Vadodara

શહેરમાં કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિક મુક્ત રસ્તાઓ માટે પાલિકા એક્શન મોડમાં

વડોદરામાં VMCનો મોટો સપાટો, કમાટીબાગ, ફતેગંજ અને મંગલ બજાર સહિતના વિસ્તારોમાંથી મેગા ઝુંબેશ વચ્ચે ગેરકાયદે દબાણોનો સફાયો

વિવિધ વોર્ડની ટીમો સાથે રાખીને રસ્તા નડતરરૂપ લારી-ગલ્લા, પથારા અને શેડ તોડી પાડી સામાન જપ્ત કરાયો

(પ્રતિનિધિ), વડોદરા. તા.18

વડોદરા :- શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને જાહેર રસ્તાઓ ખુલ્લા કરવાના આશય સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તારીખ 18 મે 2016 ના રોજ પાલિકાની ‘દબાણ અને સિક્યુરિટી શાખા’ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં અડીંગો જમાવીને બેઠેલા ગેરકાયદે દબાણકર્તાઓ સામે આકરી ઝુંબેશ ચલાવી રસ્તાઓ સાફ કરવામાં આવ્યા હતા. કોર્પોરેશનની આ સપાટાભરી કામગીરીને પગલે ગેરકાયદેસર રીતે રસ્તાઓ રોકીને ઊભેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

મહાનગરપાલિકાની દબાણ શાખાની જુદી જુદી ટીમોએ શહેરના પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ઝોનના અનેક મુખ્ય માર્ગો પરથી નડતરરૂપ દબાણો દૂર કર્યા હતા.

  • મુખ્ય સર્કલો અને ગેટ પાસે :- કમાટીબાગ ગેટ નં. 02, ફતેગંજ પેવેલિયન ગેટની આસપાસ, EME સર્કલ, હરણી એરપોર્ટ ગેટ નં. 02 ની સામે તેમજ પંડ્યા બ્રિજ નીચેથી મોટા પાયે દબાણો હટાવી રસ્તાઓ ખુલ્લા કરાયા હતા.
  • શ્રમિકોને ખસેડાયા :- ફતેગંજ બ્રિજ પાસે આવેલ BSNL ગ્રાઉન્ડ અને રાત્રી બજાર વુડા સર્કલ પાસેથી રસ્તા પર અડચણ ઉભી કરતા શ્રમિકોને દૂર કરવામાં આવ્યા હતા.
  • વોર્ડ સ્તરની સંયુક્ત કામગીરી :- વોર્ડ નં. 14 ની ટીમને સાથે રાખીને પ્રતાપ ટોકીઝ તથા ભીડભાડવાળા મંગલ બજાર વિસ્તારમાંથી દબાણો સાફ કરવામાં આવ્યા હતા. જ્યારે વોર્ડ નં. 18ની ટીમ દ્વારા સન સીટી સર્કલ પાસે ફૂટપાથ રોકીને બેઠેલા પથારાવાળાઓને હટાવી, ગેરકાયદે શેડ તોડી પાડીને તમામ સામાન જપ્ત કરી લેવાયો હતો.

માત્ર રૂટિન કામગીરી જ નહીં, પરંતુ સ્થાનિક નાગરિકોની ફરિયાદોને આધારે પણ તંત્રએ કડક વલણ અપનાવ્યું હતું. અલવાનાકા કોતર તલાવડી પાસે લાંબા સમયથી ખડકાયેલા દબાણો દૂર કરી સામાન જમા લેવાયો હતો. આ ઉપરાંત, માંજલપુરના બાલ-ગોપાલ કોમ્પલેક્ષ પાસે ગેરેજવાળાઓ દ્વારા રસ્તા પર પાર્ક કરાતી ગાડીઓ અને દુકાનદારોનો નડતરરૂપ સામાન હટાવી રસ્તો અવરજવર માટે મોકળો કરાયો હતો. જ્યારે માણેજા ક્રોસિંગ પર આવેલી શ્રીજી હોસ્પિટલ પાસે ગેરકાયદે ઊભી રહેતી લારી-ગલ્લાં અને ભંગાર ટુ-વ્હીલરોનું મોટું દબાણ પણ તંત્રએ જપ્ત કરી લીધું છે.

વડોદરા મહાનગરપાલિકાના જનસંપર્ક વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શહેરની સુંદરતા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે આ પ્રકારની ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે. જાહેર રોડ-રસ્તા કે ફૂટપાથ પર ગેરકાયદેસર કબ્જો કરનારાઓ સામે કાયદેસરના પગલાં ભરી સામાન જપ્ત કરવાની કાર્યવાહી વધુ તેજ બનાવવામાં આવશે.

Most Popular

To Top