બિલ્ડરની મનમાની પર રેરાની લગામ, ગ્રાહકને ₹40 લાખ 9% વ્યાજ સાથે પરત કરવાનો આદેશ


વડોદરા: રિયલ એસ્ટેટ ક્ષેત્રે ગ્રાહકોના હિતોનું રક્ષણ કરતી ગુજરાત રાજ્ય રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ગુજરેરા) દ્વારા એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. સેવાસી વિસ્તારમાં આવેલા ‘પ્રિયા ક્રોસ રોડેસ’ પ્રોજેક્ટના બિલ્ડરે સમયસર ફ્લેટનો કબજો ન આપતા રેરાએ ગ્રાહકના પક્ષમાં નિર્ણય આપ્યો છે. રેરા ઓથોરિટીના સભ્ય ડો. એમ.ડી. મોડિયાની કોરમ સમક્ષ ચાલેલી સુનાવણીમાં પ્રોજેક્ટના પ્રમોટર મેસર્સ શિરીન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ગ્રાહકને ₹40 લાખની સંપૂર્ણ રકમ વાર્ષિક 9 ટકા વ્યાજ સાથે પરત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
કેસ મુજબ ફરિયાદી રેશમા કનૈયાલાલ અશનાનીએ સેવાસી ગામના ટી.પી. સ્કીમ નંબર-3 ખાતે આવેલી ‘પ્રિયા ક્રોસ રોડેસ’ સ્કીમમાં ફ્લેટ નંબર B-604 ₹40 લાખમાં બુક કરાવ્યો હતો. તા. 27 સપ્ટેમ્બર 2024ના રોજ રજીસ્ટર્ડ વેચાણ કરાર કરવામાં આવ્યો હતો. ફરિયાદીએ ₹5 લાખ ચેક મારફતે અને બાકીના ₹35 લાખ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની હાઉસિંગ લોનથી ચૂકવ્યા હતા.
કરાર મુજબ બિલ્ડરે 31 ડિસેમ્બર 2024 સુધીમાં ફ્લેટનો કબજો આપવાનો હતો, પરંતુ બિલ્ડર સમયસર BU પરમિશન મેળવી શક્યા નહોતા. અંતે વડોદરા મહાનગરપાલિકાએ 11 ડિસેમ્બર 2025ના રોજ BU પરમિશન આપ્યું હતું. લાંબા વિલંબ અને બાંધકામની ગુણવત્તાના પ્રશ્નોને કારણે ગ્રાહકે રેરા એક્ટની કલમ 18(1) હેઠળ રિફંડ માટે અરજી કરી હતી.
બિલ્ડર તરફથી દલીલ કરવામાં આવી હતી કે ગ્રાહકે બુકિંગ રદ કરાવતાં ₹5 લાખ ડિપોઝિટ જપ્ત કરવાનો અધિકાર છે તેમજ GST, મેન્ટેનન્સ અને સ્ટેમ્પ ડ્યુટીના ચાર્જીસ ચૂકવ્યા નથી. જોકે રેરાએ આ દલીલો ફગાવી દીધી હતી અને સ્પષ્ટ કહ્યું હતું કે સમયસર કબજો ન આપવાની ભૂલ બિલ્ડરની હોવાથી કોઈ કપાત કે જપ્તી કરી શકાય નહીં.
આ કેસમાં બેંક લોન જોડાયેલી હોવાથી રેરાએ વિશેષ આદેશ આપ્યો છે કે બિલ્ડરે 45 દિવસમાં ₹40 લાખ અને તેના પરનું 9 ટકા વ્યાજ સીધું ફરિયાદીના SBI હાઉસિંગ લોન ખાતામાં જમા કરાવવું પડશે. બેંકને પણ સૂચના આપવામાં આવી છે કે લોનની બાકી રકમ સમાયોજિત કર્યા બાદ વધતી રકમ ફરિયાદીને પરત કરવી.
આ સાથે બંને પક્ષો વચ્ચેનો વેચાણ કરાર રદ જાહેર કરવામાં આવ્યો છે. ચુકાદાથી અસંતુષ્ટ પક્ષ આગામી 60 દિવસમાં ગુજરાત રિયલ એસ્ટેટ એપેલેટ ટ્રિબ્યુનલમાં અપીલ કરી શકશે.
બિલ્ડરો માટે ચેતવણીરૂપ ચુકાદો
ગુજરેરાના આ નિર્ણયથી સ્પષ્ટ થયું છે કે ગ્રાહકો પાસેથી રૂપિયા લઈને સમયસર કબજો ન આપનાર બિલ્ડરો હવે કરારની શરતોના બહાને ડિપોઝિટ જપ્ત કરી શકશે નહીં. રેરાના આ કડક વલણથી ઘર ખરીદદારોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.