SURAT

સ્વતંત્રતા દિવસે સુરતના તિરંગાની દેશભરમાં માંગ, લાખો-કરોડોના ઓર્ડરથી ઉદ્યોગમાં તેજી

15મી ઓગસ્ટના સ્વતંત્રતા દિવસને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દેશના સૌથી મોટા ટેક્સટાઇલ હબ સુરતમાં તિરંગાના ઉત્પાદનને જોર મળ્યું છે. સ્થાનિક બજાર ઉપરાંત દેશના અનેક રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ઓર્ડર મળતા તિરંગા બનાવતી યુનિટોમાં દિવસ-રાત કામગીરી ચાલી રહી છે. વેપારીઓના અંદાજ મુજબ આ વર્ષે માત્ર સ્વતંત્રતા દિવસને લઈને સુરતમાં 100થી 150 કરોડ રૂપિયાનો વેપાર થવાની સંભાવના છે. સુરતનું ટેક્સટાઇલ ઉદ્યોગ દેશ-વિદેશમાં તેની ગુણવત્તા માટે જાણીતું છે. હવે એ જ ગુણવત્તાના કારણે સુરતમાં તૈયાર થતા તિરંગાની માંગ પણ સતત વધી રહી છે. અહીંથી તૈયાર થતા રાષ્ટ્રધ્વજ દેશના વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવી રહ્યા છે. તેના કારણે સ્થાનિક ઉદ્યોગને સારો વેપાર મળી રહ્યો છે, સાથે જ હજારો લોકોને રોજગારી પણ મળી રહી છે.

તિરંગા ઉત્પાદક પ્રવીણભાઈ ગુપ્તાના જણાવ્યા મુજબ, આ વર્ષે માંગ એટલી વધી ગઈ છે કે કેટલાક ગ્રાહકોને ઓર્ડર લેવા માટે ના પાડવી પડી રહી છે. પશ્ચિમ બંગાળના કોલકાતાથી પ્રથમ વખત અંદાજે 16 લાખ તિરંગાનો ઓર્ડર મળ્યો છે. જોકે ઉત્પાદન ક્ષમતા મર્યાદિત હોવાથી તમામ માંગ પૂરી કરવી મુશ્કેલ બની રહી છે. તેમણે જણાવ્યું કે છત્તીસગઢમાંથી એક કરોડ તિરંગાની માંગ સામે પણ સંપૂર્ણ સપ્લાય આપી શકાયો નથી. આ ઉપરાંત આંધ્ર પ્રદેશ, હૈદરાબાદ, દિલ્હી, ઉત્તરાખંડ અને ગુજરાત સહિત અનેક રાજ્યોમાંથી પણ મોટા પ્રમાણમાં ઓર્ડર મળી રહ્યા છે.

ફોસ્ટાના ડિરેક્ટર અરવિંદભાઈ લાઠીયાના જણાવ્યા મુજબ, આ વર્ષે સુરતને અંદાજે 3 કરોડ તિરંગાના ઓર્ડર મળ્યા છે. જેના કારણે 100 કરોડ રૂપિયાથી વધુનો વેપાર થવાની શક્યતા છે. તેમણે જણાવ્યું કે સુરતમાં લગભગ 25થી 30 એવા મુખ્ય ઉત્પાદકો કાર્યરત છે, જે ખાસ કરીને રાષ્ટ્રધ્વજના ઉત્પાદન માટે જાણીતા છે. અન્ય રાજ્યોમાં પણ તિરંગા બનાવવામાં આવે છે, પરંતુ સુરતના કપડાની ગુણવત્તા સારી હોવાથી લોકો અહીંથી જ ખરીદી કરવાનું પસંદ કરે છે.

વેપારીઓના જણાવ્યા મુજબ, તિરંગાની માંગમાં બે ચોક્કસ સાઇઝ સૌથી વધુ લોકપ્રિય બની છે. કુલ ઓર્ડરમાંથી લગભગ 80 ટકા માંગ 20×30 ઇંચના તિરંગાની છે, જ્યારે બીજા ક્રમે 6×9 ઇંચની નાની સાઇઝના તિરંગાની માંગ જોવા મળી રહી છે. મોટી સાઇઝના તિરંગાના ઓર્ડર તેની સરખામણીએ ખૂબ ઓછા છે. આગામી એક સપ્તાહમાં સ્વતંત્રતા દિવસ નજીક આવતા ઓર્ડરમાં વધુ વધારો થવાની પણ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

તિરંગાના વધતા ઉત્પાદનથી રોજગારીની નવી તકો પણ ઊભી થઈ છે. ખાસ કરીને તાજેતરમાં સુરતના ડિંડોલી અને પાંડેસરા જેવા વિસ્તારોમાં પૂરથી અસરગ્રસ્ત પરિવારો માટે આ કામ આવકનું મહત્વપૂર્ણ સાધન બન્યું છે. પાંડેસરાના ગણેશનગરમાં રહેતી સુશીલાબહેને જણાવ્યું કે તેમના વિસ્તારમાં કમર સુધી પાણી ભરાતા ઘણું નુકસાન થયું હતું. હવે તેઓ તિરંગા બનાવવાનું, કટિંગ અને પેકિંગનું કામ કરીને આવક મેળવી રહ્યા છે. તેમના જેવી અનેક મહિલાઓ હાલ તિરંગાના ઉત્પાદન સાથે જોડાઈને પોતાના પરિવારને આર્થિક રીતે સહારો આપી રહી છે. સ્વતંત્રતા દિવસ નજીક આવતા સુરતમાં તિરંગાના ઉત્પાદનનો ધમધમાટ વધુ તેજ બન્યો છે. દેશભરમાંથી વધી રહેલા ઓર્ડર અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનના કારણે સુરત ફરી એકવાર રાષ્ટ્રધ્વજના સૌથી મોટા ઉત્પાદન કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે.

Most Popular

To Top