અમેરિકાની સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ અમેરિકી સરકારે ટ્રમ્પ પ્રશાસન દરમિયાન વસૂલાયેલા ટેરિફમાંથી અંદાજે $100 અબજની રકમ પરત કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે. અમેરિકી કસ્ટમ્સ અધિકારીઓએ કોર્ટમાં કરેલી રજૂઆત મુજબ, આ રિફંડ સરકારી કસ્ટમ્સ રિફંડ સિસ્ટમ મારફતે પ્રક્રિયા કરીને ટ્રેઝરી વિભાગને ચૂકવણી માટે મોકલવામાં આવ્યા હતા. જુલાઈના અંત સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ થઈ હોવાનું જણાવાયું છે. આ રિફંડ તે $166 અબજના ટેરિફમાંથી 60 ટકાથી વધુ છે, જેને અમેરિકાની સુપ્રીમ કોર્ટે આ વર્ષે અમાન્ય જાહેર કર્યા હતા.
સુપ્રીમ કોર્ટે કેમ આપ્યો નિર્ણય?
અમેરિકાની સુપ્રીમ કોર્ટે 20 ફેબ્રુઆરીના રોજ આપેલા 6-3ના બહુમતી ચુકાદામાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય ઇમરજન્સી આર્થિક સત્તા કાયદા (IEEPA) હેઠળ પોતાના અધિકારોની મર્યાદા વટાવી હતી.
કોર્ટના જણાવ્યા અનુસાર, 1977માં બનાવાયેલો IEEEPA કાયદો રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત ઇમરજન્સી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે બનાવવામાં આવ્યો હતો, પરંતુ તે રાષ્ટ્રપતિને એકતરફી રીતે વ્યાપક આયાત શુલ્ક લાદવાનો અધિકાર આપતો નથી.
ટ્રમ્પની વેપાર નીતિને લાગ્યો ઝટકો
ટેરિફ ટ્રમ્પ પ્રશાસનની આર્થિક અને વિદેશ નીતિનો મહત્વપૂર્ણ ભાગ રહ્યા હતા. જોકે અર્થશાસ્ત્રીઓ અને વેપાર નિષ્ણાતો લાંબા સમયથી આ નીતિની ટીકા કરતા આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ટ્રમ્પે ખુલ્લેઆમ ચુકાદાની ટીકા કરી હતી અને સંબંધિત ન્યાયાધીશો સામે પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો.
ત્યારબાદ તેમના પ્રશાસને અન્ય કાનૂની જોગવાઈઓ હેઠળ તાત્કાલિક 10 ટકા ટેરિફ લાગુ કર્યા હતા. બાદમાં 1974ના ટ્રેડ એક્ટની કલમ 301 હેઠળ પણ કેટલાક વધારાના ટેરિફ લાગુ કરવામાં આવ્યા હતા, જેનો ઉપયોગ સામાન્ય રીતે વિદેશી દેશોની અયોગ્ય વેપાર પ્રથાઓ સામે કરવામાં આવે છે.
રિફંડને લઈને રાજકીય ચર્ચા તેજ
ટેરિફની રકમ પરત કરવાની પ્રક્રિયાએ અમેરિકામાં નવો રાજકીય વિવાદ પણ ઉભો કર્યો છે. વિવેચકોનું કહેવું છે કે આ રિફંડનો સૌથી વધુ લાભ મોટી આયાતકાર કંપનીઓને મળી રહ્યો છે, જ્યારે ટેરિફના કારણે વધેલા ભાવનો ભાર સામાન્ય ગ્રાહકોએ સહન કર્યો હતો. ડેમોક્રેટિક સાંસદ ગ્રેગ કાસારે પણ સવાલ ઉઠાવ્યો છે કે પરત કરવામાં આવતી રકમનો લાભ સામાન્ય અમેરિકન નાગરિકોને મળવો જોઈએ, માત્ર મોટી કંપનીઓને નહીં.
હજુ પણ ચાલુ રહેશે રિફંડ પ્રક્રિયા
અમેરિકી સરકારના કોર્ટમાં દાખલ કરાયેલા દસ્તાવેજ મુજબ આગામી મહિનાઓમાં વધુ રિફંડ પણ આપવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયાએ સુપ્રીમ કોર્ટના ચુકાદાની આર્થિક અસર સ્પષ્ટ કરી છે. સાથે જ અમેરિકાની વેપાર નીતિ, રાષ્ટ્રપતિના અધિકારો અને ટેરિફ સંબંધિત કાયદાકીય સીમાઓ અંગે નવી ચર્ચા શરૂ થઈ છે. વેપાર નીતિ, કાયદો અને રાજકારણ વચ્ચેના આ મહત્વપૂર્ણ મામલે આગામી સમયમાં પણ ચર્ચા યથાવત રહે તેવી શક્યતા છે.