Business

સાધલીમાં વધુ એક યુવકનો મૃતદેહ મળતા ચકચાર

ચાર દિવસમાં બીજી ઘટના સામે આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ

ભોમેતરા વગા વિસ્તારમાંથી ગુમ યુવકનો મૃતદેહ મળી આવ્યો

શિનોર: શિનોર તાલુકાના સાધલી ગામે વધુ એક યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો મુજબ સાધલી ગામના ભોમેતરા વગા વિસ્તારમાંથી ગુમ થયેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં શિનોર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન મૃતક યુવકની ઓળખ સાધલી ગામના ભીલવાડા વિસ્તારમાં રહેતા રવિન્દ્ર શનાભાઈ વસાવા તરીકે થઈ હતી. મૃતકની ઓળખ તેના સગાસંબંધીઓએ કપડાંના આધારે કરી હતી.

ચાર દિવસ અગાઉ પણ યુવકનો લટકતો મૃતદેહ મળ્યો હતો

ઉલ્લેખનીય છે કે, ચાર દિવસ અગાઉ જ સાધલી ગામના મહુડા વગા વિસ્તારમાંથી ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલતમાં એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. તે ઘટનાની શાહી હજી સુકાઈ પણ નહોતી ત્યાં ફરી એકવાર યુવકનો મૃતદેહ મળી આવતા ગ્રામજનોમાં ભય અને ચિંતાનો માહોલ ફેલાયો છે.

હાલ સમગ્ર મામલે શિનોર પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. યુવકના મોત પાછળનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

Most Popular

To Top