેરની ફાયર વ્યવસ્થાની માહિતી ઉપલબ્ધ રહેશે. તેમાં લાઇવ વીડિયો, વાહનોનું લોકેશન, ઈમરજન્સી કોલ, કામગીરીની પ્રગતિ, કોલ લોગ અને અન્ય મહત્વપૂર્ણ માહિતી સતત અપડેટ થતી રહેશે. આ યોજનામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પણ મહત્વપૂર્ણ ઉપયોગ કરવામાં આવશે. ફાયર વિભાગના જવાનોના યુનિફોર્મ પર બોડી કેમેરા લગાવવામાં આવશે. જ્યારે જવાનો આગ અથવા અકસ્માતના સ્થળે કામગીરી કરશે ત્યારે તેના લાઇવ દૃશ્યો સીધા કંટ્રોલ રૂમ સુધી પહોંચશે. જેના કારણે ઉપરી અધિકારીઓ ઘટનાસ્થળની વાસ્તવિક સ્થિતિ જોઈ શકશે અને જરૂર મુજબ તરત માર્ગદર્શન આપી શકશે. જો આગ વધુ ગંભીર હોય અથવા વધારાના સાધનોની જરૂર હોય તો તેનો નિર્ણય પણ ઝડપથી લઈ શકાશે.
સુરતમાં ઝડપથી વધી રહેલી હાઇરાઇઝ ઇમારતોને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ માટે 104 મીટર ઊંચાઈ સુધી પહોંચે તેવું આધુનિક હાઇડ્રોલિક પ્લેટફોર્મ ખરીદવાની પણ યોજના છે. આ સાધનની મદદથી ઊંચી ઇમારતોમાં લાગેલી આગ પર વધુ સરળતાથી કાબૂ મેળવી શકાશે અને ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં મદદ મળશે. માત્ર ફાયર વિભાગ જ નહીં, પરંતુ શહેરના મોટા ટેક્સટાઇલ માર્કેટ, વ્યાપારી સંકુલો, મોલ, હોસ્પિટલ, હાઇરાઇઝ બિલ્ડિંગ અને મોટા રહેણાંક પ્રોજેક્ટમાં પણ નવી સ્માર્ટ એલર્ટ સિસ્ટમ લગાવવામાં આવશે. જો આવી કોઈ ઇમારતમાં આગ લાગશે તો ત્યાં લાગેલું એલાર્મ સીધું ફાયર કંટ્રોલ રૂમ સાથે જોડાયેલું રહેશે. એલાર્મ વાગતા જ ફાયર વિભાગને આપમેળે જાણ થઈ જશે અને ટીમ કોઈ ફોન કોલની રાહ જોયા વગર તરત જ સ્થળ પર પહોંચી શકશે. આથી આગ વધુ ફેલાય તે પહેલાં જ તેના પર નિયંત્રણ મેળવી શકાય તેવી શક્યતા વધશે.
આ સમગ્ર પ્રોજેક્ટ હેઠળ ફાયર ટેન્કર, વોટર ટેન્કર, રેસ્ક્યૂ વાન અને હાઇડ્રોલિક પ્લેટફોર્મ સહિત તમામ ઈમરજન્સી વાહનોમાં કેમેરા પણ લગાવવામાં આવશે. કંટ્રોલ રૂમમાંથી દરેક વાહનની હિલચાલ અને કામગીરીનું સતત નિરીક્ષણ થશે. આથી કોઈપણ વાહન ક્યાં છે, કેટલી ઝડપે આગળ વધી રહ્યું છે અને ઘટનાસ્થળે પહોંચવામાં કેટલો સમય લાગશે તેની ચોક્કસ માહિતી મળી રહેશે. ફાયર કંટ્રોલ રૂમમાં આવતા દરેક ઈમરજન્સી કોલનું પણ સંપૂર્ણ ડિજિટલ રેકોર્ડિંગ થશે. સ્પીચ-ટુ-ટેક્સ્ટ ટેક્નોલોજીની મદદથી ફોન પર થયેલી વાતચીત આપમેળે લખાણમાં ફેરવાઈ જશે. દરેક કોલનો ડિજિટલ રેકોર્ડ તૈયાર થશે, જે ભવિષ્યમાં તપાસ, તાલીમ, કામગીરીનું વિશ્લેષણ અને સેવા સુધારવામાં ઉપયોગી બનશે. આ ટેક્નોલોજીથી માહિતી ગુમાવવાની શક્યતા પણ ઘટશે.
સ્માર્ટ ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ ફાયર વિભાગને લગતી તમામ માહિતી એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે. કોલ મળ્યાથી લઈને વાહન રવાના થવા, ઘટનાસ્થળે પહોંચવા, બચાવ કામગીરી પૂર્ણ કરવા અને આખા કેસના રિપોર્ટ સુધીની તમામ પ્રક્રિયા ઓનલાઈન નોંધાશે. આથી સમગ્ર કામગીરી વધુ પારદર્શક બનશે અને કોઈપણ ઘટનાની માહિતી ભવિષ્યમાં સરળતાથી મેળવી શકાશે. સુરત મહાનગરપાલિકાનો આ પ્રોજેક્ટ માત્ર ટેક્નોલોજી ઉમેરવાનો પ્રયાસ નથી, પરંતુ નાગરિકોની સુરક્ષા વધુ મજબૂત બનાવવાનો મહત્વપૂર્ણ પગલું છે. શહેર સતત વિસ્તરી રહ્યું છે, ઊંચી ઇમારતો, ટેક્સટાઇલ માર્કેટ, ઔદ્યોગિક એકમો અને રહેણાંક વિસ્તારો ઝડપથી વધી રહ્યા છે. આવી સ્થિતિમાં આધુનિક ફાયર સિસ્ટમની જરૂરિયાત પણ વધી રહી છે. નવી વ્યવસ્થા અમલમાં આવ્યા બાદ આગ અને અન્ય દુર્ઘટનાઓ દરમિયાન બચાવ કામગીરી વધુ ઝડપી બનશે, જાનહાનિ અને મિલકતનું નુકસાન ઘટાડવામાં મદદ મળશે તેમજ ફાયર વિભાગ વધુ કાર્યક્ષમ બનશે.
હાલ આ સમગ્ર પ્રોજેક્ટની ફાઇલ પ્રક્રિયામાં છે. જરૂરી વહીવટી મંજૂરી અને ટેક્નિકલ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંદાજે આગામી એક વર્ષમાં આ સ્માર્ટ સિસ્ટમ કાર્યરત થવાની શક્યતા છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી સુરત દેશનું પ્રથમ એવું શહેર બનશે, જ્યાં ફાયર વિભાગ સંપૂર્ણપણે AI, GPS, IoT અને ડિજિટલ મેનેજમેન્ટ સિસ્ટમ સાથે કાર્ય કરશે. સુરતની આ પહેલ અન્ય શહેરો માટે પણ એક મોડેલ બની શકે છે અને દેશના ફાયર અને ઈમરજન્સી મેનેજમેન્ટ ક્ષેત્રમાં નવા ધોરણો સ્થાપિત કરી શકે છે.