India

પેટ્રોલ-ડીઝલ ફરી મોંઘું! શું આ વખતે પણ ચાલશે ,90 પૈસાવાળો ફોર્મ્યુલા?

2022 જેમ ફરી ધીમે-ધીમે વધી શકે છે કિંમતો, ચાર વર્ષ બાદ શરૂ થયેલો ભાવવધારો હવે અટકશે કે હજુ પડશે વધુ ઝટકા?

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો થતાં સામાન્ય લોકોની ચિંતામાં વધારો થયો છે. છેલ્લા એક અઠવાડિયામાં બીજી વખત ઈંધણના ભાવ વધારવામાં આવ્યા છે અને આ વખતે પ્રતિ લિટર આશરે 90 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. તે પહેલાં 15 મેના રોજ તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રૂ.3 પ્રતિ લિટરનો મોટો વધારો કર્યો હતો. આ સતત વધારાને લઈને હવે ફરી એ જ સવાલ ઉઠી રહ્યો છે કે શું 2022ની જેમ આ વખતે પણ “80-90 પૈસા ફોર્મ્યુલા” લાગુ થશે? એટલે કે એકસાથે મોટો ઝટકો આપવાના બદલે દર થોડા દિવસે થોડો-થોડો વધારો કરવામાં આવશે?

2022માં 15 દિવસમાં 13 વખત વધ્યા હતા ભાવ
રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન 2022માં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચ્યા હતા. તે સમયે દેશની સરકારી તેલ કંપનીઓએ લગભગ 15 દિવસમાં 13 વખત પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા હતા. ખાસ કરીને 10 દિવસ સુધી સતત 80 પૈસાથી લઈને 90 પૈસા સુધીનો વધારો કરવામાં આવ્યો હતો.એ જ મોડેલ ફરી અપનાવવામાં આવે તેવી આશંકા હવે વધી રહી છે. કારણ કે હાલ મધ્યપૂર્વમાં વધતા તણાવ, Hormuz Straitમાં ઉભી થયેલી અનિશ્ચિતતા અને વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં તેજીથી તેલ કંપનીઓ પર ભારે દબાણ સર્જાયું છે.

કેમ વધી રહ્યા છે પેટ્રોલ-ડીઝલના ભાવ?
ભારત તેની જરૂરિયાતનું લગભગ 90 ટકા ક્રૂડ ઓઈલ આયાત કરે છે. એટલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ મોંઘું થાય એટલે તેનો સીધો પ્રભાવ દેશના પેટ્રોલ-ડીઝલના ભાવ પર પડે છે. અહેવાલો મુજબ યુએસ-ઈરાન તણાવ અને મધ્યપૂર્વ સંકટ બાદ ક્રૂડના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના દરમાં 1 ડોલરનો વધારો થાય તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં લગભગ 50થી 60 પૈસા સુધી વધારો થઈ શકે છે. ક્રૂડના ભાવમાં થયેલા મોટા ઉછાળાને કારણે તેલ કંપનીઓને દરરોજ હજારો કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે.

રોજના હજારો કરોડનું નુકસાન!
કેન્દ્ર સરકાર અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓના અંદાજ મુજબ પેટ્રોલ-ડીઝલના ભાવ લાંબા સમય સુધી સ્થિર રાખવાના કારણે IOC, BPCL અને HPCL જેવી કંપનીઓને ભારે આર્થિક બોજ સહન કરવો પડી રહ્યો છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે કંપનીઓને દરરોજ રૂ.1000 કરોડથી વધુનું નુકસાન થઈ રહ્યું છે. આ કારણે હવે કંપનીઓ ધીમે-ધીમે ભાવ વધારીને નુકસાનની ભરપાઈ કરવાનો રસ્તો અપનાવી શકે છે.

મોટા શહેરોમાં નવા ભાવ શું?
તાજેતરના વધારા બાદ દિલ્હી સહિત દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.
દિલ્હીમાં પેટ્રોલ રૂ.97.77 પ્રતિ લિટર
દિલ્હીમાં ડીઝલ રૂ.90.67 પ્રતિ લિટર
મુંબઈમાં પેટ્રોલ રૂ.106થી વધુ
કોલકાતામાં પેટ્રોલ રૂ.108થી વધુ પહોંચી ગયું છે.

હવે આગળ શું?
વિશેષજ્ઞોનું માનવું છે કે જો મધ્યપૂર્વમાં તણાવ યથાવત રહેશે અને ક્રૂડના ભાવ ઊંચા જ રહેશે તો આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધુ વધારો જોવા મળી શકે છે. 2022ની જેમ દર થોડા દિવસે 80 થી 90 પૈસાનો વધારો કરવાનો મોડેલ ફરી અપનાવવામાં આવે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. આ સતત ભાવવધારાનો સીધો પ્રભાવ સામાન્ય માણસના બજેટ, ટ્રાન્સપોર્ટ ખર્ચ, ખાદ્યવસ્તુઓના ભાવ અને મોંઘવારી પર જોવા મળી શકે છે.

Most Popular

To Top