Vadodara

શુભલક્ષ્મી સોસાયટીના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે છ વર્ષ પૂર્ણ થતાં રુદ્રી પૂજા અને મહાપ્રસાદી યોજાઈ

પુરુષોત્તમ માસના પાવન અવસરે આજુબાજુની સાત સોસાયટીના ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા

વડોદરા, તા. 18
હરણી-વારસિયા રીંગ રોડ ખાતે આવેલી શુભલક્ષ્મી સોસાયટીમાં બિરાજમાન સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે છ વર્ષ પૂર્ણ થતા વિશેષ રુદ્રી પૂજા તેમજ મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે આજુબાજુની સાત જેટલી સોસાયટીના ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી ધર્મલાભ લીધો હતો.
મંદિર ટ્રસ્ટ અને આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સિદ્ધેશ્વર મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા વર્ષ 2020 દરમિયાન કરવામાં આવી હતી. જોકે તે સમય દરમિયાન કોરોનાની મહામારી ચાલી રહી હોવાથી મહાપ્રસાદી જેવા જાહેર ધાર્મિક કાર્યક્રમનું આયોજન શક્ય બન્યું નહતું.
આ વર્ષે પુરુષોત્તમ માસના પવિત્ર આરંભને ધ્યાનમાં રાખીને વિશેષ રુદ્રી પૂજા અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો અને હર હર મહાદેવના જયઘોષથી વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.
આ આયોજનને સફળ બનાવવા માટે આસપાસની તમામ સોસાયટીના રહિશો, સેવાભાવી યુવાનો તેમજ ભાવિકોએ ઉત્સાહભેર સહયોગ આપ્યો હતો. આયોજકોએ તમામ સહયોગીઓ અને ઉપસ્થિત ભક્તોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Most Popular

To Top