સુરત જિલ્લાના નવા કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકે 2016 બેચના આઈએએસ અધિકારી તેજસ દિલીપભાઈ પરમારે આજે સત્તાવાર રીતે પદભાર સંભાળતા જ વહીવટી તંત્રમાં નવી ઊર્જાનો સંચાર થયો છે. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી આઈએએસ અધિકારીઓની બદલીમાં તેમની સુરત કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. અગાઉ ફરજ બજાવતા ડૉ. સૌરભ પારધીની ગાંધીનગર ખાતે બદલી થતા હવે સુરતની વિકાસયાત્રાની જવાબદારી તેજસ પરમારના હાથમાં આવી છે.
કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા સન્માન સમારંભમાં નવા કલેક્ટરનું અધિકારીઓ, કર્મચારીઓ અને શહેરના આગેવાનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને નવા કાર્યકાળ માટે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પદભાર સંભાળ્યા બાદ તેમણે તાત્કાલિક અધિકારીઓ સાથે બેઠક યોજી જિલ્લાની સ્થિતિ, પ્રજાલક્ષી સેવાઓ અને ચાલી રહેલા વિકાસકાર્યો અંગે સમીક્ષા શરૂ કરી દીધી હતી.
ચાર્જ સંભાળતા જ તેજસ પરમાર એક્શન મોડમાં જોવા મળ્યા હતા. શહેર અને જિલ્લાના વિવિધ વિકાસ પ્રોજેક્ટ, રસ્તા, પાણી, આરોગ્ય, શહેરી સુવિધાઓ અને સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગે તેમણે અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. ખાસ કરીને સામાન્ય નાગરિકોને સરકારી સેવાઓ ઝડપથી અને પારદર્શક રીતે મળે તે મુદ્દે તેમણે ભાર મૂક્યો હતો. પ્રજાની સમસ્યાઓનો ઝડપી નિકાલ થાય અને વહીવટ વધુ જવાબદાર બને તે માટે તેમણે સ્પષ્ટ દિશા દર્શાવી હતી.રસપ્રદ બાબત એ છે કે નવા કલેક્ટર તેજસ પરમાર સુરતથી પહેલેથી જ પરિચિત છે. તેમણે સુરતની પ્રતિષ્ઠિત SVNIT સંસ્થામાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. એટલે શહેરનો સ્વભાવ, વિકાસની ગતિ અને અહીંની જરૂરિયાતો અંગે તેમને સારી સમજ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
મૂળ બનાસકાંઠાના પાલનપુરના રહેવાસી તેજસ પરમાર UPSC પરીક્ષામાં સમગ્ર ભારતમાં 310મો રેન્ક મેળવી પાલનપુરના પ્રથમ IAS અધિકારી બન્યા હતા. તેઓ અગાઉ દાહોદ આસિસ્ટન્ટ કલેક્ટર, અમરેલી DDO, ગાંધીનગર શહેરી વિકાસ વિભાગમાં ડેપ્યુટી સેક્રેટરી, MGVCLના મેનેજિંગ ડાયરેક્ટર , જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર જેવી મહત્વપૂર્ણ જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી ચૂક્યા છે.
પત્રકારો સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે સુરત દેશના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંનું એક છે અને આવી વિકાસયાત્રાનો ભાગ બનવો ગૌરવની બાબત છે. સરકારની યોજનાઓ છેવાડાના માણસ સુધી પહોંચે, સાથે જ લોકોની સમસ્યાઓનો સમયસર ઉકેલ આવે અને પ્રજાને ન્યાય સાથે સરળ સેવા મળે તે જ તેમની પ્રથમ પ્રાથમિકતા રહેશે.