SURAT

સુરતના BAPS હોસ્પિટલ નજીક અડાજણમાં EV શો-રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો બળીને ખાખ, આસપાસની દુકાનો પણ ઝપેટમાં

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં બુધવારે સવારે આગની મોટી ઘટના સામે આવી હતી. અડાજણ ચાર રસ્તા પાસે આવેલી BAPS હોસ્પિટલની નજીક એક ઇલેક્ટ્રિક વાહનોના (EV) શો-રૂમમાં અચાનક આગ લાગી હતી. થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને આસપાસની અન્ય દુકાનોને પણ પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. આગના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, ફાયર વિભાગની સમયસર કામગીરીને કારણે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને કોઈ જાનહાનિ થઈ નહોતી. પ્રાથમિક માહિતી મુજબ, આગ TVS EV શો-રૂમમાં લાગી હતી. શો-રૂમમાં રાખવામાં આવેલા ઇલેક્ટ્રિક વાહનો, બેટરી અને અન્ય સામગ્રીને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. જોતજોતામાં આગ બાજુમાં આવેલી એપોલો ફાર્મસી અને એક જાણીતી રેસ્ટોરન્ટ સુધી પહોંચી ગઈ હતી. આગની જ્વાળાઓ એટલી ઊંચી હતી કે દૂરથી પણ ધુમાડાના ગોટેગોટા સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.

આગની તીવ્રતા એટલી વધારે હતી કે દુકાનો પર બનાવવામાં આવેલા પતરાના શેડ અને લોખંડના માળખાને પણ ભારે નુકસાન થયું હતું. આગમાંથી નીકળેલી અસહ્ય ગરમીના કારણે લોખંડનું મજબૂત સ્ટ્રક્ચર પણ ઓગળવા લાગ્યું હતું અને કેટલાક ભાગોમાં નમી પડ્યું હતું. આ દૃશ્ય જોઈને આસપાસના લોકોમાં ભયનો માહોલ વધુ ગાઢ બન્યો હતો. ઘણા લોકો સુરક્ષાના ભાગરૂપે સ્થળથી દૂર ખસી ગયા હતા. શો-રૂમમાં પાર્ક કરાયેલા અનેક ઇલેક્ટ્રિક વાહનો આગની ચપેટમાં આવી ગયા હતા. પ્રાથમિક અંદાજ મુજબ 15થી વધુ વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. ઉપરાંત શો-રૂમ, ફાર્મસી અને રેસ્ટોરન્ટમાં રાખવામાં આવેલ માલસામાનને પણ ભારે નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે. આગને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત ફાયર વિભાગે તુરંત કાર્યવાહી શરૂ કરી હતી. પાલનપુર, જહાંગીરપુરા, મોરાભાગળ અને મુગલીસરા સહિત વિવિધ ફાયર સ્ટેશનમાંથી 10થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ફાયર ફાઇટરોએ આગ વધુ ન ફેલાય તે માટે ચારેય બાજુથી પાણીનો સતત મારો ચલાવ્યો હતો. આગને કાબૂમાં લેવા માટે ફાયર કર્મચારીઓને ભારે મહેનત કરવી પડી હતી. ધુમાડો અને આગની તીવ્રતા વધુ હોવાથી બચાવ કામગીરીમાં અનેક પડકારો સામે આવ્યા હતા. તેમ છતાં ફાયર વિભાગની ટીમે સંકલન સાથે કામગીરી કરીને આગને વધુ વિસ્તારોમાં ફેલાતી અટકાવી હતી. લાંબા સમયની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

આ સમગ્ર ઘટનાની માહિતી આપતા ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એસ. ડી. ધોબીએ જણાવ્યું હતું કે ફાયર વિભાગને દુકાનમાં આગ લાગી હોવાનો કોલ મળતા જ ટીમોને ઘટનાસ્થળે મોકલી દેવામાં આવી હતી. અધિકારીઓ ત્યાં પહોંચે તે પહેલાં આગ નજીકની અન્ય દુકાનોમાં પણ ફેલાઈ ગઈ હતી. જેના કારણે વધારાની ફાયર ગાડીઓ અને કર્મચારીઓને પણ સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને કુલિંગની કામગીરી ચાલી રહી છે જેથી ફરીથી આગ ભભૂકી ન ઊઠે.

મહત્વની વાત એ છે કે આગની આ ઘટના ખૂબ જ ભીડભાડવાળા વિસ્તારમાં બની હતી. ઘટનાસ્થળની નજીક BAPS હોસ્પિટલ, દુકાનો અને અન્ય વેપારી એકમો આવેલા હોવાથી મોટી દુર્ઘટનાની શક્યતા હતી. જો આગ વધુ ફેલાઈ હોત તો જાનમાલનું નુકસાન ઘણું વધારે થઈ શકતું હતું. જોકે ફાયર વિભાગની ઝડપી કામગીરી અને સ્થાનિક લોકોની સતર્કતાના કારણે મોટી જાનહાનિ ટળી હતી. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. ફાયર વિભાગ અને સંબંધિત એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ આગ લાગવાનું સાચું કારણ સામે આવશે. જોકે આ ઘટનાએ ફરી એક વખત આગ સલામતી અને ઇલેક્ટ્રિક વાહનોના શો-રૂમમાં જરૂરી સુરક્ષા વ્યવસ્થાના મુદ્દાને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે.

Most Popular

To Top