: સૂર્યા અને ત્રિશા કૃષ્ણનની ફિલ્મે માત્ર 3 દિવસમાં જ વિશ્વભરમાં ₹120.75 કરોડની કમાણી કરી
આરજે બાલાજીના દિગ્દર્શનમાં બનેલી એક્શન-ડ્રામા ફિલ્મને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ, વીકએન્ડમાં કમાણીમાં મોટો ઉછાળો : સાઉથ સુપરસ્ટાર Suriya અને અભિનેત્રી Trisha Krishnan અભિનીત ફિલ્મ ‘કરુપ્પુ’ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. આરજે બાલાજીના દિગ્દર્શનમાં બનેલી આ માથોલોજિકલ એક્શન-ડ્રામા ફિલ્મે રિલીઝના માત્ર ત્રણ દિવસમાં જ વિશ્વભરમાં ₹120.75 કરોડની કમાણી કરીને મોટો રેકોર્ડ બનાવ્યો છે. ફિલ્મને ખાસ કરીને તમિલનાડુ સહિત ઓવરસીઝ માર્કેટમાં પણ જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.
ફિલ્મની શરૂઆત જોરદાર રહી હતી, પરંતુ બીજા અને ત્રીજા દિવસે કમાણીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. ટ્રેડ રિપોર્ટ અનુસાર ફિલ્મે પ્રથમ દિવસે ભારતમાં લગભગ ₹15.50 કરોડ નેટ કલેક્શન કર્યું હતું. ત્યારબાદ બીજા દિવસે આ આંકડો વધીને ₹24.15 કરોડ સુધી પહોંચી ગયો હતો. જ્યારે ત્રીજા દિવસે ફિલ્મે વધુ તેજી સાથે ₹28.35 કરોડનું નેટ કલેક્શન નોંધાવ્યું હતું. ત્રણ દિવસના કુલ આંકડાઓ મુજબ ફિલ્મે ભારતમાં ₹68 કરોડનું નેટ કલેક્શન કર્યું છે, જ્યારે ઇન્ડિયા ગ્રોસ આશરે ₹78.75 કરોડ સુધી પહોંચ્યો છે. ઓવરસીઝ માર્કેટમાં પણ ફિલ્મે મજબૂત કમાણી કરી છે અને ત્યાંથી આશરે ₹42 કરોડનો ગ્રોસ બિઝનેસ થયો છે. આ રીતે ફિલ્મનું કુલ વર્લ્ડવાઇડ ગ્રોસ કલેક્શન ₹120.75 કરોડ સુધી પહોંચી ગયું છે.
ફિલ્મમાં સૂર્યાનો પાવરફુલ અવતાર અને ત્રિશા કૃષ્ણનની સ્ક્રીન પ્રેઝન્સને દર્શકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ખાસ કરીને ફિલ્મની એક્શન સિક્વન્સ, બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને વિઝ્યુઅલ્સને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે. દર્શકો ફિલ્મને સૂર્યાનો મજબૂત કમબેક ગણાવી રહ્યા છે. રિપોર્ટ મુજબ ફિલ્મની તમિલ વર્ઝને સૌથી વધુ કમાણી કરી છે. ત્રીજા દિવસે તમિલ વર્ઝનની ઓક્યુપન્સી 70 ટકા કરતાં વધુ નોંધાઈ હતી. ચેન્નઈ, કોયમ્બતૂર અને મદુરાઈ જેવા શહેરોમાં ફિલ્મને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. સાંજ અને નાઇટ શોમાં ઘણી જગ્યાએ હાઉસફુલ જેવી સ્થિતિ જોવા મળી હતી.
ફિલ્મના દિગ્દર્શક RJ Balaji માટે પણ આ ફિલ્મ મોટી સફળતા સાબિત થઈ રહી છે. રિલીઝ પહેલાં કેટલીક આર્થિક અને ટેક્નિકલ મુશ્કેલીઓ હોવા છતાં ફિલ્મે થિયેટરોમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. પોઝિટિવ વર્ડ ઓફ માઉથને કારણે ફિલ્મના કલેક્શનમાં સતત વધારો થઈ રહ્યો છે. ટ્રેડ એનાલિસ્ટ્સનું માનવું છે કે જો આવનારા દિવસોમાં પણ ફિલ્મ આ જ ગતિ જાળવી રાખશે તો ખૂબ જલ્દી ₹200 કરોડના ક્લબમાં પણ સામેલ થઈ શકે છે. ખાસ કરીને વીક ડેઝ દરમિયાન ફિલ્મનું પ્રદર્શન કેવું રહે છે તેના પર હવે બધાની નજર રહેશે.
‘કરુપ્પુ’ હાલમાં માત્ર તમિલ સિનેમામાં જ નહીં પરંતુ સમગ્ર ભારતીય બોક્સ ઓફિસમાં ચર્ચાનો વિષય બની ગઈ છે અને સૂર્યાના ચાહકો માટે આ ફિલ્મ મોટી ઉજવણી સમાન સાબિત થઈ રહી છે.