Business

છોટાઉદેપુર-ગોંડલ એસ.ટી. બસમાં હોબાળો, ડ્રાઇવર નશામાં હોવાની શંકાએ મુસાફરો ભયભીત

બપોરે બિયર પીધી હતી” ડ્રાઇવરની કબૂલાત બાદ પોલીસ હરકતમાં

પાવીજેતપુર: છોટાઉદેપુરથી ગોંડલ જતી એસ.ટી. બસમાં ડ્રાઇવર દારૂના નશામાં હોવાની શંકા જતાં મુસાફરોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. ઘટના પાવીજેતપુર બસ સ્ટેન્ડ ખાતે સામે આવી હતી, જ્યાં બસ પહોંચતા જ મુસાફરો તાત્કાલિક બસમાંથી નીચે ઉતરી પડ્યા હતા અને ડ્રાઇવર વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો.

મળતી માહિતી મુજબ બસમાં અંદાજે 40થી 50 મુસાફરો સવાર હતા. મુસાફરોનું કહેવું હતું કે ડ્રાઇવરનું વર્તન શંકાસ્પદ લાગતું હતું અને બસ ચલાવવાની રીતને લઈને તેઓ ડરી ગયા હતા. ઘટનાક્રમ દરમિયાન ડ્રાઇવરે “મે બપોરે બિયર પીધી હતી” તેવી કબૂલાત કરી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

પરિસ્થિતિ ગંભીર બનતા બસ કંડક્ટરે તાત્કાલિક 112 ઇમરજન્સી સેવા પર જાણ કરી હતી. જાણ થતાં જ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ડ્રાઇવરની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બનાવ બાદ મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોએ જાહેર પરિવહનમાં મુસાફરોની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની બેદરકારી ન ચલાવવાની માંગ ઉઠાવી હતી.

Most Popular

To Top