Gujarat

ડિજિટલ જનગણનામાં જોડાયા હર્ષ સંઘવી અને મુકેશ દલાલ, OTP સુરક્ષાને લઈને આપ્યું ખાસ માર્ગદર્શન

દેશભરમાં શરૂ થયેલી “જન ગણના-2027” પ્રક્રિયામાં હવે ડિજિટલ ભાગીદારીને પ્રોત્સાહન મળી રહ્યું છે. ગુજરાતના ગૃહમંત્રી Harsh Sanghavi અને સુરતના સાંસદ Mukesh Dalalએ ઓનલાઈન પોર્ટલ મારફતે પોતાની અને પરિવારની વિગતો ભરી “સ્વ-ગણતરી” પૂર્ણ કરી નાગરિકોને પણ આ અભિયાનમાં જોડાવા અપીલ કરી છે. બંને આગેવાનોએ ખાસ કરીને OTP સુરક્ષાને લઈને લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે.


ડેપ્યુટી સી એમ સંઘવીએ સુરત સ્થિત પોતાના નિવાસસ્થાનેથી સત્તાવાર પોર્ટલ પર ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરી હતી. આ દરમિયાન સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન સહિત વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડે. સી.એમ હર્ષ સંઘવીએ જણાવ્યું કે, નવી ડિજિટલ વ્યવસ્થાના કારણે હવે લોકો ઘરે બેઠા સરળતાથી પોતાની માહિતી સબમિટ કરી શકે છે, જેના કારણે સમય અને પ્રક્રિયા બંનેમાં પારદર્શકતા વધશે.


બીજી તરફ સુરતના સાંસદ મુકેશ દલાલે પોતાના કાર્યાલય ખાતેથી ઓનલાઈન વિગતો ભરી રાષ્ટ્રીય અભિયાનમાં ભાગ લીધો હતો. તેમની સાથે એડિશનલ સિટી સેન્સસ ઓફિસર રાકેશ મોદી અને અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. મુકેશ દલાલે કહ્યું કે, વસ્તી ગણતરી માત્ર આંકડાકીય પ્રક્રિયા નથી, પરંતુ દેશના ભવિષ્યની યોજના ઘડવાનું મહત્વપૂર્ણ સાધન છે. સરકારને મળતી સચોટ માહિતીના આધારે જ આરોગ્ય, શિક્ષણ, આવાસ, પરિવહન અને રોજગાર જેવી યોજનાઓ વધુ અસરકારક રીતે અમલમાં મૂકી શકાય છે.


આ સમગ્ર પ્રક્રિયામાં સૌથી મહત્વની બાબત તરીકે ડે.સી.એમ હર્ષ સંઘવીએ OTP સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે સ્પષ્ટ કહ્યું કે, જે લોકો પોતે ઓનલાઈન “સેલ્ફ ગણતરી” કરશે, તેમને સિસ્ટમ તરફથી OTP આવશે, પરંતુ જો કોઈ સરકારી અધિકારી કે કર્મચારી ફિઝિકલ વેરિફિકેશન માટે ઘરે આવે તો તેને ક્યારેય OTP આપવો નહીં. સરકારી કર્મચારીઓ OTP માંગતા નથી, તેથી લોકો સાયબર ઠગાઈથી સાવચેત રહે.

ડે.સી.એમ અને સાંસદ બંનેએ નાગરિકોને અપીલ કરી કે, ઘરની સુવિધાઓ, જીવનશૈલી અને આર્થિક સ્થિતિ અંગે સાચી માહિતી આપવાથી સરકારને છેવાડાના લોકો સુધી યોજનાઓ પહોંચાડવામાં મદદ મળશે. 17થી 31 મે દરમિયાન ચાલનારી આ ડિજિટલ જનગણના અભિયાનમાં લોકો ભાગ લે અને જવાબદારીપૂર્વક માહિતી આપે તેવી અપીલ કરવામાં આવી છે.

Most Popular

To Top