Vadodara

વડોદરામાં હિટ એન્ડ રનની ભયાનક ઘટના, NH-48 પર કાર ચાલકે એક્ટિવા સવાર બે મિત્રોને 300 ફૂટ સુધી ફંગોળ્યા

સુંદરપુરા GEB સબ સ્ટેશન પાસે મોડી રાત્રે સર્જાયો અકસ્માત, અંકલેશ્વરથી આવેલા યુવકની હાલત નાજુક

અકસ્માત સર્જી ભાગેલી કારનું ટાયર ફાટતાં ચાલક ‘નોવીનો’ કંપની પાસે ગાડી સંતાડી પલાયન, સમગ્ર ઘટનાના કાળજું કંપાવતા CCTV ફૂટેજ આવ્યા સામે

(પ્રતિનિધિ), વડોદરા. તા.17

વડોદરા :- શહેરમાં બેફામ સ્પીડે વાહનો હંકારતા નશાખોરો કે બેદરકાર ચાલકો નિર્દોષ નાગરિકો માટે કાળ બની રહ્યા છે. વડોદરાના નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા સુંદરપુરા GEB સબ સ્ટેશન પાસે શનિવારે મોડી રાત્રે કાળજું કંપાવી મૂકે તેવી એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. કરજણ તરફથી પૂરપાટ ઝડપે ધસી આવેલી એક ફોર વ્હીલર કારના ચાલકે રોડ ક્રોસ કરી રહેલા એક્ટિવા સવાર બે યુવાનોને એવી ભયાનક ટક્કર મારી કે બંને યુવકો હવામાં 300 થી 400 ફૂટ દૂર સુધી ફંગોળાયા હતા. આ ગમખ્વાર અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક માનવતા નેવે મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ, ગત મોડી રાત્રે આશરે પોણા બે વાગ્યાની આસપાસ આ અકસ્માત સર્જાયો હતો. મકરપુરા ડેપો પાછળ રહેતો અને DJ ઓપરેટર તરીકે કામ કરતો મિતેશ ઉર્ફે કાંચો અને તેની ઘરે અંકલેશ્વરથી મહેમાન તરીકે આવેલો તેનો મિત્ર કિશન, બંને જણા એક્ટિવા ટુ-વ્હીલર પર સવાર થઈને સુંદરપુરા GEB સબ સ્ટેશન પાસેથી હાઇવે ક્રોસ કરી રહ્યા હતા. બરાબર આ જ સમયે કરજણ તરફથી યમદૂતની જેમ ધસી આવેલી પૂરપાટ ઝડપની ફોર વ્હીલરે એક્ટિવાને કચડી નાખ્યું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે હાઇવે પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા.

નસીબજોગ, અકસ્માતનો ભોગ બનેલા બંને યુવાનોના અન્ય મિત્રો પણ અલગ વાહન પર પાછળથી આવી રહ્યા હતા. પોતાની નજર સામે જ મિત્રોનો કાળમુખો અકસ્માત થતાં તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. જોકે, સમય સૂચકતા વાપરીને તેમણે તાત્કાલિક ઈમરજન્સી સેવા 108 નો સંપર્ક કર્યો હતો. 108 ની ટીમ પણ મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ગંભીર રીતે લોહીલુહાણ થયેલા મિતેશ અને કિશનને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. હાલમાં અંકલેશ્વરના રહીશ કિશનની હાલત નાજુક હોવાનું તબીબો જણાવી રહ્યા છે અને તે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતો હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માત સર્જીને ભાગી છૂટેલા નિર્દયી કાર ચાલકે પકડાઈ જવાના ડરથી સ્પીડ વધારી દીધી હતી. જોકે, અકસ્માતની તીવ્રતાના કારણે GJ 06 RC 0792 નંબરની આ ફોર વ્હીલર ગાડીનું ટાયર રસ્તામાં જ ફાટી ગયું હતું. ટાયર ફાટી જવા છતાં શખ્સે ગાડી રોકી નહોતી અને આગળ જઈ ‘નોવીનો’ કંપની પાસે અંધારામાં ગાડી સંતાડી દીધી હતી અને પોતે ત્યાંથી પલાયન થઈ ગયો હતો.

આ સમગ્ર ભયાનક અકસ્માતની ઘટના હાઇવે પર લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કાર ચાલક કેટલી હદ સુધી કાયદાના ભય વિના ઓવરસ્પીડમાં ગાડી ચલાવી રહ્યો હતો. કઈ રીતે તેણે એક્ટિવાને હવામાં ફંગોળ્યું અને ત્યારબાદ સહેજ પણ ઊભા રહ્યા વિના તે ત્યાંથી નાસી છૂટ્યો, તે જોઈને કોઈપણ વ્યક્તિ ધ્રૂજી ઊઠે.

પોલીસે હાલ CCTV ફૂટેજ અને ગાડીના નંબરના આધારે ગુનો નોંધીને ફરાર કાર ચાલકને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. લોકોમાં આ ઘટનાને પગલે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને કાર ચાલકને કડકમાં કડક સજા થાય તેવી માંગ ઉઠી છે.

Most Popular

To Top