શનિવારે રાત્રે યુક્રેને 1,000 થી વધુ ડ્રોનનો ઉપયોગ કરીને રશિયાના અનેક પ્રદેશો પર હુમલો કર્યો. અહેવાલો અનુસાર હુમલામાં ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા. આમાં એક ભારતીય નાગરિકનો પણ સમાવેશ થાય છે.
રશિયામાં ભારતીય દૂતાવાસે આ માહિતીની પુષ્ટિ કરી છે. દૂતાવાસે જણાવ્યા અનુસાર અન્ય ત્રણ ભારતીય નાગરિકો પણ ઘાયલ થયા છે. અધિકારીઓએ હુમલાના સ્થળની મુલાકાત લીધી હતી અને હાલમાં હોસ્પિટલમાં દાખલ ઘાયલ વ્યક્તિઓ સાથે મુલાકાત કરી હતી. મૃતકો અને ઘાયલોની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
રશિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે ડ્રોન હુમલા દરમિયાન મોસ્કોમાં ત્રણ લોકો માર્યા ગયા હતા જ્યારે યુક્રેનની સરહદે આવેલા બેલ્ગોરોડ ક્ષેત્રમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. મોસ્કોમાં કુલ 12 લોકો ઘાયલ થયા હતા તેમાં તેલ રિફાઇનરીમાં કાર્યરત કામદારો પણ હતા.
ધ કિવ ઇન્ડિપેન્ડન્ટ ના અહેવાલ મુજબ યુક્રેને મોસ્કો ક્ષેત્રમાં મુખ્ય લશ્કરી અને ઇંધણ સંબંધિત સ્થાપનોને નિશાન બનાવ્યા હતા. આ લક્ષ્યોમાં એંગસ્ટ્રેમ પ્લાન્ટનો સમાવેશ થાય છે જે રશિયન સૈન્ય માટે સેમિકન્ડક્ટર બનાવે છે. વધુમાં મોસ્કો ઓઇલ રિફાઇનરી તેમજ સોલનેક્નોગોર્સ્ક અને વોલોડાર્સ્કોયેમાં ઇંધણ ડેપોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
યુક્રેને ક્રિમીઆ પર પણ હુમલો કર્યો
યુક્રેનએ કબજા હેઠળના ક્રિમીઆમાં પણ હુમલા કર્યા હોવાનો દાવો કર્યો હતો. ત્યાંના બેલ્બેક એરફિલ્ડ પર લક્ષ્યોમાં હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ, એક S-400 રડાર સિસ્ટમ હેંગર, ડ્રોન કંટ્રોલ સિસ્ટમ્સ, ડેટા ટ્રાન્સમિશન સેન્ટર અને એક એર ટ્રાફિક કંટ્રોલ ટાવરનો સમાવેશ થાય છે.
રશિયન અધિકારીઓના જણાવ્યા અનુસાર આ હુમલો તાજેતરના મહિનાઓમાં મોસ્કો પરના સૌથી મોટા યુક્રેનિયન ડ્રોન હુમલાઓમાંનો એક હતો. આખી રાત રાજધાની અને આસપાસના વિસ્તારોમાં હવાઈ હુમલાના સાયરન વાગતા રહ્યા. અનેક વિસ્ફોટો સાંભળવામાં આવ્યા અને વિવિધ સ્થળોએ કાટમાળ પડ્યો.
રશિયન ટેલિગ્રામ ચેનલ અનુસાર હુમલા દરમિયાન ઝેલેનોગ્રાડમાં એલ્મા ટેક્નોપાર્ક પણ આગમાં લપેટાઈ ગયો હતો. માઇક્રોઇલેક્ટ્રોનિક્સ, રોબોટિક્સ અને સંશોધનમાં સામેલ કંપનીઓ અહીં કાર્યરત છે. દરમિયાન એવા અહેવાલો છે કે ડુબના વિસ્તારમાં રાદુગા ડિઝાઇન બ્યુરો જ્યાં ક્રુઝ મિસાઇલો બનાવવામાં આવે છે તેને પણ નિશાન બનાવવામાં આવ્યો હતો.
ડ્રોન હુમલાઓએ મોસ્કોના એરપોર્ટને પણ અસર કરી. શેરેમેટ્યેવો એરપોર્ટ પર આશરે 200 ફ્લાઇટ્સ મોડી પડી હતી અથવા રદ કરવામાં આવી હતી, જ્યારે વનુકોવો એરપોર્ટ પર લગભગ 100 ફ્લાઇટ્સને અસર થઈ હતી. ડ્રોનનો કાટમાળ પણ એરપોર્ટ પરિસરમાં પડ્યો હતો જોકે કોઈ મોટા નુકસાનના કોઈ અહેવાલ નથી.