IMDએ આગામી 2 દિવસ માટે યેલો અલર્ટ જાહેર કર્યું
રાજધાની દિલ્હીમાં હીટવેવની ગંભીર સ્થિતિ સર્જાઈ શકે; લોકો માટે બપોરે બહાર ન નીકળવાની સલાહ
દેશની રાજધાની દિલ્હી અને આસપાસના NCR વિસ્તારમાં આગામી કેટલાક દિવસોમાં ભારે ગરમીનો સામનો કરવો પડી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગાહી કરી છે કે દિલ્હી-NCRમાં તાપમાન 42 થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને IMDએ આગામી બે દિવસ માટે યેલો અલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગ મુજબ 19 અને 20 મે દરમિયાન દિલ્હીમાં હીટવેવ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ગરમ અને સૂકા પવનના કારણે લોકોને ભારે તકલીફ પડી શકે છે. ખાસ કરીને બપોરના સમયે બહાર નીકળતા લોકો માટે જોખમ વધવાની શક્યતા છે. IMDએ લોકોને બિનજરૂરી બહાર જવાનું ટાળવા, પૂરતું પાણી પીવા અને સીધી ધુપથી બચવા સલાહ આપી છે. મોસમ વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં તાપમાન 43 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે અને આગામી દિવસોમાં તે 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આ દરમિયાન રાત્રિના તાપમાનમાં પણ ખાસ ઘટાડો નહીં જોવા મળે, જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળવી મુશ્કેલ બનશે.
IMDના નિયમો મુજબ મેદાની વિસ્તારોમાં જ્યારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહે અને સામાન્ય તાપમાન કરતાં ઘણું વધારે હોય ત્યારે તેને હીટવેવ જાહેર કરવામાં આવે છે. જ્યારે તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચે અથવા સામાન્ય કરતાં 6.4 ડિગ્રીથી વધુ વધે ત્યારે તેને ગંભીર હીટવેવ માનવામાં આવે છે. હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે ઉત્તર અને મધ્ય ભારતના અનેક રાજ્યોમાં હાલ ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. દિલ્હી ઉપરાંત હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં પણ હીટવેવ જેવી સ્થિતિ જોવા મળી શકે છે. IMDના હીટ બુલેટિન અનુસાર આગામી કેટલાક દિવસો સુધી ઉત્તર ભારતમાં તાપમાનમાં ખાસ ઘટાડાની શક્યતા ઓછી છે.
દિલ્હીમાં રવિવારે આંશિક વાદળછાયું વાતાવરણ અને કેટલાક વિસ્તારોમાં તેજ પવન અથવા ગાજવીજની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. જોકે હવામાનમાં થોડી હલચલ છતાં ગરમીમાં ખાસ રાહત મળવાની શક્યતા નથી. પવનની ગતિ 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે અને કેટલાક વિસ્તારોમાં તે 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ જઈ શકે છે. જયારે આકરા તાપમાનને કારણે આરોગ્ય સંબંધિત જોખમ પણ વધી શકે છે. આ સાથે જ હાલ ડોક્ટરોના જણાવ્યા અનુસાર હીટસ્ટ્રોક, ડિહાઇડ્રેશન અને થાક જેવી સમસ્યાઓ વધી શકે છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ અને લાંબા સમય સુધી બહાર કામ કરતા લોકો માટે વધારે સાવચેતી રાખવાની જરૂર છે.
સરકાર અને હવામાન વિભાગ દ્વારા લોકોને સતત સાવચેત રહેવા અપીલ કરવામાં આવી રહી છે. નિષ્ણાતોએ સલાહ આપી છે કે બપોરે 12થી 4 દરમિયાન બહાર જવાનું ટાળવું, હળવા રંગના કપડાં પહેરવા, વધુમાં વધુ પાણી પીવું અને શરીરને હાઇડ્રેટ રાખવું જરૂરી છે. દિલ્હી-NCRમાં વધતી ગરમીને કારણે સામાન્ય જનજીવન પર પણ અસર જોવા મળી રહી છે. રસ્તાઓ પર બપોર દરમિયાન લોકોની અવરજવર ઘટી ગઈ છે, જ્યારે વીજળીની માંગમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. જો આગામી દિવસોમાં તાપમાન વધુ વધશે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.