National

યુપીમાં રસ્તા પર નમાજ પઢવા પર CM યોગી તાડૂકયા: પ્રેમથી માનો નહીં તો કાર્યવાહી થશે

ઉત્તર પ્રદેશમાં બકરી-ઈદ પહેલા રસ્તાઓ પર નમાજને લઈને ફરી એકવાર રાજકીય અને સામાજિક ચર્ચા ગરમાઈ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનઊમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે રાજ્યમાં રસ્તાઓ પર નમાજ પઢવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે લોકો પ્રેમથી નિયમો માને તો સારું, નહીં તો સરકારને બીજો રસ્તો અપનાવવો પડશે. યોગી આદિત્યનાથે જણાવ્યું કે કોઈ પણ વ્યક્તિને જાહેર રસ્તાઓ પર ભીડ એકઠી કરવાની અથવા ટ્રાફિકને અવરોધવાની છૂટ નહીં મળે. તેમણે કહ્યું કે નમાજ પઢવી હોય તો તેના માટે નિર્ધારિત સ્થળો છે, જેમ કે મસ્જિદો અને ઈદગાહ. પરંતુ જાહેર રસ્તાઓ પર ધાર્મિક કાર્યક્રમો સ્વીકાર્ય નહીં બને. તેમણે ભારપૂર્વક કહ્યું કે રસ્તાઓ સામાન્ય લોકો માટે બનાવવામાં આવ્યા છે. કોઈ પણ વ્યક્તિ કે સમૂહને આવન-જાવનમાં મુશ્કેલી ઊભી કરવાનો અધિકાર નથી. સીએમએ કહ્યું કે કાયદો દરેક માટે સમાન છે અને રાજ્ય સરકાર કોઈપણ પ્રકારની અવ્યવસ્થા સહન નહીં કરે. જ્યારે કેટલાક લોકોએ મુખ્યમંત્રીને કહ્યું કે અમારી સંખ્યા વધારે છે તો રસ્તા સિવાય ક્યાં જવું? ત્યારે સીએમ યોગીએ કડક શબ્દોમાં જવાબ આપ્યો કે, જો સંખ્યા વધારે હોય તો શિફ્ટમાં નમાઝ પઢો. જો તમારા ઘરમાં રહેવાની જગ્યા ન હોય તો વસ્તી પર નિયંત્રણ કરો. જો સિસ્ટમ સાથે રહેવું હોય તો નિયમ અને કાયદા માનવા જ પડશે.

કાર્યક્રમ દરમિયાન યોગી આદિત્યનાથે બરેલીમાં અગાઉ થયેલા હંગામાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે કેટલાક લોકોએ ત્યાં હાથ અજમાવ્યો હતો અને પછી કાયદાની તાકાત પણ જોઈ લીધી હતી. આ નિવેદન 2025માં થયેલા વિવાદ સાથે જોડાયેલું માનવામાં આવે છે. તે સમયે ‘આઈ લવ મોહમ્મદ’ મુદ્દે વિવાદ સર્જાયો હતો અને મુસ્લિમ નેતા મૌલાના તૌકીર રઝાએ નમાજ બાદ પ્રદર્શનની જાહેરાત કરી હતી. પોલીસે પરવાનગી ન આપતાં સ્થિતિ તંગ બની હતી અને પથ્થરમારો બાદ લાઠીચાર્જની ઘટના પણ બની હતી. મુખ્યમંત્રીએ પોતાના ભાષણમાં ઉત્તર પ્રદેશના વિકાસ અને બદલાતી છબી પર પણ વાત કરી. તેમણે કહ્યું કે એક સમય એવો હતો જ્યારે રાજ્યની ઓળખ કટ્ટા અને બોમ્બથી થતી હતી, પરંતુ હવે ઉત્તર પ્રદેશમાં બ્રહ્મોસ મિસાઈલનું ઉત્પાદન થઈ રહ્યું છે. તેમના જણાવ્યા મુજબ, સકારાત્મક વાતાવરણ વિકાસને પ્રોત્સાહન આપે છે, જ્યારે નકારાત્મકતા ગુનાખોરી અને માફિયાગીરીને જન્મ આપે છે.

યોગીએ કહ્યું કે આજે રાજ્યમાં મોટા પ્રમાણમાં રોકાણ આવી રહ્યું છે અને રોજગારીની નવી તકો ઊભી થઈ રહી છે. તેમણે દાવો કર્યો કે ઉત્તર પ્રદેશ ઝડપથી 1 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. મહિલાઓની સુરક્ષા મુદ્દે પણ સીએમ યોગીએ પોતાની સરકારની કામગીરીનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે અગાઉ મહિલાઓ દિવસ દરમિયાન પણ બહાર નીકળતા ડરતી હતી, જ્યારે હવે તેઓ નાઈટ શિફ્ટમાં પણ સુરક્ષિત રીતે કામ કરી ઘરે પરત ફરી શકે છે. તેમણે દાવો કર્યો કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પહેલા કરતાં ઘણી મજબૂત બની છે. યોગી આદિત્યનાથે પશ્ચિમ બંગાળ ચૂંટણી દરમિયાન પણ રસ્તાઓ પર નમાજના મુદ્દે નિવેદનો આપ્યા હતા. તેમણે મમતા બેનર્જી સરકાર પર તુષ્ટિકરણની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમનું કહેવું હતું કે ઉત્તર પ્રદેશમાં રસ્તાઓ પર નમાજની મંજૂરી નથી કારણ કે રસ્તાઓ ટ્રાફિક માટે છે, ધાર્મિક કાર્યક્રમો માટે નહીં.

ઉલ્લેખનીય છે કે યોગી સરકારે 2022 અને 2023 દરમિયાન પણ સ્પષ્ટ આદેશો જાહેર કરીને રસ્તાઓ પર નમાજ પઢવા પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકારના આદેશ અનુસાર, ઈદ, અલવિદા જુમ્મા અથવા અન્ય ધાર્મિક પ્રસંગોએ નમાજ ફક્ત મસ્જિદો, ઈદગાહ અથવા નિર્ધારિત સ્થળો પર જ પઢવાની રહેશે. બકરી-ઈદ પહેલા આવેલા આ નિવેદન બાદ રાજ્યમાં રાજકીય ચર્ચાઓ વધુ તેજ બની ગઈ છે. એક તરફ સરકાર કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો ઉઠાવી રહી છે, જ્યારે બીજી તરફ વિરોધ પક્ષો આ મુદ્દાને ધાર્મિક સ્વતંત્રતા સાથે જોડીને સરકાર પર નિશાન સાધી રહ્યા છે.

Most Popular

To Top